સોનમ કપૂરે ૨૦૧૯માં ‘ધ ઝોયા ફૅક્ટર’માં સાઉથના ઍક્ટર દુલ્કર સલમાન સાથે કામ કર્યું હતું.
રાણા દગુબટ્ટી
રાણા દગુબટ્ટીએ હાલમાં જ સોનમ કપૂર આહુજાની માફી માગી છે. સોનમે ૨૦૧૯માં ‘ધ ઝોયા ફૅક્ટર’માં સાઉથના ઍક્ટર દુલ્કર સલમાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી. આ ફિલ્મ બાદ એક ઇવેન્ટમાં રાણા દગુબટ્ટી ગયો હતો. આ ઇવેન્ટ ‘કિંગ ઑફ કોથા’ની હતી. એ સમયે સોનમનું નામ લીધા વગર રાણાએ કહ્યું હતું કે બૉલીવુડની હિરોઇન દ્વારા તેમની ફિલ્મના સેટ પર દુલ્કર સલમાનનો સમય બગાડવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતાં રાણાએ આટલાં વર્ષ બાદ સફાઈ આપતાં કહ્યું કે ‘મારી કમેન્ટ્સને લઈને સોનમે જે નેગેટિવિટીનો સામનો કરવો પડ્યો છે એને લઈને મને ખૂબ જ દુઃખ છે. મેં એ વાત ખૂબ જ મજાકમાં કહી હતી. એક ફ્રેન્ડ તરીકે આપણે મજાક-મસ્તી કરતાં રહીએ છીએ અને મને દુઃખ છે કે મારા શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. હું આ માટે સોનમ અને દુલ્કરની માફી માગું છું. હું તેમને બન્નેને ખૂબ જ પસંદ કરું છું. મને આશા છે કે મેં આ જે સફાઈ આપી છે એને કારણે જે પણ ગેરસમજ થઈ હશે એને દૂર કરવામાં આવશે. મને સમજવા માટે તમારો આભાર.’

