શૈલેશ લોઢા અને ડૉ. સ્વાતિ લોઢાની એક દીકરી છે સ્વરા લોઢા. તેનાં હાલમાં જોધપુરના ઉમેદ પૅલેસમાં લગ્ન કરવામાં આવ્યાં હતાં, જેના વિડિયો ઇન્ટરનેટ પર ઘણા વાઇરલ થયા હતા.
ફૅમિલી સાથે શૈલેશ લોઢા
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તારક મેહતા બનેલા અને હિન્દી કવિ તરીકે પ્રસિદ્ધ શૈલેશ લોઢા લક્ષ્મીના નહીં પણ સરસ્વતીના ઉપાસક છે. ૧૧ વર્ષની ઉંમરે બાળકવિ તરીકેની ઉપાધિ મેળવી લેનાર શૈલેશ લોઢાને ટીવી પર હિન્દી કવિતાઓના પ્રોગ્રામના ૧૪૦૦-૧૫૦૦ એપિસોડ કરીને કવિતાઓને એક જુદા માધ્યમ પર લાવવાનું શ્રેય આપી શકાય. હાલમાં તેમનું એક હિન્દી નાટક ચાલી રહ્યું છે ત્યારે જાણીએ આ જાણીતા કલાકાર વિશે કેટલુંક જાણવા જેવું
૧૯૮૧ આસપાસનો સમય. રાજસ્થાનના એક મારવાડી પરિવારના ૧૧ વર્ષના બાળક શૈલેશને વાંચનનો ભરપૂર શોખ હતો. ઘરમાં દુનિયાભરનાં સામયિકો અને અખબારો આવતાં. માતા-પિતા બન્ને નોકરી કરતાં એટલે ઘરે એકલો કંટાળતો છોકરો પુસ્તકો અને સામયિકો વચ્ચે જ પોતાનો સમય પસાર કરતો. એના પરિણામે એક દિવસ તે નોટબુક લઈને બેઠો અને એકસાથે ૯-૧૦ કવિતાઓ લખી કાઢી. માતા-પિતા ઘરે આવ્યાં ત્યારે બાળકે તેમને આ કવિતાઓ સંભળાવી. પિતા ખૂબ જ ખુશ થઈ ગયા. પુત્રની પ્રતિભા જોઈને તરત પિતા એક રાષ્ટ્રીય સ્તરના ભવ્ય કવિસંમેલનમાં તેને લઈ ગયા. આ દિવસ એટલે ૧૯૮૧ની ૨૦ સપ્ટેમ્બર જ્યારે ૧૧ વર્ષના શૈલેશ લોઢા પોતાની કવિતા પ્રસ્તુત કરે છે અને તેમને ‘બાળકવિ’ની ઉપાધિ મળે છે. એ સમયે ઘણા કવિઓ તખ્ખલુસ રાખતા હતા એટલે આ નાનકડા બાળકે પણ ‘શૈલેશ લોઢા - દીપક’ એવું એક તખ્ખલુસ પોતાના માટે પસંદ કર્યું હતું. એ નામથી તેમણે થોડાં વર્ષો કવિતાઓ લખી હતી. એ પહેલા કાર્યક્રમમાં એ સમયે તેમને ૧૦૦ રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયું હતું જે ૧૯૮૧માં ઘણું ગણાય. મોટા ભાગે કવિઓ અને લેખકો સરસ્વતીના ઉપાસકો ગણાય અને તેમની પાસે લક્ષ્મી ફરકે પણ નહીં એવી છાપ વર્ષોથી સમાજમાં છે. એ છાપને તોડવાનું કામ જે ધુરંધરોએ કર્યું છે એમાંના એક શૈલેશ લોઢા ગણાય, કારણ કે છેલ્લા ઘણા સમયથી હિન્દી સાહિત્યમાં ‘સૌથી વધુ મહેનતાણું પામનારા કવિ’ તરીકે તેઓ પ્રખ્યાત છે.
