સ્મૃતિ ઈરાનીના આ કમબૅક શોને પહેલા જ અઠવાડિયે ૨.૩ મિલ્યન ઇમ્પ્રેશન મળી છે
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’
ટીવીની દુનિયામાં દર અઠવાડિયે હલચલ થાય છે અને ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ના આધારે કયો શો નંબર વન છે એની જાહેરાત કરવામાં આવે છે. હવે આ અઠવાડિયાના TRPના આંકડા આવી ગયા છે એ પ્રમાણે આ અઠવાડિયે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ એન્ટ્રીની સાથે જ નંબર વન શો બની ગયો છે.
સ્મૃતિ ઈરાનીનો આ કમબૅક શો સ્ટાર પ્લસ પર ૨૯ જુલાઈથી શરૂ થયો છે. પહેલા જ અઠવાડિયે શોને ૨.૩ મિલ્યન ઇમ્પ્રેશન મળી છે.
ADVERTISEMENT
બીજા નંબર પર રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ છે. આ શો વર્ષોથી ચાહકોના દિલની ધડકન બની રહ્યો છે. શોમાં રૂપાલી ગાંગુલી લીડ રોલમાં છે. ત્રીજા નંબર પર ‘અનુપમા’વાળા રાજન શાહીનો જ શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ છે. આ શો સોળ-સતર વર્ષથી ચાલી રહ્યો છે. આ શોમાં અત્યાર સુધી ચાર જનરેશનની વાર્તા બતાવવામાં આવી છે. શો આજે પણ ટૉપ 5માં ટકી રહે છે. આ યાદીમાં ચોથા નંબર પર ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ’ છે. આ શો હવે પૂરો થઈ ગયો છે. શોના ફિનાલે એપિસોડ્સને ચાહકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. આ સિવાય પાંચમા નંબર પર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છે. આ શો થોડા સમય પહેલાં નંબર વન પર હતો. શોમાં ભૂતનીનો ટ્રૅક આવ્યો હતો જેને ફૅન્સે ખૂબ પસંદ કર્યો હતો. હવે શો ધીમે-ધીમે પાંચમા નંબર પર આવી ગયો છે.


