ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીની બીજી સીઝન આવતાંવેંત નંબર વન બની ગઈ એને પગલે સ્મૃતિ ઈરાની ખુશખુશાલ
સ્મૃતિ ઈરાની
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ની બીજી સીઝન એન્ટ્રીની સાથે જ આ શો નંબર વન બની ગયો છે ત્યારે આ શોની સફળતા વિશે સ્મૃતિ ઈરાનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘મને લાગે છે કે અમે બેન્ચમાર્ક સેટ કર્યો છે. એથી અમારે ફક્ત પોતાની જ સાથે સ્પર્ધા કરવાની છે, પરંતુ હું એ પણ સમજું છું કે જ્યારે અમે પચીસ વર્ષ પહેલાં આ શો શરૂ કર્યો હતો ત્યારે કોઈ સોશ્યલ મીડિયા નહોતું, કોઈ OTT નહોતું, દર્શકો વિભાજિત નહોતા, અમારી પાસે કોઈ પબ્લિક રિલેશન નહોતું, કોઈ હોર્ડિંગ નહોતું, કોઈ ઇન્સ્ટાગ્રામ નહોતું કે જેના દ્વારા અમે દર્શકોને આગામી એપિસોડ્સ કે કલાકારો વિશે જણાવી શકીએ. કોઈ સ્ટારના કોઈ ફૉલોઅર્સ નહોતા. એથી અમારા હાથ બંધાયેલા હોવા છતાં એ સમયે આટલી શાનદાર પ્રોડક્ટ આપવી એ ઐતિહાસિક હતું. આજે અમે ઇતિહાસ રચ્યો છે, કારણ કે પચીસ વર્ષ પછી પણ એ જ કલાકારો, એ જ પ્રોડક્શન-હાઉસ અને એ જ નેટવર્ક સાથે સફળ થવું એ કોઈ શો માટે શક્ય નથી. એથી મને લાગે છે કે અમે ઇતિહાસ ફરીથી રચ્યો છે. આજે અમે આવક કે નંબર્સના દબાણથી મુક્ત છીએ, કારણ કે અમે પહેલાં જ અમારી ઓળખ સાબિત કરી બતાવી છે.’


