અમિતાભ બચ્ચન અને ઝીનત અમાને ‘લાવારિસ’, ‘દોસ્તાના’, ‘મહાન’ અને ‘પુકાર’માં સાથે કામ કર્યું હતું.
ઝીનત અમાન અને અમિતાભ બચ્ચન
ઝીનત અમાને જણાવ્યું કે એક સમયે અમિતાભ બચ્ચનને કારણે તેમને ડિરેક્ટરે ખૂબ અપશબ્દો કહ્યા હતા. એ ફિલ્મનું નામ આપવાની તેમણે ના પાડી છે. અમિતાભ બચ્ચન અને ઝીનત અમાને ‘લાવારિસ’, ‘દોસ્તાના’, ‘મહાન’ અને ‘પુકાર’માં સાથે કામ કર્યું હતું. ૧૧ ઑક્ટોબરે અમિતાભ બચ્ચનનો બર્થ-ડે હતો. તેમને શુભેચ્છા આપતાં જે કડવો અનુભવ થયો હતો એ વિશે ઝીનત અમાને વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. ફિલ્મના સીનનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઝીનત અમાને કહ્યું કે ‘મિસ્ટર બચ્ચનના બર્થ-ડે નિમિત્તે તેમને વિશ કરતાં હું ચૂકી ગઈ હતી. એથી એની ભરપાઈ કરવા માટે હું તમારી સાથે એક સ્ટોરી શૅર કરું છું. એ સમયની વાત છે જ્યારે મિસ્ટર બચ્ચન સેટ પર મોડા આવ્યા હતા. હું એ ફિલ્મનું નામ નહીં કહું, એ વર્ષ પણ નહીં જણાવું અને એમાં સામેલ ડિરેક્ટર કે પ્રોડ્યુસરનું નામ પણ નહીં જણાવું. અમારી સવારની શિફ્ટ હતી અને હું સેટ પર પહોંચી ગઈ હતી. હંમેશ મુજબ મારા હાથમાં સ્ક્રિપ્ટ હતી અને સ્ટુડિયોમાં જતી વખતે હું મારી લાઇન્સ રિહર્સ કરી રહી હતી. હું સીધી મેકઅપ રૂમમાં પહોંચી ગઈ હતી અને ક્રૂને માહિતી આપી હતી કે જ્યારે મિસ્ટર બચ્ચન શૂટ માટે તૈયાર હોય તો મને જણાવજો. અમારો રોલ ટાઇમ પૂરો થઈ ગયો હતો, પરંતુ મિસ્ટર બચ્ચનની કોઈ માહિતી ન મળી. ત્રીસ મિનિટ પસાર થઈ ગઈ અને પિસ્તાળીસ મિનિટ થઈ ગઈ. એક કલાક બાદ મારા દરવાજે કોઈએ નૉક કર્યું. ADએ જણાવ્યું કે મિસ્ટર બચ્ચન આવી ગયા છે અને તેઓ સીધા સેટ પર જતા રહ્યા છે. હું તરત ઊભી થઈ અને હું સેટ પર પગ રાખી જ રહી હતી ત્યારે ડિરેક્ટરે મને અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું હતું. તેમને એમ લાગતું હતું કે મારા કારણે કામ અટકી ગયું છે. ડિરેક્ટર જ્યારે મારા પર વરસી રહ્યા હતા ત્યારે કાસ્ટ અને ક્રૂ એકદમ ચૂપચાપ ઊભા હતા. હું એક શબ્દ બોલી શકી નહીં અને મારી આંખોમાં પાણી આવી ગયાં હતાં. મેં ડિરેક્ટર સામે જોયું અને સીધી મારા મેકઅપ રૂમમાં પહોંચી ગઈ હતી અને મારી ટીમને પૅકઅપ કરવા કહ્યું હતું. મારી મેકઅપ કિટ બંધ કરી રહ્યા હતા ત્યારે જ પ્રેમાળ પ્રોડ્યુસર આવ્યા અને તેમની પાછળ મિસ્ટર બચ્ચન પણ હતા. તેમણે કહ્યું કે ‘બૅબ્સ, હું જાણું છું કે મારી ભૂલ છે. એ માણસ તો પાગલ છે અને તેણે ડ્રિન્ક કર્યું છે. તેને જવા દો અને ચાલ કામ શરૂ કરીએ.’ મેં મિસ્ટર બચ્ચનની માફીનો સ્વીકાર કર્યો, પરંતુ જે પ્રકારે મારું અપમાન થયું એથી હું શૂટિંગના મૂડમાં નહોતી. હું થોડી શાંત થઈ અને સેટ પર પાછી ફરી તો ડિરેક્ટર મારા પગે પડી ગયો અને મારી પાસે માફી માગી હતી. એ બધું મેલોડ્રામેટિક હતું. મેં ફિલ્મ તો પૂરી કરી, પરંતુ બાદમાં એ ડિરેક્ટર સાથે ફરીથી ક્યારેય કામ નહોતું કર્યું.’


