Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડાયલૉગબાજી અને ઍક્શનમાં અટવાઈ સ્ટોરી

ડાયલૉગબાજી અને ઍક્શનમાં અટવાઈ સ્ટોરી

27 November, 2021 02:01 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ટ્રિપલ જૉન હોવા છતાં ફિલ્મ ખાસ કમાલ નથી કરી શકી : સ્ક્રિપ્ટ ડિપાર્ટમેન્ટમાં ફિલ્મ માર ખાઈ ગઈ છે અને જૉન તેમ જ દિવ્યાની ઍક્ટિંગ એટલી ખાસ નથી

ડાયલૉગબાજી અને ઍક્શનમાં અટવાઈ સ્ટોરી

ડાયલૉગબાજી અને ઍક્શનમાં અટવાઈ સ્ટોરી


સત્યમેવ જયતે 2
કાસ્ટ : જૉન એબ્રાહમ, દિવ્યા ખોસલા કુમાર, હર્ષ છાયા, ગૌતમી કપૂર
ડિરેક્ટર : મિલાપ ઝવેરી
 
જૉન એબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’માં એક નહીં, બે નહીં પરંતુ ત્રણ જૉન જોવા મળી રહ્યા છે. એક જૉન ઓછો હોય ત્યાં ડિરેક્ટર મિલાપ ઝવેરીએ વધુ બે જૉનનો ઉમેરો કરી દીધો છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે પ્રોડ્યુસર ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારને પસંદ કરવામાં આવી છે. તે આ ફિલ્મ દ્વારા ઍક્ટિંગમાં કમબૅક કરી રહી છે.
સ્ટોરી ટાઇમ
સત્યમેવ જયતે પરથી ખેડૂતોના લીડર દાદાસાહેબ બલરામ આઝાદે તેમનાં જોડિયાં બાળકોનું નામ સત્યા અને જય રાખ્યું હોય છે. આ ત્રણેય પાત્ર જૉન દ્વારા ભજવવામાં આવ્યાં છે. દાદાસાહેબ બલરામ આઝાદ દેશમાંથી કરપ્શન કાઢવા માટે લડતા હોય છે અને એ દરમ્યાન તેમનું ખૂન થાય છે. તેમના સપનાને પૂરું કરવાનું બીડું તેમના દીકરાઓ સત્યા અને જય ઉઠાવે છે. સત્યા ગૃહ પ્રધાન હોય છે, જ્યારે જય પોલીસ-ઑફિસર હોય છે. એક કાયદો બનાવે છે અને બીજો લોકો કાયદાનું પાલન કરે એની દેખરેખ રાખતો હોય છે. જોકે સત્યા ગુનેગારોને સજા આપવા માટે રાતે રસ્તા પર નીકળે છે અને પોતાની રીતે સજા આપે છે. આ વિજિલન્ટને પકડવા માટે પોલીસ-ઑફિસર જયને બોલાવવામાં આવે છે.
સ્ક્ર‌િપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની સ્ટોરી કરતાં એની ડાયલૉગબાજી અને ઍક્શન પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. એક ઍક્શન પતે ત્યાં બીજી તરત ઍક્શન કેવી રીતે લાવવી એના પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. મિલાપ ઝવેરીએ ડિરેક્શનની સાથે સ્ટોરી પણ લખી છે. ઇન્ડિયામાં જે-જે મુદ્દા ચાલી રહ્યા છે એ તમામનો તેણે ફિલ્મમાં સમાવેશ કરવાની કોશિશ કરી છે પરંતુ એમાં તે સફળ નથી રહ્યો. ખેડૂત, કરપ્શન, મહિલાઓ પર અત્યાચાર, ફૂડ પૉઇઝનિંગ, ઑક્સિજનની અછત વગેરે પર તેણે ફોકસ કર્યું છે. જોકે આ તમામ સ્ટોરી ટુકડે-ટુકડે હોય એવું લાગે છે. ઘણા ડાયલૉગ સારા છે અને ઍક્શન પણ કેટલીક સારી છે. જોકે આ વખતે જૉન ભાઈ પાસે કંઈક વધુપડતું જ કરાવવામાં આવ્યું છે. બે ભાઈ સાથે મળીને હેલિકૉપ્ટરને ટેકઑફ કરતાં અટકાવે છે. સત્યા સ્કૉર્પિયોનું એન્જિન હાથથી ખેંચી કાઢે છે. માસ ફિલ્મ છે, એન્ટરટેઇનમેન્ટ પર ફોકસ કરવું બરાબર છે પરંતુ એનો મતલબ એ નથી કે કંઈ પણ દેખાડવામાં આવે.
ઍક્શન
ઍક્ટિંગની જગ્યાએ અહીં ઍક્શન કહેવું ખોટું નથી, કારણ કે ઍક્ટિંગ કોઈએ કરી હોય એવું દેખાઈ નથી રહ્યું. જૉન એબ્રાહમની ઍક્ટિંગની એક લિમિટેશન છે એ અહીં દેખાઈ આવે છે. ઍગની કે પછી ગુસ્સામાં આવી ચીસ પાડવામાં પણ તેને તકલીફ પડતી હોય છે. તે ઍક્શન ખૂબ જ સારી રીતે કરી જાણે છે. તેમ જ બૉડી પ્રેઝન્ટેશનમાં પણ તે અવ્વલ છે. જોકે ઍક્ટિંગમાં તે માર ખાઈ જાય છે. ફિલ્મની હિરોઇન દિવ્યાનાં એકદમ ફ્લૅટ એક્સપ્રેશન્સ હોય છે. દરેક દૃશ્યમાં તે એકસરખાં જ એક્સપ્રેશન્સ આપે છે. તેમ જ તેના ડાયલૉગ જરૂર પડતાં વધુ સ્લો કરીને દેખાડવામાં આવ્યા હોય એવું લાગે છે. ગૌતમી કપૂર અને હર્ષ છાયાની સાથે અનુપ સોનીનું પાત્ર પણ ખૂબ જ કંગાળ લખવામાં આવ્યું છે. તેમ જ ગૌતમી કપૂરના પાત્રને વિલન ૨૫ વર્ષથી વધુ સમય માટે શું કામ જીવિત રહેવા દે એ એક સવાલ છે.
મ્યુઝિક
ફિલ્મનાં તમામ ગીત સામાન્ય છે. ‘કેસરી’ અને ‘શેરશાહ’ જેવી ફિલ્મોમાં દેશભક્તિના ગીતમાં વાહવાહી મેળવનાર બીપ્રાક પણ ખાસ રંગ નથી જમાવી શક્યો. જૉનની ફિલ્મમાં નોરા ફતેહી ફિક્સ હોય એવું લાગે છે. તેનું ગીત પણ ‘કુસુ કુસુ’ જાદુ નથી રેલાવી શક્યું. નોરા પણ હવે એકસરખાં જ ગીત અને ડાન્સ સ્ટેપ કરતી હોય એવું લાગે છે.
આખરી સલામ
માસ એન્ટરટેઇનર ફિલ્મમાં વધુ લૉજિક લગાડવાની જરૂર નથી હોતી, પરંતુ એનો મતલબ એવો નથી કે બે વ્યક્તિ ટિંગાઈને હેલિકૉપ્ટરને ટેકઑફ કરતું અટકાવી શકે.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2021 02:01 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK