Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોઈની વિરુદ્ધ કે કોઈ માટે ઘસાતું બોલવું એ મારા સંસ્કાર નથી

કોઈની વિરુદ્ધ કે કોઈ માટે ઘસાતું બોલવું એ મારા સંસ્કાર નથી

Published : 07 November, 2026 05:20 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કોઈ પણ પ્રકારની કન્ટ્રોવર્સીમાં મીડિયાને ક્યારેય કોઈ મસાલેદાર ખબર ન આપતાં અને ખોદી-ખોદીને પૂછતા રિપોર્ટર્સને હસતા મોઢે ‘નો કમેન્ટ્સ’ કહી દેનારાં શુભાંગી અત્રેને લડાઈ-ઝઘડા બિલકુલ પસંદ નથી.

શુભાંગી અત્રે

શુભાંગી અત્રે


‘ભાબીજી ઘર પર હૈં’નાં ‘અંગૂરી ભાભી’ના કિરદારથી લોકોના મનમાં ઘર કરી ગયેલાં શુભાંગી અત્રે આજના અઢળક કલાકારોથી જુદું તરી આવતું વ્યક્તિત્વ છે. કોઈ પણ પ્રકારની કન્ટ્રોવર્સીમાં મીડિયાને ક્યારેય કોઈ મસાલેદાર ખબર ન આપતાં અને ખોદી-ખોદીને પૂછતા રિપોર્ટર્સને હસતા મોઢે ‘નો કમેન્ટ્સ’ કહી દેનારાં શુભાંગી અત્રેને લડાઈ-ઝઘડા બિલકુલ પસંદ નથી. પોતાના આ સ્વભાવને પોતાનાં માતા-પિતાએ આપેલા સંસ્કારનું નામ આપીને શુભાંગીએ ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ૧૯ વર્ષ પૂરાં કર્યાં. હાલમાં યુટ્યુબ પર તેનો ‘રોમિંગ રૅમ્બલ્સ’ નામનો ટ્રાવેલ-શો આવી રહ્યો છે ત્યારે આજે જાણીએ પોતાના અંગત જીવનમાં પણ ઘણું સહન કરવા છતાં ક્યારેય એ વિશે ઊણું ન બોલનાર આ જાણીતા કલાકારના જીવનનું જાણવા જેવું

