રિશી-નીતુનાં લગ્નમાં રેખાને આ રૂપમાં જોઈને જયા બચ્ચનની આંખમાં આવી ગયાં હતાં આંસુ
રેખા
અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા વચ્ચેના સંબંધોના તાણાવાણાથી માત્ર બૉલીવુડ જ નહીં, તેમના ફૅન્સ પણ માહિતગાર છે. રેખા અને જયા કોઈ કાર્યક્રમમાં ભાગ્યે જ સાથે જોવા મળ્યાં છે. જોકે ભૂતકાળમાં એક વખત આવા જ પ્રસંગે રેખા અને જયા સામસામે આવી ગયાં હતાં અને આ પ્રસંગ હતો રિશી કપૂરનાં લગ્નનો.
આ ઘટના ૧૯૮૦ની બાવીસમી જાન્યુઆરીની છે. આ દિવસે રિશી કપૂર અને નીતુ સિંહનાં લગ્ન થઈ રહ્યાં હતાં અને એમાં હાજરી આપવા માટે હિન્દી ફિલ્મઉદ્યોગના ઘણા જાણીતા લોકો રાજ કપૂરના આર. કે. સ્ટુડિયો પહોંચ્યા હતા. આ લગ્નમાં અમિતાભ બચ્ચન અને તેમનાં પત્ની જયા બચ્ચનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે આ લગ્નમાં સૌથી વધારે ચર્ચા રેખાની થઈ હતી, કારણ કે એ સમયે રેખા પરિણીત ન હોવા છતાં પરિણીત મહિલાની જેમ માથામાં સિંદૂર લગાવીને અને મંગળસૂત્ર પહેરીને પહોંચી હતી અને તેનો આ લુક ચર્ચાસ્પદ બન્યો હતો.
ADVERTISEMENT
એક રિપોર્ટ પ્રમાણે રિશી-નીતુનાં લગ્નમાં જેવી રેખાની એન્ટ્રી થઈ કે બધાની નજર તેના પર સ્થિર થઈ હતી. એ સમયે રેખા આર. કે. સ્ટુડિયોના બગીચામાં પહોંચી ગઈ હતી અને તેની નજર ડિરેક્ટર મનમોહન દેસાઈ સાથે વાત કરી રહેલા અમિતાભ પર હતી. થોડી વાર પછી રેખા અમિતાભ પાસે ગઈ અને સામાન્ય વાતચીત કરવા લાગી. આ જોઈને જયા બચ્ચને લાંબા સમય સુધી શાંત રહેવાનો પ્રયાસ કર્યો, પણ આખરે તેમનો પોતાની જાત પર કન્ટ્રોલ ન રહ્યો અને તેમનાં આંસુ વહેવા લાગ્યાં.
જોકે પછી પાછળથી એક ઇન્ટરવ્યુમાં રેખાએ સ્પષ્ટતા કરી હતી કે તેનું સિંદૂર અને મંગળસૂત્ર માત્ર એક ફિલ્મના શૂટિંગ માટેના લુકનો ભાગ હતો અને સેટ પરથી સીધા લગ્નમાં જતી વખતે તે એને ઉતારવાનું ભૂલી ગઈ હતી.