ADVERTISEMENT
એ વાત સાચી છે કે કવિઓ માટે એક દરિદ્રતાની છબિ લોકોના મનમાં હતી, પણ જ્યારે મને મોકો મળ્યો ત્યારે હું એ છબિને બદલી શક્યો એનો મને ખૂબ ગર્વ છે એમ જણાવીને શૈલેશ લોઢા કહે છે, ‘કવિસંમેલનોનાં ગાદલાંને મેં સોફામાં પરિવર્તિત કર્યાં. કવિઓની જર્નીને મેં રોડ-વેઝથી ઍર-વેઝમાં પરિવર્તિત કરી. એક કક્ષાએ પહોંચ્યા પછી મેં સામેથી પૈસા માગ્યા કે આટલા તો થશે અને લોકોએ આપ્યા. જોકે આ બદલાવને મેં મારા સુધી સીમિત નથી રાખ્યો. હું ગામેગામ જઈને કવિઓને શોધી લાવ્યો. અઢળક કવિઓને મેં મંચ આપ્યો, લોકો સમક્ષ તેમની પ્રતિભા અને કામને લાવવાનો મોકો આપ્યો. આમ કવિ તરીકે મારા જીવનમાં જ બદલાવ નથી લાવ્યો હું, કવિઓના જીવનમાં પણ બદલાવ લાવ્યો; એટલું જ નહીં, કવિતાના માધ્યમમાં પણ બદલાવ લાવ્યો. હું એકમાત્ર કવિ છું જેણે ટીવી પર કવિતાના ૧૩૦૦-૧૪૦૦ એપિસોડ કર્યા છે. ‘વાહ-વાહ’, ‘વાહ ક્યા બાત હૈ’, બહોત ખૂબ’ અને ‘વાહ ભાઈ વાહ’ જેવા કવિતાઓના ટીવી-પ્રોગ્રામ્સ કર્યા. એક સમયે ફક્ત કવિસંમેલનોમાં રસિકો ભેગા થઈને કવિતાઓ સાંભળતા ત્યાં ટીવીના માધ્યમથી કવિતાઓનું રસપાન વ્યાપક સ્વરૂપે થયું. હું કવિતાને મા તરીકે સંબોધું છું. એક સમયે મા કવિતાએ પોતાના પુત્ર તરીકે મારું ખૂબ જતન કર્યું અને એ પુત્ર મોટો થઈને તેમની યોગ્ય સેવા કરી શક્યો એ વાતની હાશ છે મને અને આ સેવા નિરંતર કરતો રહીશ એ પણ એક સત્ય છે.’
બાળપણ
મૂળ જોધપુરના શૈલેશ લોઢાના પિતા સરકારી કર્મચારી હતા એટલે રાજસ્થાનમાં જુદી-જુદી જગ્યાએ તેમની બદલી થતી રહેતી અને એ મુજબ શૈલેશ લોઢા અલગ-અલગ જગ્યાની સ્કૂલોમાં ભણતા રહ્યા. તેમને બે મોટી બહેનો છે. વાતો કરવી તેમને બાળપણથી ખૂબ ગમતી. એક બાળક તરીકે તેમને ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)ના ઑફિસર બનવું હતું તો ક્યારેક પાઇલટ બનવાની પણ ઇચ્છા થતી, પણ તેમના વાંચનના શોખે તેમને કવિ બનાવી દીધા. જોકે ભણવામાં હોશિયાર હતા. હંમેશાં અવ્વલ આવતા. કોઈ પણ પ્રકારની વક્તૃત્વસ્પર્ધામાં હંમેશાં મેડલ તેમના નામનો જ રહેતો. નાનપણમાં તેઓ કાર્ટૂન પણ બનાવતા. હાસ્ય અને વ્યંગ સાથે અનુરાગ તેમને નાનપણથી હતો. લખવાની આદત વિશે જણાવતાં શૈલેશ લોઢા કહે છે, ‘પિતાજીને એમ હતું કે હું અક્ષર સુધારું એટલે દરરોજ બે પાનાં અંગ્રેજી અને