માર્ચ ૨૦૦૭નો સમય. પુણેથી ઑડિશનમાં પાસ થયેલી શુભાંગી અત્રેને રાતોરાત મુંબઈ લાવવામાં આવેલી બાલાજી ટેલિફિલ્મ્સની ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’માં એક નાનો રોલ કરવા માટે, પરંતુ તેને ‘કસૌટી ઝિંદગી કી’માં લઈશું એમ નિર્ણય બદલાયો. જીવનમાં ક્યારેય કૅમેરા ફેસ ન કરનાર શુભાંગી માટે આ ગ્લૅમરવર્લ્ડ ભલે તેનાં સપનાંઓની દુનિયા હતી, પરંતુ તેના માટે એક રીતે ઘણી જ નવી દુનિયા હતી જેમાં ક્યારે, કેમ અને શું કરવું એ તેને ખબર જ નહોતી. ટીવીની દુનિયામાં સાઇડ રોલ કરનારાની ખાસ ઇજ્જત હોતી નથી. મેકઅપ દાદા પણ જેવો તેવો મેકઅપ કરીને મૂકી દે. એ સમયે તેમને કહી શકાય કે આમ નહીં ને આમ કરો એ પણ શુભાંગીને ખબર નહોતી. લીડ ઍક્ટ્રેસ શ્વેતા તિવારીએ તેને જોઈને કહ્યું કે આટલો સુંદર ચહેરો છે તારો તો સરસ મેકઅપ કરાવને! તેમણે ખુદ મેકઅપ દાદાને કહ્યું કે આને લૅશિસ લગાવડાવો, આમ કરો-તેમ કરો. પછી જ્યારે શુભાંગી તૈયાર થઈને આવી તો પ્રોડ્યુસર એકતા કપૂર અને શોભા કપૂર પણ ખુશ થયાં. બધાએ તેને નોટિસ પણ કરી. ત્યાં સુધી કે એના એક જ મહિનાની અંદર તેને નવો શો લીડ ઍક્ટ્રેસ તરીકે મળી ગયો. આ સમયને યાદ કરતાં શુભાંગી એક કિસ્સો કહે છે : ‘કસૌટી...’માં મારો બીજો-ત્રીજો દિવસ હશે. હું રિહર્સલ વ્યવસ્થિત કરતી, પણ કૅમેરા જોઈને નર્વસ થઈ જતી. એ સમયે એક સાઉન્ડ રેકૉર્ડિસ્ટ હતા. તેમણે હું સાંભળી શકું એ રીતે જોરથી કહેલું કે પતા નહીં 
કહાં-કહાં સે આ જાતે હૈં! પુણે સે ઉસકો જૈસે ઉઠા કે લાએ ના વૈસે હી કુછ દિનો મેં વાપસ છોડ કે આએંગે. મને કાપો તો લોહી ન નીકળે એવી હાલત હતી મારી, પણ મેં દુખી થવાને બદલે મહેનત કરી. ખૂબ મહેનત. જ્યારે મને એક મહિના પછી ‘કસ્તુરી’ શો મળ્યો ત્યારે આ જ સાઉન્ડ દાદા સેટ પર હતા. તેમણે મારી પાસે આવીને મને એ દિવસ માટે સૉરી કહ્યું અને તેમણે કહ્યું કે મેં તમારી ટૅલન્ટ ઓળખવામાં ભૂલ કરી, મારે આવું નહોતું બોલવાનું. ત્યારે મેં તેમને કહ્યું કે ના, તમારી એ કમેન્ટ મારું પીઠબળ સાબિત થઈ. જીવનભર મેં ક્રિટિસિઝમને આ જ દૃષ્ટિએ જોયું છે અને આગળ વધતી ગઈ છું.’ 



કરીઅર 
ઍક્ટર તરીકે છેલ્લાં ૧૯ વર્ષથી કામ કરી રહેલી શુભાંગી અત્રે આજે ‘અંગૂરી ભાભી’ના નામે ઘર-ઘરમાં પ્રચલિત છે. ‘કસૌટી ઝિંદગી કી’ અને ‘કસ્તુરી’ પછી કસ્તુરીના ડિરેક્ટર આનંદ એલ. રાય ‘તનુ વેડ્સ મનુ’ ફિલ્મ બનાવી રહ્યા હતા, જેમાં શુભાંગીએ સ્વરા ભાસ્કરે કરેલા રોલ માટે ઑડિશન આપ્યું હતું. એ જ સમયે રાજશ્રી પ્રોડક્શનની સિરિયલ ‘દો હંસો કા જોડા’માં શુભાંગીને લીડ રોલ મળ્યો એટલે એ ફિલ્મ તે ન કરી શકી. ‘હવન’, ‘સાવધાન ઇન્ડિયા’, ‘અધૂરી કહાની હમારી’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યા બાદ ૨૦૦૬થી ૨૦૨૬ તેણે ‘ભાબીજી ઘર પર હૈં’માં અંગૂરીભાભીનું પાત્ર નિભાવ્યું, જેમાં તેના અભિનયને દર્શકો દ્વારા અદ્ભુત પ્રેમ મળ્યો છે. શુભાંગી અત્રેએ ‘ચીડિયાઘર’ અને ‘ભાબીજી ઘર પર હૈં’ આ બન્ને સિરિયલોમાં ‘શિલ્પા શિંદે’ને રિપ્લેસ કરીને તેનો રોલ ઘણા લાંબા સમય માટે નિભાવ્યો હતો. આ દરમ્યાન શિલ્પા શિંદેએ શુભાંગી માટે ઘણા આક્ષેપો લગાવ્યા અને મીડિયામાં એવાં સ્ટેટમેન્ટ્સ આપ્યાં કે કૉમેડી બધા ન કરી શકે, શુભાંગી તો મારી કૉપી જ કરે છે વગેરે. એના જવાબમાં એક પણ વાર શુભાંગીએ શિલ્પા વિશે કશું જ ઊતરતું બોલ્યું નથી. એ વિશે અત્યંત સાલસતાથી શુભાંગી કહે છે, ‘મને જીભાજોડી કરવી ગમતી નથી. મને ઝઘડા પસંદ નથી. હું એક સામાન્ય ઘરની, નાના શહેરની છોકરી છું. હું મારી એનર્જી ફક્ત કામ કરવામાં નાખવા માગું છું. મને દર વર્ષે ‘બિગ બૉસ’થી બોલાવતા હતા પણ મેં ના પાડી, કારણ કે હું ઝઘડા ઇચ્છતી જ નથી. હું જીવનમાં ફક્ત શાંતિ ઇચ્છું છું. ‘ચીડિયાઘર’ અને ‘ભાબીજી ઘર પર હૈં’ મેં એટલે સ્વીકારી, કારણ કે મારે સારું કામ કરવું હતું. ‘ચીડિયાઘર’ પહેલાં મેં કૉમેડી કરી નહોતી. જ્યારે ‘ભાબીજી...’ મને ઑફર થઈ ત્યારે એમ કહેવામાં આવ્યું કે તું નહીં કરે તો કોઈ બીજું કરશે, તો એમાં વાંધો શું છે? મને એ વાત ઠીક લાગી એટલે મેં સ્વીકારી. ‘અંગૂરી’ના પાત્રને મેં મારા હૃદય અને આત્માથી નિભાવ્યું છે.” 


