ગઇ કાલે મોડી રાતથી પીઢ અભિનેતાના મૃત્યુના સમાચાર વહેતા થયા છે

વિક્રમ ગોખલે
બોલિવૂડ અને મરાઠી ફિલ્મોના લોકપ્રિય ૭૭ વર્ષીય અભિનેતા વિક્રમ ગોખલે (Vikram Gokhale)ના નિધનના બુધવારે મોડી રાત્રે આવેલા સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ગઈ કાલે જ ખબર પડી કે વિક્રમ ગોખલેની હાલત ખૂબ જ નાજુક છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના થોડા સમય બાદ તેમના મૃત્યુના સમાચાર મળ્યા હતા આ વાતની પુષ્ટિ અભિનેતાના એક નજીકના મિત્રએ કરી હતી. તેમજ અનેક સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જોકે અભિનેતા વિક્રમ ગોખલેનો પરિવાર કહે છે કે, ‘તેમની હાલત ગંભીર છે અને હજી લાઇફ સપોર્ટ સિસ્ટમ ખસેડી નથી.’
વિક્રમ ગોખલેની હાલત નાજુક હતી અને તેઓ લગભગ ૧૫ દિવસથી પુણેની દિનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં દાખલ હતા. ત્યાં ગઈ કાલે તેમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. પરંતુ પુત્રીનું નિવેદન આવ્યું છે કે, પિતા જીવે છે અને હજુ પણ લાઈફ સપોર્ટ પર છે. તેણે ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે.
"Veteran Actor Vikram Gokhale is still critical and on life support, he has not passed away yet. Keep praying for him," confirms Vikram Gokhale`s daughter
— ANI (@ANI) November 23, 2022
(File pic) pic.twitter.com/bs53dFIbxE
પીઢ અભિનેતાની હાલત અત્યંત ગંભીર છે. અહેવાલો અનુસાર, વિક્રમ ગોખલે સારવાર દરમિયાન પ્રતિક્રિયા આપી શક્યા ન હતા અને તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. પરંતુ પછી વિક્રમ ગોખલેના મૃત્યુના સમાચાર આવ્યા, જેના પર પુત્રીએ પ્રતિક્રિયા આપી છે.
નોંધનીય છે કે, વિક્રમ ગોખલેના નિધનના સમાચાર ફેલાતા જ બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અજય દેવગનથી મધુર ભંડારકર અને અશોક પંડિત સુધી, ઘણા સેલેબ્સે શોક વ્યક્ત કર્યો અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું છે.
આ દરમિયાન ગુજરાતી મિડ-ડેને જાણવા મળ્યું છે કે, વિક્રમ ગોખલેનો પરિવાર ધાર્મિક કારણોસર તેમના નિધનના સમાચારની જાહેરાત નથી કરતા અને હાલત ગંભીર હોવાનું જણાવે છે.