બે પાનાં હિન્દી લખવાનું તેઓ કહેતા. ત્યારે મારા જ બાળમનમાં એ વાત આવેલી કે લખવું તો છે પણ જોઈ-જોઈને શું કામ લખવું, કશું મૌલિક પણ લખી શકાય. એટલે આ વિચાર સાથે મેં લખવાનું શરૂ કર્યું. બસ, આ જ રીતે લખવાનું શીખ્યો. બાકી હું સાયન્સનો વિદ્યાર્થી હતો. એ સમયે બાળક થોડું પણ હોશિયાર હોય તો તેને સાયન્સમાં જ મૂકતા. આર્ટ્સ તો એ લોકો લેતા જેમને જીવનમાં કશું જ કરવું નહોતું. મેં કાયદાનો અભ્યાસ પણ કર્યો. કૉલેજ મેં જોધપુરમાં જ કરી. એ સમયે મને નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં જવું હતું. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં જઈને હિન્દીમાં માસ્ટર ઑફ આર્ટ્સ (MA) કરવું હતું, પણ પરિવારની પરિસ્થિતિ એવી હતી નહીં કે એ શક્ય બને. આ બધા વચ્ચે મારી મમ્મીનો અકસ્માત થયો અને તે શારીરિક રીતે અક્ષમ બની ગઈ. એ સમયે મને લાગ્યું કે મારે પરિવારને સપોર્ટ કરવા માટે નોકરી કરવી જ પડશે. સાયન્સનું ભણતર મને અહીં કામ લાગ્યું અને મેં દવાના સેલ્સમૅન તરીકેની નોકરી લઈ લીધી, જેની ટ્રેઇનિંગ માટે હું મુંબઈ આવેલો. જોકે એ સમયે મને બિલકુલ અંદાજ નહોતો કે આ મારી કર્મભૂમિ બની જશે.’
ટીવી પર પદાર્પણ
નાનપણથી કવિસંમેલનોમાં તેઓ જતા રહ્યા અને કવિતાઓની રચના ચાલુ જ રહી. નોકરી કરવાની શરૂ કરી ત્યારે એ કાર્યની ગતિ થોડી ધીમી પડી. ૧૯૮૮માં ‘દીપક, મેરે પીડિત હૈં’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થવાનો હતો જે ન થઈ શક્યો. એમાં બીજી કવિતાનો ઉમેરો કરીને તેમણે ૧૯૯૫માં ‘તો મત પઢો મેરી કવિતાએં’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો. એ પછી મુંબઈમાં અધિકારી બ્રધર્સમાંથી માર્કન્ડ અધિકારીએ શૈલેશ લોઢાને લાઇવ સાંભળેલા એટલે એક કાવ્ય સંબંધિત શો બનાવવાની ઇચ્છા સાથે તેમણે શૈલેશ લોઢાને ‘વાહ-વાહ’ નામનો શો ઑફર કર્યો. આ તેમનો પહેલો ટીવી-શો હતો જે આજથી વીસ-બાવીસ વર્ષ પહેલાંની વાત છે. એ પછી તેમણે કૉમેડી સર્કસમાં કામ કર્યું, જેમાં તેમના પાર્ટનર તરીકે અપરા મહેતા હતાં. છેલ્લે તેમણે સ્ટાર પ્લસની સિરિયલ ‘ઍડ્વોકેટ અંજલિ અવસ્થી’માં કામ કર્યું. હાલમાં ‘ડૅડ્સ ગર્લફ્રેન્ડ’ નામનું હિન્દી નાટક તેઓ કરી રહ્યા છે જેની ઇન્ડિયા ટૂરમાં તેઓ વ્યસ્ત છે. તેમનાં કવિસંમેલનો પણ ચાલે જ છે.
કડવો અનુભવ
શૈલેશ લોઢા કૉમેડી સર્કસ કરી રહ્યા હતા ત્યારે પ્રોડ્યુસર આસિત કુમાર મોદીનો તેમને કૉલ આવ્યો. જોકે તેઓ તેમનું નામ લેતા જ નથી. આસિત કુમાર મોદીને તેઓ એક પ્રોડ્યુસર તરીકે જ સંબોધે છે. એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું હોટેલમાં હતો અને મેં તેમને સીધા ઍરપોર્ટ પર આવવા જણાવ્યું કે તમારે મળવું હોય તો ત્યાં જ આવી જાઓ. તેઓ અને એ સમયના ડિરેક્ટર બન્ને ઍરપોર્ટ પર આવ્યા. તેમણે કહ્યું કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ નામની સિરિયલ અમે બનાવીએ છીએ અને તમારે ‘તારક મેહતા’નો રોલ ભજવવાનો છે. મેં હા પાડી. ૨૦૦૮થી લઈને ૨૦૨૨ સુધી ૧૪ વર્ષ મેં આ સિરિયલ કરી.’
પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સાથે અણબનાવને કારણે તેમણે આ સિરિયલ છોડી. એ પછી પ્રોડ્યુસરે તેમને પૈસા ચૂકવેલા નહીં એટલે તેમણે કેસ પણ કર્યો, જેના સેટલમેન્ટ માટે મે ૨૦૨૩માં પ્રોડ્યુસરે ૧.૦૫ કરોડ રૂપિયા શૈલેશ લોઢાને ચૂકવવા પડ્યા. ૧૪ વર્ષની તેમની મહેનત અપાર ખ્યાતિ અને લોકપ્રિયતાની સાથે-સાથે તેમને જીવનનો અતિ કડવો અનુભવ પણ આપી ગઈ એમ કહી શકાય. એ વિશે બિલકુલ વાત ન કરવા માગતા શૈલેશ લોઢા કહે છે, ‘હું માનું છું કે આ રોલ મારા જીવનનો એક નાનકડો ભાગ હતો, મારું સમસ્ત જીવન નહીં. બધા લોકોને હજી પણ એના જ વિશે વાત કરવી છે, પણ મારે હવે નથી કરવી. જે હતું એ પતી ગયું છે. હવે હું એ સિરિયલનો ભાગ નથી એટલે એના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.’
જીવનસાથી
શૈલેશ લોઢાનાં લગ્ન ૩૦ વર્ષ પહેલાં ડૉ. સ્વાતિ લોઢા સાથે થયાં હતાં. બન્ને જોધપુરનાં જ છે. ૧૯૯૫ની ૧૮ ઑક્ટોબરે તેઓ પહેલી વાર મળ્યાં હતાં. એ મુલાકાત વિશે વાત કરતાં શૈલેશ લોઢા કહે છે, ‘એ સમયે ત્યાંના લોકલ સામયિકનો હું ઑનરરી તંત્રી હતો. એના એક સ્ટુડન્ટ પેજ માટે એક સ્કૉલર છોકરીનો ઇન્ટરવ્યુ લેવાનો હતો. તેણે માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA)માં ટૉપ કરેલું. સ્વાતિનું નામ મેં પહેલાં પણ સાંભળેલું, કારણ કે ખૂબ નાની ઉંમરમાં તેની કવિતાની બુક છપાઈ હતી. મને તેનામાં રસ પડ્યો. મેં કહ્યું કે તેનો ઇન્ટરવ્યુ તો હું જ લઈશ. ૨૦ મિનિટનો ઇન્ટરવ્યુ સાડાત્રણ કલાક ચાલ્યો. મેં ત્યારે જ નક્કી કરી લીધેલું, પણ છતાંય ૨૪ કલાક પછી મેં તેને પૂછ્યું કે તું મારી સાથે જીવન જીવવાનું પસંદ કરીશ? તેણે હા પાડી. અમારી કાસ્ટ તો એક જ હતી એટલે લગ્ન પણ સરળતાથી થઈ ગયાં. આજે સ્વાતિ ૧૧થી વધુ પુસ્તકો લખી ચૂકી છે. એક ઇન્સ્ટિટ્યૂટની તે ડિરેક્ટર છે.’
શૈલેશ લોઢા અને ડૉ. સ્વાતિ લોઢાની એક દીકરી છે સ્વરા લોઢા. તેનાં હાલમાં જોધપુરના ઉમેદ પૅલેસમાં લગ્ન કરવામાં આવ્યાં હતાં, જેના વિડિયો ઇન્ટરનેટ પર ઘણા વાઇરલ થયા હતા.
જલદી ફાઇવ
શોખ : મને લક્ઝરી કાર અને જૂતાંનો ખૂબ શોખ છે, જે મેં મહેનતથી વસાવેલાં પણ છે.
ડર : બે વર્ષ પહેલાં જ મારા પિતાનો સ્વર્ગવાસ થયો. મને આપ્તજનોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે છે. એ ડર દરેક વ્યક્તિના મનમાં હોય છે, મને પણ છે.
અફસોસ : હું હિન્દી સાહિત્ય વિદ્યાર્થીની જેમ ભણી ન શક્યો એનો મને ખૂબ અફસોસ છે.
સુખની પરિભાષા : મિત્રોની સાથે જીવું ત્યારે કે મંચ પર કવિતા સંભળાવતો હોઉં એ મારા જીવનનું સૌથી મોટું સુખ છે. સંગીત મને સુખ આપે છે. કોઈ રચના કરું ત્યારે સુખ પામું છું.
જીવનમાં અસહ્ય શું લાગે? : આડંબર મને બિલકુલ સહન નથી થતો.
દિનચર્યા
શૈલેશ લોઢાના ઘરમાં સરસ્વતીની એક મોટી મૂર્તિ છે. કોઈ પણ લેખક કે કલાકાર સરસ્વતીનો ઉપાસક જ ગણાય, પરંતુ અમુક વર્ષો પહેલાં કોઈ સંતની સલાહ મુજબ તેમણે દરરોજ મા સરસ્વતીના જાપ પણ શરૂ કર્યા હતા. ઘરેથી ક્યારેક શૂટ પર જવાનું હોય કે પ્રોગ્રામ માટે બહારગામ જવાનું હોય, તેઓ સરસ્વતીપૂજા કરીને જ ઘરમાંથી બહાર પગ મૂકે છે. રાત્રે મોડા સૂવાની આદત છે. સવારે મોડા ઊઠે તો પણ નિયમ મુજબ પૂજા છોડતા નથી. જોકે પોતાની કઈ આદત બદલવા માગો છો એ સવાલના જવાબમાં તેઓ કહે છે, ‘હું પ્રોફેશનલ વર્કમાં મહેનતુ છું, પણ પોતાનાં કામો માટે ખૂબ આળસુ છું. મારી જાતને હું ભવ્ય આળસુ કહીશ જે મારે છોડવી છે. આ ઉપરાંત હું મારવાડી છું, પણ પૈસાની ખાસ વૅલ્યુ મારા જીવનમાં રહી નથી. ગણતરી અમારા લોહીમાં હોય એમ કહેવાય છે, પણ મારી અંદર એ ગણતરી છે જ નહીં. સવારે મારા ખિસ્સામાં જેટલા પૈસા મૂકો, રાત પડ્યે ખર્ચાઈ જાય છે. હું માનું છું કે પૈસો જેટલો તમે ખર્ચી શકો એ જ તમારો ગણાય. મેં ઘણા અભાવના દિવસો જોયા છે. આજે ઈશ્વરની કૃપાથી પૈસો છે. જે વસ્તુ આજે છે કાલે નથી એટલે એના વિશે હું વિચારતો નથી. એ રીતે હું મારવાડી નથી.’