બાળપણ અને પરિવાર 
મધ્ય પ્રદેશના પચમઢીમાં જન્મેલી અને ઇન્દોરમાં ઊછરેલી શુભાંગીના પિતા ગવર્નમેન્ટમાં ક્લાસ-વન ઑફિસર હતાં. મમ્મી હોમમેકર હતાં અને તેઓ ૩ બહેનો હતી, જેમાં શુભાંગી સૌથી નાની એટલે ખૂબ લાડ-કોડથી ઊછરી હતી. શુભાંગી સાતમા ધોરણમાં હતી ત્યારે તેને ખુદને કથક શીખવું હતું. કથકમાં તે અલંકાર થઈ છે. સ્ટેટ જ નહીં, નૅશનલ લેવલ સ્પર્ધામાં પણ જીત હાંસલ કરી છે. પિતાને તો એમ હતું કે દીકરી એન્જિનિયર બને, પણ શુભાંગીનાં સપનાં કંઈક જુદાં હતાં. એ વિશે વાત કરતાં શુભાંગી કહે છે, ‘જ્યારે હું ટીવી કે ફિલ્મો જોતી ત્યારે એનું આકર્ષણ મને ખૂબ રહેતું. મને આ મારાં સપનાંઓની દુનિયા લાગતી, પણ ત્યાં પહોંચી શકાય એવું મને બિલકુલ લાગતું નહી. મેં ગ્રૅજ્યુએશન પણ કર્યું અને એ પછી MBA પણ કર્યું. મારી મોટી બહેન અત્યારે પરણીને ભોપાલ સાસરે છે. જીજાજી ડૉક્ટર છે એટલે પિતા જેમને કૅન્સર છે તેમના ઇલાજ માટે તેઓ ભોપાલ છે. મારી બીજી એક બહેન એન્જિનિયર બની અને તે જીજાજી સાથે અમેરિકામાં છે. હું મુંબઈમાં એકલી રહું છું.’ 

