નંદિતા દાસની આ ફિલ્મ ૧૭ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં સયાની ગુપ્તા અને ગુલ પનાગ લીડ રોલમાં જોવા મળશે
‘ઝ્વિગાટો’માં કામ કરીને મને ડિલિવરી મૅનને આવતી તકલીફ વિશે જાણવા મળ્યું : કપિલ શર્મા
કપિલ શર્માનું કહેવું છે કે ‘ઝ્વિગાટો’માં કામ કરીને તેને ડિલિવરી મૅનને આવતી ખરી તકલીફ વિશે જાણવા મળ્યું છે. એથી તેમના પ્રત્યે તેને સહાનુભૂતિ વધી ગઈ છે. નંદિતા દાસની આ ફિલ્મ ૧૭ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં સયાની ગુપ્તા અને ગુલ પનાગ લીડ રોલમાં જોવા મળશે. ડિલિવરી મૅન વિશે કપિલ શર્માએ કહ્યું કે ‘ડિલિવરી બૉય્ઝને જે પ્રકારનો સંઘર્ષ કરવો પડે છે ખાસ કરીને આ ફિલ્મમાં કામ કર્યા બાદ એ હું સમજી શક્યો છું. મને એક કિસ્સો યાદ આવે છે કે મારી વાઇફ ગિન્નીએ એક વખત કેક ઑર્ડર કરી હતી અને ડિલિવરી વખતે એ થોડી ખરાબ થઈ ગઈ હતી. ડિલિવરી મૅને એ વખતે જણાવ્યું કે ૧૫ મિનિટની અંદર તે એ કેકને રિપ્લેસ કરશે. ગિન્નીએ મને આ બાબત વિશે જણાવ્યું. જોકે મને થોડો ખચકાટ થયો અને ડિલિવરી બૉયને મેં નવી કેક લાવવાની ના પાડી દીધી. મને એ વખતે એહસાસ થયો કે જો એ કેક રિપ્લેસ કરશે તો કદાચ તેની સૅલેરીમાંથી પૈસા કટ થશે. આ ફિલ્મમાં કામ કરીને મને જાણ થઈ કે ડિલિવરી મૅનને દરરોજ કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમની સખત મહેનત અને સમર્પણની પ્રશંસા કરતાં હું શીખ્યો છું. હું એમ નથી કહેતો કે તેમને ટીપ આપવામાં આવે, પરંતુ સન્માનપૂર્વક તેમને થૅન્ક યુ તો કહી શકીએ છીએ. એથી તેઓ પણ ખુશ થશે.’


