આમિર ખાનની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ `લલકાર`માં ફરહાન અખ્તરની જગ્યાએ સિદ્ધાંત ગુપ્તાની એન્ટ્રી થઈ છે. આર.ડી. બર્મનની બાયોપિકમાં વ્યસ્ત હોવાથી ફરહાને પરસ્પર સહમતીથી ફિલ્મમાંથી અલગ થવાનો નિર્ણય લીધો.
આમિર ખાન અને ફરહાન અખ્તર
આમિર ખાન અને આશુતોષ ગોવારીકરની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘લલકાર’ના કાસ્ટિંગમાં ફેરફાર થયો છે. હવે ફરહાન અખ્તર આ ફિલ્મનો ભાગ નહીં રહે અને તેની જગ્યાએ ઍક્ટર સિદ્ધાંત ગુપ્તાની એન્ટ્રી થઈ છે. મળતી માહિતી પ્રમાણે ફરહાન હાલમાં સંગીતકાર આર.ડી. બર્મનની બાયોપિકમાં લીડ રોલ કરી રહ્યો છે અને આ જ કારણે તેણે ‘લલકાર’માંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. ફરહાને આ બાયોપિક માટે લાંબા સમય સુધી તૈયારી કરવી પડશે જેના કારણે બન્ને પ્રોજેક્ટને એકસાથે સમય આપવો શક્ય નહોતો. આ સંજોગોમાં ‘ઇનસાઇડ એજ’, ‘જ્યુબિલી’, ‘બ્લૅક વૉરન્ટ’ અને ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ જેવી સિરીઝમાં પોતાના અભિનયથી ઓળખ બનાવનાર સિદ્ધાંત ફિલ્મમાં આમિરના નજીકના મિત્રની ભૂમિકામાં જોવા મળશે.
‘લલકાર’માં આમિર સ્વતંત્ર ભારતના પ્રથમ ટેસ્ટ-કૅપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર લાલા અમરનાથનું પાત્ર ભજવશે અને આ ફિલ્મ ૧૯૫૨માં યોજાયેલી ભારત-પાકિસ્તાનની ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝથી પ્રેરિત છે. મળતી માહિતી ‘લલકાર’ માટે તમામ કલાકારોએ ક્રિકેટની વિશેષ તાલીમ લેવાની જરૂર હતી. આ સંજોગોમાં ફરહાને આર.ડી. બર્મનની બાયોપિકને પ્રાથમિકતા આપીને પરસ્પર સહમતીથી સ્પોર્ટ્સ ફિલ્મમાંથી અલગ થવાનો નિર્ણય લીધો. જોકે ફરહાન ફિલ્મથી સંપૂર્ણપણે અલગ થયો નથી. તે હજુ પણ નિર્માતા તરીકે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલો રહેશે.