કઈ રીતે બની ઍક્ટર? 
શુભાંગી કૉલેજમાં હતી ત્યારે પ્રેમમાં પડી અને તેણે પીયૂષ પુરી સાથે ૨૦૦૩માં લગ્ન કર્યાં. લગ્ન કરીને તે પુણે રહેવા આવી. શુભાંગીએ જે કથકની સ્પર્ધાઓમાં ભાગ લીધેલો એનો એક ફોટો પીયૂષના લૅપટૉપની સ્ક્રીન પર હતો. એ જોઈને પુણેમાં એક લોકલ બ્રૅન્ડના શૅમ્પૂની ઍડ માટે શુભાંગીએ કામ કર્યું જે ઍડનાં હોર્ડિંગ્સ આખા પુણેમાં લાગેલાં. આ ઍડના તેને ૨૫૦૦ રૂપિયા મળેલા. એ શૂટ કરનાર ફોટોગ્રાફરે શુભાંગીને કહ્યું કે તમે ટીવી માટે ટ્રાય કરો. શુભાંગી MBA તો હતી જ એટલે પોતાના માટે કોઈ કંપનીમાં કામ શોધતી હતી અને તેની દીકરી આશી ૮-૧૦ મહિનાની હતી. શુભાંગીને ખબર પડી કે બાલાજીનાં ઑડિશન થઈ રહ્યાં છે. કોશિશ ખાતર તેણે ઑડિશન આપી દીધું. ૩ જ દિવસની અંદર તેને લેવા માટે ગાડી પુણે પહોંચી ગઈ. આ વિશે યાદ કરતાં શુભાંગી કહે છે, ‘હું બિલકુલ રેડી નહોતી. આ કામ મારે કરવું હતું, પણ દસ મહિનાની દીકરીને છોડીને મુંબઈ કેવી રીતે આવી શકું? તેને લઈને આવું તો ત્યાં તેનું ધ્યાન કોણ રાખે? હું આશીને છોડવા બિલકુલ રેડી નહોતી. મુંબઈ આવી અને પાછી પુણે જતી રહી કે હું આશીને નહીં છોડી શકું.’


જીવનભરનું ગિલ્ટ 
આ વાતને વિસ્તાર સાથે કહેતાં શુભાંગી કહે છે, ‘એ પછી મને ફરી બાલાજીમાંથી ફોન આવ્યો. મને સમજાવવામાં આવી. હું ફરી મુંબઈ આવી અને મેં કામ શરૂ કર્યું. મારાં મમ્મી-પપ્પા અને પીયૂષનો ખૂબ સપોર્ટ હતો મને. સૌથી મોટો સપોર્ટ મને મારી દીકરીનો હતો. હું હંમેશાં કહું છું કે તમારાં સપનાંઓ પૂરાં કરવા માટે તમારાં માતા-પિતા ભોગ આપે, પણ મારાં સપનાં પૂરાં કરવા માટે મારી દીકરીએ ભોગ આપ્યો છે. તેણે ઘણું જતું કર્યું છે. જ્યારે હું મુંબઈથી પુણે વીક-એન્ડમાં તેની પાસે જતી તો તે તેના નાનકડા હાથ મને અડાડીને જોતી કે મમ્મી ખરેખર અહીં છે કે ટીવીમાં છે? કારણ કે તે મને હંમેશાં ટીવીમાં જોતી. જીવનમાં હું મારી દીકરીનું બાળપણ ન માણી શકી એ વાતનો મને ભરપૂર અફસોસ છે, પણ મારા માથે ફાઇનૅન્શિયલ જવાબદારીઓ હતી એટલે મારે કામ કરવું પડે એમ હતું. આજે આશી કૅનેડામાં ભણે છે. તેને ઍસ્ટ્રોફિઝિક્સ ભણવું હતું અને રિસર્ચમાં આગળ વધવું હતું એટલે તે ત્યાં ગઈ. તે હંમેશાં મને થૅન્ક યુ કહે છે આટલું સુંદર જીવન આપવા બદલ. તે માને છે કે જો એ સમયે મેં પ્રોફેશન પર ધ્યાન ન આપ્યું હોત તો આજે તેને કૅનેડામાં ભણવું અઘરું થઈ પડત. હું પણ એ વાત સમજું છું, પણ એ સમજવા છતાં દીકરીને નાનપણમાં ખુદથી દૂર રાખવા બદલ ખુદને માફ નથી કરી શકતી.’ 

