રિપોર્ટ મુજબ સ્મૃતિ અને અમરે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીની બીજી સીઝન માટે શૂટિંગ શરૂ કરી દીધું છે
સ્મૃતિ ઈરાની, અમર ઉપાધ્યાય
એકતા કપૂરનો આઇકૉનિક શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ ફરી એક વાર ચર્ચામાં છે. આ શોની બીજી સીઝન આવવાની છે. આ સીઝનમાં તુલસી તરીકે સ્મૃતિ ઈરાની અને મિહિર તરીકે અમર ઉપાધ્યાય જોવા મળશે. આ શોની પહેલી સીઝનમાં સ્મૃતિ અને મિહિરની જોડી બહુ લોકપ્રિય બની હતી, પણ પછી અમર ઉપાધ્યાયે આ શો છોડી દેતાં તેને બીજા ઍક્ટરથી રિપ્લેસ કરવામાં આવ્યો હતો અને મિહિર-તુલસીની ઓરિજિનલ જોડી તૂટી ગઈ હતી.
હવે જ્યારે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝન આવવાની છે ત્યારે એક વિડિયો વાઇરલ થયો છે જેમાં સ્મૃતિ ઈરાની અને અમરને એકતા કપૂરની ઘરની બહાર જોવામાં આવ્યાં હતાં. આ વિડિયોમાં અમર ઉપાધ્યાય સફેદ રંગનું શર્ટ અને ઑફ-વાઇટ પૅન્ટમાં હૅન્ડસમ લાગી રહ્યો હતો. અમરે એકતાના ઘરની બહાર પોઝ પણ આપ્યા હતા. આ પછી સ્મૃતિ ઈરાની પણ એકતાના ઘરની બહાર જોવા મળ્યાં હતાં. રિપોર્ટ મુજબ સ્મૃતિ ઈરાનીએ અને અમરે બીજી સીઝન માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ નવી સીઝન ૧૫૦ એપિસોડની હશે, કારણ કે પાછલી સીઝનના ૨૦૦૦ એપિસોડ પૂર્ણ થવામાં માત્ર ૧૫૦ એપિસોડ બાકી છે.

