Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં પૉલ્યુશનને કારણે વધી રહ્યા છે લંગ કૅન્સરના કેસ

મુંબઈમાં પૉલ્યુશનને કારણે વધી રહ્યા છે લંગ કૅન્સરના કેસ

Published : 21 September, 2026 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લિવર કૅન્સરના કેસ પણ વધી રહ્યા છે મુંબઈ અને આખા ભારતમાં : અમદાવાદમાં બે દિવસ માટે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ઑન્કૉલૉજી સોસાયટી દ્વારા યોજાયેલી દેશભરના કૅન્સર એક્સપર્ટ્‍સની ઍન્યુઅલ કૉન્ફરન્સમાં આ ‌વિશે ચર્ચા થઈ

ડૉ. રીના એન્જિનિયર.

ડૉ. રીના એન્જિનિયર.


મુંબઈમાં વર્ષદહાડે કૅન્સરના કેસ વધી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને કૅન્સરના તજજ્ઞોને લંગના કૅન્સરના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મુંબઈ તેમ જ ભારતમાં લિવરના કૅન્સરના કેસ પણ વધી રહ્યા છે. મુંબઈમાં વધતા જતા લંગના કૅન્સરના કેસ પાછળ પૉલ્યુશન મુખ્ય પરિબળ હોવાનું તારણ બહાર આવ્યું છે. 

અમદાવાદમાં બે દિવસ માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ અને ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ઑન્કૉલૉજી સોસાયટી દ્વારા ઍન્યુઅલ કૉન્ફરન્સ યોજાઈ હતી. એમાં દેશભરમાંથી કૅન્સરના તજજ્ઞો ભાગ લેવા આવ્યા હતા. કૉન્ફરન્સમાં ભાગ લેવા આવેલાં ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ઑન્કૉલૉજી સોસાયટીનાં પ્રમુખ અને મુંબઈની તાતા મેમોરિયલ હૉસ્પિટલનાં પ્રોફેસર ડૉ. રીના એન્જિનિયરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હૉસ્ટિલમાં અમે લોકો વર્ષમાં લગભગ ૬૦,૦૦૦ જેટલા કૅન્સરના નવા કેસો જોઈએ છીએ એ વધતા જઈ રહ્યા છે. ૧૫ વર્ષ પહેલાં અમે ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ કેસ એકલા મુંબઈની તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં જોતા હતા. હવે તો ઘણાં સેન્ટરો ખૂલી ગયાં છે. એમ છતાં કૅન્સરના કેસ વધી રહ્યા છે. લગભગ ૬૦,૦૦૦ જેટલા કૅન્સરના નવા કેસ દર વર્ષે જોઈ રહ્યા છીએ. એમાંથી અત્યારે પૉલ્યુશનને કારણે લંગ કૅન્સરના કેસ વધતા જઈ રહ્યા છે કેમ કે આખા ઇન્ડિયામાં ઍર પૉલ્યુટેડ છે, પાણી પૉલ્યુટેડ છે. પહેલાં પુરુષોમાં ટબૅકો અને બીડીને કારણે માઉથનું કૅન્સર થતું. હવે લંગનાં કૅન્સર વધી રહ્યાં છે એ પૉલ્યુશન અને લાઇફસ્ટાઇલને કારણે, પરંતુ પૉલ્યુશન મેઇન છે. વિમેનમાં બ્રેસ્ટ-કૅન્સર વધી રહ્યું છે. અમારી પાસે છેલ્લાં પાંચ વર્ષમાં લંગ કૅન્સરના ઍટ લીસ્ટ ૧૦,૦૦૦ જેટલા કેસ આવ્યા હશે.’  
હું છેલ્લાં પાંચ-દસ વર્ષથી જોઈ રહી છું કે મુંબઈ અને ઑલઓવર ઇન્ડિયામાં લિવરના કૅન્સરના કેસ વધી રહ્યા છે એમ જણાવીને ડૉ. રીના એન્જિનિયરે કહ્યું હતું કે ‘ગુજરાતથી ઘણા પેશન્ટ તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં આવી રહ્યા છે. ખાસ કરીને ઇન્ડિયામાં લિવરના કૅન્સરમાં વધારો થઈ રહ્યો છે. પહેલાં આ કૅન્સર ૭૦ વર્ષની ઉપરની ઉંમરમાં દેખાતું, પણ હવે લાઇફસ્ટાઇલને કારણે બહુ જ યંગ એજમાં એ દેખાઈ રહ્યું છે.’



કૅન્સરથી બચવા માટે મુંબઈવાસીઓએ બેઝિકલી ખાન-પાન પર ધ્યાન આપવું જોઈએ અને હાઈ-પ્રોટીન ડાયટ લેવી જોઈએ એમ જણાવીને ડૉ. રીના એન્જિનિયરે વધુમાં કહ્યું હતું કે ‘ગળ્યું ખાવાનું બહુ ઓછું કરવું જોઈએ. ઈવન ભાત અને રોટલીનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. વેજિટેબલ્સમાં માત્ર બટાટા ખાવા એવું નહીં પણ તમામ વેજિટેબલ્સ ખાવાં જોઈએ. આ ઉપરાંત અઠવાડિયામાં ૩ વાર કસરત કરવી જોઈએ, યોગ અને વૉકિંગ પણ કરવું જોઈએ અને અવેર રહેવું જોઈએ. કૅન્સર એટલે કૅન્સલ એવું હવે નથી રહ્યું, કેમ કે નવી-નવી ટ્રીટમેન્ટ આવી રહી છે એટલે ગભરાવાની જરૂર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK