તૃપ્તિ ડિમરીએ બૉલીવુડની કામ કરવાની પદ્ધતિ પર પ્રકાશ ફેંક્યો છે
તૃપ્તિ ડિમરી
છેલ્લાં કેટલાંક વર્ષોમાં બૉલીવુડમાં કેટલીક એવી ઍક્ટ્રેસ આવી છે જેમણે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે અને ટૂંક સમયમાં જ ઘણી લોકપ્રિયતા પણ હાંસલ કરી છે. આ યાદીમાં તૃપ્તિ ડિમરીનું નામ સૌથી ઉપર લઈ શકાય. વર્ષ ૨૦૨૦માં ફિલ્મ ‘બુલબુલ’માં ઍક્ટિંગનાં વખાણ થયા પછી તેને ઘણા મોટા પ્રોજેક્ટ્સ મળ્યા. તે રણબીર કપૂરની સામે ‘ઍનિમલ’માં જોવા મળી હતી અને આ ફિલ્મે ૯૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ પછી તૃપ્તિ ‘ભૂલભુલૈયા ૩’ અને ‘બૅડ ન્યુઝ’માં જોવા મળી હતી. જોકે આટલી સફળ ફિલ્મોમાં કામ કર્યા પછી પણ તૃપ્તિને એવું લાગે છે કે બૉલીવુડમાં આઉટસાઇડર્સને રોલ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે.
તૃપ્તિએ તાજેતરના ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું, ‘બૉલીવુડમાં એક આઉટસાઇડર હોવાને કારણે તમને વારંવાર તક આપવામાં નહીં આવે. આજે મારી પાસે એક ફિલ્મ છે. કાલે મારી પાસે બીજી કોઈ ફિલ્મ હશે, પરંતુ એ પછી શું થશે? એ પછી ખૂબ જ મહેનત કરવી પડી શકે છે. જો તમે આઉટસાઇડર હો અને બે ફિલ્મો સતત સારું પ્રદર્શન ન કરે અથવા તમારું કામ સમજાય નહીં તો સમજી લો કે તમે ગયા. આ જ છે વાસ્તવિકતા. આવી સ્થિતિમાં તમારે તમારા પર અને તમારાં પાત્રો પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો પડશે અને બાકીની બાબતોને બાજુએ મૂકીને ખૂબ મહેનત કરવી પડશે.’


