વિક્રાન્તે પોતાનું આયોજન જણાવીને દીપિકાની ઓછા કલાકની શિફ્ટની માગણીનું સમર્થન કર્યું
વિક્રાન્ત મેસી
દીપિકા પાદુકોણની ૮ કલાક કામ કરવાની માગણી બાદ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. દીપિકાએ આ જ શરતને કારણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ છોડી દીધી હતી. ત્યાર બાદ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ દીપિકાનું સમર્થન કર્યું હતું. હવે આ યાદીમાં એક નવું નામ જોડાયું છે. અભિનેતા વિક્રાન્ત મેસીએ પણ દીપિકાની ૮ કલાક કામ કરવાની માગણીનું સમર્થન કર્યું છે.
વિક્રાન્તે એક ઇન્ટરવ્યુમાં દીપિકાનું સમર્થન કરતાં કહ્યું હતું કે તે પણ થોડાં વર્ષોમાં આવું જ કરવા ઇચ્છે છે. વિક્રાન્તે કહ્યું હતું કે ‘હું ખૂબ જલદી આવું કંઈક કરવાની ઇચ્છા રાખું છું. હું કહેવા ઇચ્છું છું કે આપણે સાથે કામ કરી શકીએ, પરંતુ હું ફક્ત ૮ કલાક જ કામ કરીશ. સાથે જ આ એક વિકલ્પ પણ આપીશ, કારણ કે જ્યારે તમે ફિલ્મ બનાવો છો ત્યારે એમાં ઘણી બીજી બાબતો પણ સામેલ હોય છે. હું ૮ કલાક કામ કરવા માટે મારી ફી ઘટાડવા તૈયાર છું. પૈસા ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને મારે મારી ફી ઘટાડવી પડશે, કારણ કે હું ૧૨ કલાકની જગ્યાએ ૮ કલાક કામ કરીશ. જો હું મારા નિર્માતાને દિવસમાં ૧૨ કલાક ન આપી શકું તો મારે મારી ફી ઘટાડવી જોઈએ. આ એક લેવડ-દેવડની વાત છે. જ્યાં સુધી દીપિકાની વાત છે તો દીપિકા તાજેતરમાં માતા બની છે તેથી મને લાગે છે કે તે આની હકદાર છે.’

