Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જગન્નાથ રથયાત્રાની તારીખને લઈને વિવાદ, ગજપતિ મહારાજાએ ISKCONના આયોજન સામે ઉઠાવ્યો વાંધો

જગન્નાથ રથયાત્રાની તારીખને લઈને વિવાદ, ગજપતિ મહારાજાએ ISKCONના આયોજન સામે ઉઠાવ્યો વાંધો

Published : 10 July, 2026 03:04 PM | Modified : 10 July, 2026 03:13 PM | IST | Odisha
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવએ ISKCON દ્વારા અલગ-અલગ તારીખે યોજાતી જગન્નાથ રથયાત્રા સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખીને પરંપરા જાળવવા માટે દખલની માગ કરી છે.

જગન્નાથપૂરી રથયાત્રાની ફાઇલ તસવીર

જગન્નાથપૂરી રથયાત્રાની ફાઇલ તસવીર


ઓડિશાના પુરી શહેરમાં 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની મુખ્ય રથયાત્રા યોજાશે. આ દરમિયાન પુરીના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવે ISKCON દ્વારા અલગ-અલગ તારીખે જગન્નાથ રથયાત્રા અને સ્નાન યાત્રા યોજવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. દિવ્યસિંહ દેવએ ૮ જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે અલગ તારીખે યાત્રા યોજવાથી વર્ષોથી ચાલી આવતી પ્રાચીન પરંપરાને નુકસાન પહોંચી શકે છે. ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવ શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિ (SJTMC)ના અધ્યક્ષ છે. તેમનો આક્ષેપ છે કે ISKCON દ્વારા રથયાત્રાનું આયોજન એવી તારીખે કરવામાં આવી રહ્યું છે, જે ધાર્મિક ગ્રંથોમાં જણાવેલી પરંપરા સાથે મેળ ખાતી નથી. જેના કારણે ભક્તોની લાગણી દુભાઈ રહી છે.

વિદેશોમાં અલગ તારીખે રથયાત્રા યોજાતા વિવાદ, ISKCONએ આપી સ્પષ્ટતા



ISKCON દ્વારા આ વર્ષે ૨૧ જૂને લંડન, ૧૪ જૂને ન્યૂયોર્ક સિટી અને ૫ જુલાઈએ સિડનીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ હતી. જોકે, વર્ષ 2026માં સ્નાન પૂર્ણિમા ૨૯ જૂને હતી અને પુરીમાં મુખ્ય રથયાત્રા ૧૬ જુલાઈના રોજ યોજાવાની છે. ISKCONનું કહેવું છે કે ભગવાન જગન્નાથ માત્ર એક સ્થળ પૂરતા સીમિત નથી, પરંતુ દુનિયાભરના ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. વિદેશોમાં હવામાન, સ્થાનિક પરિસ્થિતિ અને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને રથયાત્રાની તારીખો અલગ રાખવામાં આવે છે, જેથી વધુમાં વધુ લોકો આ ઉત્સવમાં જોડાઈ શકે અને જગન્નાથ સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રસાર થઈ શકે.


રથયાત્રાની તારીખને લઈને અગાઉ પણ થયા છે વિવાદ

રથયાત્રાને લઈને આ વિવાદ પહેલીવાર નથી થયો. વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં પણ પુરીના ગજપતિ મહારાજાએ ISKCONને વિનંતી કરી હતી કે વિદેશોમાં યોજાતી રથયાત્રા પણ પુરીના ધાર્મિક પંચાંગ મુજબ જ યોજવામાં આવે.
વર્ષ ૨૦૨૬માં આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો, કારણ કે ઘણા દેશોમાં રથયાત્રાનું આયોજન પુરીની રથયાત્રાની તારીખના ઘણા અઠવાડિયા પહેલાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મામલે સત્તાવાર રીતે વાંધો નોંધાવવામાં આવ્યો હતો.


ગમે તે તારીખે રથયાત્રા યોજવા સામે ગજપતિ મહારાજાનો વાંધો

ગજપતિ મહારાજાએ ઉજ્જૈન સ્થિત ISKCON મંદિર દ્વારા મધ્ય પ્રદેશના ૬૬ સ્થળોએ ૧૬થી ૨૫ જુલાઈ દરમિયાન યોજાનારી રથયાત્રા સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન જગન્નાથની રથયાત્રા આષાઢ શુક્લ દ્વિતીયાથી શરૂ થતો ૯ દિવસનો ખાસ ઉત્સવ છે. ગજપતિ મહારાજાના જણાવ્યા મુજબ, મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચાયેલા સ્કંદ પુરાણમાં પણ સ્નાન યાત્રા અને રથયાત્રાની નક્કી તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પોતાની રીતે અલગ તારીખે રથયાત્રા કાઢવી વર્ષોથી ચાલી આવતી પરંપરા અને ધાર્મિક માન્યતાઓ સાથે મેળ ખાતું નથી.

પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવનો જગન્નાથ સેવા સાથે જૂનો સંબંધ

હાલના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ ભોઈ વંશ સાથે જોડાયેલા છે. આ વંશને ભગવાન જગન્નાથની વર્ષોથી ચાલી આવતી પરંપરાના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે અફઘાન આક્રમણો પછી તેમણે પુરીમાં ભગવાન જગન્નાથની પૂજન વિધિની નવરચના કરવામાં તેમનો અગત્યનો ભાગ રહ્યો હતો. અને મંદિરની ધાર્મિક વ્યવસ્થાને ફરી મજબૂત બનાવી હતી. પરંપરા મુજબ, ગજપતિ મહારાજાને ભગવાન જગન્નાથના મુખ્ય સેવક માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન તેઓ રથ પર સોનાની સાવરણીથી સફાઈ કરવાની પવિત્ર સેવા કરે છે, જેને ‘છેરા પહંરા’ કહેવામાં આવે છે. વર્ષ ૧૯૭૦માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે તેમનો રાજ્યાભિષેક થયો હતો. ઉચ્ચ કાયદાકીય શિક્ષણ મેળવનાર ગજપતિ મહારાજા દેવ શ્રી જગન્નાથ મંદિર વ્યવસ્થાપન સમિતિના કાયમી અધ્યક્ષ પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 03:13 PM IST | Odisha | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK