મુમતાઝે કંઈ પણ છુપાવ્યા વગર ૭૭ વર્ષની ઉંમરે પણ જળવાયેલી સુંદરતા વિશે ખુલાસો કર્યો
મુમતાઝ
મુમતાઝે ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં બૉલીવુડ પર રાજ કર્યું હતું. હાલમાં તેમણે તેમના ફિટનેસ-રૂટીન, કૉસ્મેટિક-ફિલર્સના ઉપયોગ અને પ્લાસ્ટિક સર્જરી વિશેના તેમના વિચારોનો ખુલાસો કર્યો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મુમતાઝે જણાવ્યું કે તેઓ ફિટનેસ અને સેલ્ફ-કૅર માટે સજાગ છે. ૭૭ વર્ષનાં મુમતાઝે પોતાના રૂટીન વિશે ખુલાસો કર્યો જે તેમને આજે પણ ફિટ રાખવામાં મદદ કરે છે.
મુમતાઝે ઇન્ટરવ્યુમાં પોતાના ડાયટ, કૉસ્મેટિક ફિલર્સ અને પ્લાસ્ટિક સર્જરી વિશે વાત કરી છે. તેમણે કહ્યું છે કે ‘હું સાંજે સાત વાગ્યે ભોજન કરી લઉં છું. એક કલાકથી વધુ સમય સુધી વર્કઆઉટ કરું છું અને યોગ્ય ડાયટ-પ્લાનનું પાલન કરું છું. જો તમે વર્કઆઉટ નહીં કરો તો તમે સારા દેખાશો નહીં. મેં કોઈ ફેસલિફ્ટ કરાવ્યું નથી, પરંતુ મારા ચહેરાની ડાબી અને જમણી બાજુએ ફિલર્સનો ઉપયોગ કરું છું. એનાથી એક-બે મહિના ચાલે છે. હું દર ચાર મહિને એક વાર આ કરું છું. અત્યાર સુધી મને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂર નથી લાગી.’
મુમતાઝે યુવાન અભિનેત્રીઓમાં પ્લાસ્ટિક સર્જરીની વધતી લોકપ્રિયતા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ‘જો તમને લાગે કે તમારામાં કંઈક ખામી છે તો તમારે એ સુધારવી જોઈએ. દરેક વ્યક્તિ સારી અને સુંદર દેખાવા માગે છે. જો મને લાગે કે મારે કંઈક સુધારવાની જરૂર છે તો હું એ બદલીશ. જો મારે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે તો હું કરાવીશ. જો એનાથી હું સુંદર દેખાઉં તો શા માટે નહીં. દરેકે આ કરવું જોઈએ.’

