તેણે ‘ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી’માં કામ કર્યું હતું.

ગૌરી પ્રધાન
ગૌરી પ્રધાને જણાવ્યું છે કે શેડ્યુલને લઈને દરરોજ ‘કુટુંબ’ના સેટ પર તેનો ઝઘડો થતો હતો. તેણે ‘ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી’માં કામ કર્યું હતું. હિતેન તેજવાણી સાથે લગ્ન કર્યા બાદ અને મમ્મી બન્યા બાદ તેણે ઍક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. જોકે તેણે ‘મેરી આશિકી તુમસે હી’થી કમબૅક કર્યું હતું. તે સેટ પર હંમેશાં સમયસર પહોંચી જતી હતી. ગૌરીએ કહ્યું કે ‘હા, શેડ્યુલર સાથે મારો રોજ ઝઘડો થતો હતો. એ સામાન્ય વસ્તુ છે. હું સેટ પર સમયસર આવવા અને સમયસર જવા માટે જાણીતી હતી. ‘કુટુંબ’માં મારે વિગ પહેરવાની હતી. એથી રાતના જ્યારે ૯ વાગતા તો સૌકોઈ એકબીજાની સામે જોતાં, કારણ કે ૯ વાગી ગયા હતા. હું મારી વિગ ઉતારતી, આપતી અને સેટ પરથી શૂટિંગની વચ્ચે નીકળી જતી હતી. મારું એવું માનવું હતું કે જો હું સમયસર સેટ પર આવું છું તો સમયસર ઘરે જવાનો મને અધિકાર છે. હું એ વસ્તુ માટે જાણીતી હતી અને મારી સાથે કામ કરવું અઘરું છે એવું લોકો માનતા હતા.’ ટેલિવિઝન કરતાં ફિલ્મોમાં કામ કરવું તેને સરળ લાગે છે એવું જણાવતાં ગૌરી પ્રધાને કહ્યું કે ‘તમે જ્યારે ટેલિવિઝન શો કરો છો, પછી ભલે તમે એક જ શો ઘણા સમય સુધી કરતા હો. બાદમાં તમને જ્યારે ફિલ્મમાં કામ કરવાની તક મળે તો એ તમારા માટે સહેલું બની જાય છે. એવું લાગે છે કે તમે હૉલિડે પર છો. એ ખૂબ જ સરળ અને તરોતાજા હોય છે ને એમાં કોઈ તકલીફ નથી હોતી.’