અભિષેક બચ્ચને પોસ્ટ કરીને કહ્યું કે હું આ ફિલ્મને પહેલી વાર મોટા પડદા પર જોવા ઉત્સાહી છું
‘શોલે’ રિલીઝનાં ૫૦ વર્ષ પછી આ ફિલ્મ ‘શોલે : ધ ફાઇનલ કટ’ના નામે આજે રિલીઝ થશે
ધર્મેન્દ્ર અને અમિતાભને લીડ રોલમાં ચમકાવતી આઇકૉનિક ફિલ્મ ‘શોલે’ ૧૯૭૫માં રિલીઝ થઈ હતી અને હવે રિલીઝનાં ૫૦ વર્ષ પછી આ ફિલ્મ ‘શોલે : ધ ફાઇનલ કટ’ના નામે આજે નવા 4K વર્ઝનમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. આજે રિલીઝ થયેલી ‘શોલે’ની ખાસિયત એ છે કે આ ફિલ્મ એના ઓરિજિનલ એન્ડિંગ સાથે રિલીઝ થઈ છે. આ એવો એન્ડ છે જે દર્શકોએ પહેલાં નહોતો જોયો.
‘શોલે’ જ્યારે ૧૯૭૫માં રિલીઝ થઈ હતી ત્યારે રિલીઝ પહેલાં એના મૂળ એન્ડને સેન્સર બોર્ડે મંજૂરી નહોતી આપી અને ફિલ્મના ડિરેક્ટર રમેશ સિપ્પીને ક્લાઇમૅક્સ બદલવાની ફરજ પડી હતી. થોડા સમય પહેલાં રમેશ સિપ્પીએ એક ઇન્ટરવ્યુમાં સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો.
ADVERTISEMENT
રમેશ સિપ્પીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘૧૯૭૫માં જ્યારે ‘શોલે’ રિલીઝ થઈ હતી ત્યારે દેશની રાજકીય પરિસ્થિતિ ઘણી અલગ હતી, કારણ કે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી જાહેર કરી હતી. આવી ૨૧ મહિનાની ઇમર્જન્સી દરમ્યાન નાગરિક અધિકારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ક્રિટિક્સ અને વિરોધીઓને જેલમાં નાખવામાં આવ્યા હતા અને પ્રેસ પર ભારે સેન્સરશિપ લાદવામાં આવી હતી. એ સમયે સેન્સર બોર્ડને લાગ્યું હતું કે ફિલ્મનો ઓરિજિનલ એન્ડ અત્યંત હિંસક છે. એ સમયે ઇમર્જન્સીના માહોલમાં માહિતી મંત્રાલય અથવા સેન્સર બોર્ડ સાથે દલીલ કરવાનું સહેલું નહોતું એટલે તેમનો નિર્ણય મંજૂર કરવો પડ્યો હતો. એ પછી ફિલ્મમાંથી થોડી હિંસા ઘટાડવામાં આવી, જોકે અંતે જે વર્ઝન રિલીઝ થયું એને પણ દર્શકોએ બહુ પસંદ કર્યું હતું.’
શું હતું ઓરિજિનલ એન્ડિંગ?
૧૯૭૫ની ‘શોલે’ના રિલીઝ થયેલા વર્ઝનના એન્ડમાં બતાવવામાં આવે છે કે ગબ્બર સિંહ (અમજદ ખાન)ને પોલીસ પકડી લે છે, કારણ કે ઠાકુર બલદેવ સિંહ (સંજીવકુમાર) કાયદો પોતાના હાથમાં ન લેવાનો નિર્ણય કરે છે. જોકે સલીમ-જાવેદના લખેલા ઓરિજિનલ ક્લાઇમૅક્સમાં ઠાકુર બલદેવ સિંહ બદલો લેવા માટે ખીલીવાળાં બૂટથી ગબ્બરને મારી નાખે છે. આ જ હિંસક સીનને કારણે સેન્સર બોર્ડે એ સમયે વિરોધ કર્યો હતો.
શોલે : ધ ફાઇનલ કટ મૂળ ફિલ્મ કરતાં ૧૯ મિનિટ લાંબી
‘શોલે’ ૫૦ વર્ષ બાદ ‘શોલે : ધ ફાઇનલ કટ’ના નામે રીરિલીઝ થઈ છે, પણ એમાં ઉમેરાયેલાં નવાં દૃશ્યોને કારણે ફિલ્મને ફરી એક વાર સર્ટિફિકેશન-પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. સેન્સર બોર્ડે ‘શોલે : ધ ફાઇનલ કટ’ની સમીક્ષા કરી અને કોઈ પણ કટ વગર એને ‘U’ રેટિંગ આપ્યું છે એને કારણે ફિલ્મનો કુલ રનટાઇમ ૨૦૯.૦૫ મિનિટ છે એટલે કે ૩ કલાક ૨૯ મિનિટ અને પાંચ સેકન્ડ. આની સરખામણીમાં ૧૯૭૫માં થિયેટરમાં રિલીઝ થયેલી મૂળ ફિલ્મ લગભગ ૧૯૦ મિનિટની એટલે કે ૩ કલાક ૧૦ મિનિટની હતી.
હું ‘શોલે’ મોટા પડદા પર જોવા માટે આતુર છું : અભિષેક બચ્ચન
આજે ‘શોલે : ધ ફાઇનલ કટ’ રિલીઝ થઈ છે ત્યારે અભિષેક બચ્ચને તેના સોશ્યલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શૅર કરીને થિયેટરના મોટા પડદે આ ફિલ્મ જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ પોસ્ટની કૅપ્શનમાં અભિષેકે લખ્યું છે, ‘સૌથી મહાન વાર્તા જે ક્યારેય કહેવાઈ નથી. હું ‘શોલે’ને મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ શકતો નથી. મેં ક્યારેય ‘શોલે’ને મોટા પડદા પર નથી જોઈ, માત્ર ટીવી અને VHS/DVD પર જોઈ છે. આ મારી આખી જિંદગીનું સપનું છે.’


