નસબંધી અને રસીકરણ કરીને શ્વાનોને હતા ત્યાં છોડી દેવાના, પણ આક્રમક અને રેબીઝ ધરાવતા કૂતરાઓને પૂરી રાખવાના
શેલ્ટરમાંથી કૂતરાઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ આવતાં જ ડૉગ-લવર્સમાં આનંદ જોવા મળ્યો હતો.
કી હાઇલાઇટ્સ
- જાહેરમાં ખવડાવી નહીં શકાય, એના માટે ચોક્કસ જગ્યા નક્કી કરવી પડશે
- લોકો અરજી કરીને રખડતા કૂતરા દત્તક લઈ શકશે
- માત્ર દિલ્હી જ નહીં, સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટે આપેલો આદેશ લાગુ પડશે
રખડતા કૂતરાઓના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આપેલા ચુકાદામાં બધા કૂતરાઓને શેલ્ટર હોમમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે હિંસક, આક્રમક અને બીમાર કૂતરાઓ શેલ્ટર હોમમાં જ રહેશે. કોર્ટે આ સંદર્ભમાં માત્ર દિલ્હી જ નહીં, અન્ય રાજ્યોને પણ નોટિસ મોકલી છે.
૧૧ ઑગસ્ટે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન (NCR)ની ગલીઓમાંથી રખડતા કૂતરાઓને પકડીને કાયમી ધોરણે શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ૧૪ ઑગસ્ટે શ્વાન પ્રેમીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કર્યા પછી જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયાની ત્રણ સભ્યોની બેન્ચે નિર્ણય અનામત રાખ્યો હતો. ગઈ કાલે તેમણે ચુકાદો જાહેર કર્યો હતો. રખડતા કૂતરાઓ પર ચુકાદો આપતી વખતે કોર્ટે ટિપ્પણી કરી હતી કે ‘આ એક વચગાળાનો આદેશ છે તેથી ચર્ચા ટૂંકમાં કરવામાં આવી છે. અમે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવ્યા છે.’
ADVERTISEMENT
ડૉગ-લવર્સ અને NGO અનુક્રમે ૨૫,૦૦૦ રૂપિયા અને બે લાખ રૂપિયા જમા કરાવે : સુપ્રીમ કોર્ટ
દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓ અંગેના એના અગાઉના આદેશમાં સુધારો કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘વ્યક્તિગત શ્વાનપ્રેમીઓ અને નૉન-ગવર્નમેન્ટલ ઍર્ગેનાઇઝેશન (NGO)એ અનુક્રમે ૨૫,૦૦૦ રૂપિયા અને બે લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આ રકમનો ઉપયોગ રખડતા કૂતરાઓ માટે માળખાગત સુવિધા બનાવવા માટે થવો જોઈએ. જો શ્વાનપ્રેમીઓ અને NGO આનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેમને આ કેસમાં હાજર થવાથી પ્રતિબંધિત કરવામાં આવશે.’
સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું?
- શેલ્ટર હોમમાં રહેલા કૂતરાઓની નસબંધી કરવામાં આવશે અને તેમને અૅન્ટિ-રેબીઝ રસી આપવામાં આવશે. ત્યાર બાદ જ તેમને છોડવામાં આવશે.
- રખડતા કૂતરાઓને રસી આપીને એ જ વિસ્તારમાં છોડી દેવામાં આવશે જ્યાંથી તેઓ પકડાયા હતા.
- આક્રમક અને હડકવાથી પીડાતા કૂતરાઓને છોડવામાં આવશે નહીં.
- રખડતા કૂતરાઓને સ્ટ્રીટ્સમાં ખવડાવી શકાશે નહીં. મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી (MCD)એ રખડતા કૂતરાઓને ખવડાવી શકાય એ માટે અમુક વિસ્તારો નક્કી કરવા પડશે. આ ચોક્કસ વિસ્તારોમાં જ કૂતરાઓને ખોરાક આપી શકાશે.
- કૂતરા કરડવાથી લોકોને હડકવાનો રોગ થયો છે. ઘણાં નાનાં બાળકો મૃત્યુ પામ્યાં છે અને ગંભીર રીતે ઘાયલ થયાં છે.
- કૂતરાઓને ખવડાવવા માટે નક્કી કરેલા વિસ્તારો નજીક નોટિસ બોર્ડ લગાવવામાં આવશે, જેમાં જણાવવામાં આવશે કે રખડતા કૂતરાઓને ફક્ત અહીં જ ખાવાનું આપવું.
- જો કોઈ શેરીઓમાં રખડતા કૂતરાઓને ખવડાવતું જોવા મળશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
- ચોક્કસ મ્યુનિસિપલ વૉર્ડમાં રખડતા કૂતરાઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ સંસ્થાઓ દ્વારા ખોરાક માટેના વિસ્તારો બનાવવામાં આવશે.
- જે લોકોએ કૂતરાઓને દત્તક લેવા છે તેમણે MCDમાં અરજી કરવી પડશે. તેમની એ જવાબદારી રહેશે કે કૂતરા સ્ટ્રીટમાં પાછા ન ફરે.
- સુપ્રીમ કોર્ટનો આદેશ આખા દેશમાં લાગુ પડશે.
- તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સેક્રેટરીઓને પણ નોટિસ મોકલવામાં આવી છે.
- સુપ્રીમ કોર્ટના આદેશના અમલીકરણમાં કોઈ પણ સંસ્થા કે NGO અવરોધ ઊભો નહીં કરી શકે.