લગ્નજીવન 
૨૦૦૩માં કરેલાં લગ્ન ૨૦૨૨માં તૂટી ગયાં. શુભાંગીએ પીયૂષ સાથે તેની કેમેય ન છૂટતી દારૂની આદતને કારણે ડિવૉર્સ લીધા. ડિવૉર્સ પછીના થોડા સમયમાં દારૂને કારણે જ પીયૂષનું મૃત્યુ થયું. પીયૂષની આ આદતને કારણે પોતે શું સહન કર્યું એ વિશે પણ ક્યારેય શુભાંગીએ લોકો સમક્ષ વાત કરી નથી. આર્થિક જવાબદારીઓ તેના પર હતી એ વિશે પણ તેણે સ્પષ્ટતા કરવાનું ઉચિત નથી સમજ્યું. પીયૂષના મૃત્યુ પછી પણ તે હંમેશાં મીડિયામાં એ જ કહેતી રહી કે તેના પતિએ તેને ખૂબ સપોર્ટ આપ્યો, તેમના આશીર્વાદ સદા દીકરી અને પોતાની સાથે રહેશે. લગ્નસંબંધ ભાંગી ગયા છતાં એની ગરિમા તેણે હંમેશાં જાળવી. આવું કેમ છે? આ વાતનો હસીને જવાબ આપતાં શુભાંગી કહે છે, ‘મને જીવન પ્રત્યે બિલકુલ ફરિયાદ નથી. જે પણ થયું છે એનાથી હું સતત શીખતી રહી છું. કોઈના વિશે ખરાબ વિચારીને કે બોલીને આપણે આપણું જ ખરાબ કરતા હોઈએ છીએ. આ સંસ્કાર મને નાનપણથી મમ્મી-પપ્પાએ આપ્યા છે. માન જેટલું આપીશું એટલું મેળવીશું એ વાત નક્કી છે.’ 

જલદી ફાઇવ
  શોખ : મને ટ્રાવેલિંગ ખૂબ ગમે છે. વ્યસ્ત જીવનમાં પણ મને જ્યારે સમય મળે ત્યારે હું ફરવા ભાગી જાઉં છું. નવા લોકોને મળું છું. તેમની પાસેથી શીખું છું. હમણાં તાડોબાનાં જંગલોમાં ગઈ હતી અને ત્યાંના એક ટ્રાઇબલના ઘરે જમી. ફાઇવસ્ટાર ભોજન પણ એની પાસે પાણી ભરે. 
 ડર : મને એકલા જીવવાથી ખૂબ ડર લાગતો, પણ જીવને મને એકલી પાડી દીધી. હવે આટલાં વર્ષોમાં મને આદત પડી ગઈ છે બધું જાતે કરવાની, ખુદનું ધ્યાન રાખવાની. હવે મને મારી એકલતા ઊજવતાં આવડે છે. એકલા જીવવું ખૂબ અઘરું છે. બધું એકલા હાથે સંભાળવું ખૂબ અઘરું છે, પણ હવે મેં એ શીખી લીધું છે. મને જરૂર પડે ત્યારે મારા મહાદેવ સાથે હું વાતો શૅર કરી લઉં છું. બાકી દરરોજ દીકરી સાથે ફેસટાઇમ કરી લઉં છું. 
  અધૂરી ઇચ્છા : આ શૅર સાંભળ્યો હશે તમે કે હઝારોં ખ્વાહિશેં ઐસી કી હર ખ્વાહિશ પે દમ નિકલે. એવી હાલત છે મારી તો! ઘણું-ઘણું પામવું છે મારે જીવનમાં. ઘણું કામ કરવું છે અને અઢળક સપનાંઓ છે, પણ એક વાત નક્કી છે કે શાંતિના ભોગે મને કશું પણ જોઈતું નથી. શાંતિ મારી પ્રાથમિકતા છે. 
 જો તમે ઍક્ટર ન હોત તો? : એના વિશે મેં ક્યારેય વિચાર નથી કર્યો, પણ એક વાત ચોક્કસ છે કે જે પણ કામ કરી રહી હોત એ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે કરતી હોત. 
 છૂપી ટૅલન્ટ : કેમ કે મેં કથક શીખેલું છે મને ડાન્સમાં ખૂબ રસ છે. ‘ભાબીજી ઘર પર હૈં’ના બધા જ ડાન્સની કોરિયોગ્રાફી પણ મેં જ કરી છે જે ઘણા ઓછા લોકો જાણે છે, પણ મને ડાન્સ ખૂબ ગમે છે. 

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 05:20 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK