દીકરી સોહા અલી ખાને ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની મમ્મીને મુંબઈમાં રહેવાનું બિલકુલ ગમતું નથી
સોહા અલી ખાને એક ઇન્ટરવ્યુમાં શર્મિલા ટાગોર સાથે વાત કરી
શર્મિલા ટાગોર વર્ષોથી દિલ્હીમાં એકલાં રહે છે. તેમના દિલ્હી માટેના પ્રેમ વિશે વાત કરતાં સોહા અલી ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારાં મમ્મી દિલ્હીમાં એકલાં રહે છે અને તેમને વારંવાર આગ્રહ કરવા છતાં તેઓ મુંબઈ પાછા આવવા તૈયાર નથી. હાલમાં તેઓ દિલ્હીમાં એક પુસ્તકના લોકાર્પણમાં જઈ રહ્યાં હતાં અને ત્યાં ખૂબ ટ્રાફિક હતો. આ સંજોગોમાં તેઓ તેમની કારમાંથી ઊતર્યા, એક સ્કૂટરસવાર મહિલાને રોકી અને તેને કાર્યક્રમના સ્થળ પાસે છોડી દેવા કહ્યું. તે મહિલાએ અમ્માને અડધા રસ્તામાં જ છોડી દીધાં. તે પછી તેઓ પુસ્તક લૉન્ચ માટેની જગ્યાએ પહોંચવા માટે બાકીનો રસ્તો પગપાળા ચાલીને ગયાં. મને આ વાતની ખબર પડી કે ત્યારે મેં તેમને ઠપકો આપ્યો કે મમ્મી, તમે ૮૦ વર્ષનાં છો અને દિલ્હીમાં એકલાં રહો છો એ વાતનું તો ધ્યાન રાખો.’


