ગૌતમી સોશ્યલ મીડિયા પર થતી અણછાજતી કમેન્ટ્સને કારણે ભારે માનસિક તાણમાંથી પસાર થઈ રહી હતી અને આ કારણે જ તેણે બ્રેક લીધો છે.
ગૌતમી કપૂર
ટીવી-ઍક્ટ્રેસ ગૌતમી કપૂરે બે મહિના સુધી સોશ્યલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ગૌતમી સોશ્યલ મીડિયા પર થતી અણછાજતી કમેન્ટ્સને કારણે ભારે માનસિક તાણમાંથી પસાર થઈ રહી હતી અને આ કારણે જ તેણે બ્રેક લીધો છે.
પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં ગૌતમીએ કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા મારા માટે નકારાત્મકતા ભરેલું સ્થળ બની ગયું હતું. સવારમાં જ ફોન ખોલતાં અશ્લીલ અને અપમાનજનક કમેન્ટ્સ વાંચવા મળતી. દિવસની શરૂઆત માટે એ અત્યંત અસ્વસ્થ કરનારું હતું. જીવનના આ પડાવે મને કોઈની માન્યતા મેળવવાની જરૂર નથી અને હું મારી જગ્યા પર ખુશ છું. કેટલાક લોકો દ્વારા મારા પરિવાર અને નજીકના લોકો વિશે પણ અપમાનજનક વાતો કરવામાં આવતી હતી. એક સવારે રીલ્સ ચેક કરતી વખતે મને એક અત્યંત અશ્લીલ અને આઘાતજનક કમેન્ટ જોવા મળી, જેના કારણે મારી માનસિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. કેટલીક ટિપ્પણીઓ એટલી ખરાબ હતી કે તેના પ્રભાવને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. મેં જ્યારથી સોશ્યલ મીડિયા ચેક કરવાનું બંધ કર્યું ત્યારે અચાનક સમજાયું કે મારી પાસે હવે ઘણો વધારાનો સમય છે. હવે હું પર્સનલ લાઇફ ખાનગી જ રાખીશ અને ત્યારે જ સોશ્યલ મીડિયામાં પાછી આવીશ જ્યારે મારે મારા કામ વિશે કંઈ શૅર કરવાનું હશે.’
