અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ જોયા પછી શ્રદ્ધા કપૂરે આ લાગણી વ્યક્ત કરીને કહ્યું કે તે આને પાંચ વખત જોવા જશે
અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’
અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ રિલીઝની સાથે જ સુપરહિટ બની ગઈ છે અને બહુ મોટા વર્ગને એ બહુ પસંદ પડી છે. હાલમાં શ્રદ્ધા કપૂરે ફિલ્મ જોયા બાદ સોશ્યલ મીડિયા પર એના વિશે એક પોસ્ટ શૅર કરી અને કહ્યું કે તેને આ ફિલ્મ સાથે ‘આશિકી’ થઈ ગઈ છે.
શ્રદ્ધાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ફિલ્મનો એક વિડિયો અને એક તસવીર શૅર કરી છે. વિડિયો શૅર કરીને શ્રદ્ધાએ લખ્યું, ‘મને ‘સૈયારા’થી આશિકી થઈ ગઈ છે.’ તસવીરની કૅપ્શનમાં તેણે લખ્યું, ‘પ્યૉર સિનેમા, પ્યૉર ડ્રામા, પ્યૉર મૅજિક. ઉફ્ફ, બહુ સમય પછી ઇમોશનલ ફીલ કરું છું. આ મોમેન્ટ માટે હું આ ફિલ્મ પાંચ વખત જોવા જઈશ.’
ADVERTISEMENT
ચાર જ દિવસમાં ‘સૈયારા’ની ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી
નવોદિત કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડા સ્ટારર અને મોહિત સૂરિ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા રોમૅન્ટિક ડ્રામા ‘સૈયારા’ બૉક્સ-ઑફિસ પર બહુ સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે રિલીઝના ચાર જ દિવસમાં ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે. આ ફિલ્મના કમાણીના આંકડા જોઈએ તો એણે શુક્રવારે બાવીસ કરોડ રૂપિયાનો, શનિવારે ૨૬.૨૫ કરોડ રૂપિયાનો, રવિવારે ૩૬.૨૫ કરોડ રૂપિયાનો તેમ જ સોમવારે ૨૪.૨૫ કરોડ રૂપિયાનો એમ કુલ ૧૦૮.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે જેના કારણે એનો સમાવેશ બ્લૉકબસ્ટર ફિલ્મની કૅટેગરીમાં થઈ રહ્યો છે.


