સલમાન સ્ટાર બન્યો એ પહેલાં તે અને શાહીન એકબીજાને ડેટ કરતાં હતાં
સલમાન ખાન અને શાહીન જાફરી
સલમાન ખાન ૫૯ વર્ષનો થઈ ગયો છે, પણ તેણે લગ્ન કરીને ઠરીઠામ થવાનું ટાળ્યું છે. સલમાનના જીવનમાં અનેક રિલેશનશિપ રહી છે પણ તેનો એક પણ સંબંધ ટક્યો નથી. મોટા ભાગના લોકોને લાગે છે કે સંગીતા બિજલાણી સાથે સલમાનની પહેલી સિરિયસ રિલેશનશિપ હતી, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે હકીકતમાં સલમાનની પહેલી સિરિયસ રિલેશનશિપ અશોકકુમારની દોહિત્રી અને કિઆરા અડવાણીની માસી શાહીન જાફરી સાથે હતી. સલમાન સાથેના સંબંધોના અંત પછી શાહીને એક ઍરલાઇનમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં જ તેની મુલાકાત બિઝનેસમૅન વિક્રમ અગ્રવાલ સાથે થઈ અને ૧૯૯૪માં તેમણે લગ્ન કરી લીધાં. લગ્ન બાદ શાહીને પુત્ર નિર્વાણ અને પુત્રી નાદ્યાને જન્મ આપ્યો. શાહીન જાફરી લગ્ન પછી શાહીન અગ્રવાલ તરીકે ઓળખાય છે. હવે તે વરલીમાં રહે છે તેમ જ સાઉથ મુંબઈની કથીડ્રલ ઍન્ડ જૉન કૉનન હાઈ સ્કૂલમાં ડ્રામા અને ડિક્શન શીખવે છે. આ ઉપરાંત તે ટૂંકી વાર્તાઓ પણ લખે છે.
થોડાં વર્ષો પહેલાં શાહીનની માતા અને અશોકકુમારની દીકરી ભારતી જાફરીએ એક ઇન્ટરવ્યુમાં સલમાન અને શાહીનની લવસ્ટોરી વિશે જણાવ્યું હતું. જોકે ૨૦૨૨માં તેમનું અવસાન થઈ ગયું હતું. આ ઇન્ટરવ્યુમાં ભારતી જાફરીએ સલમાન અને શાહીનની રિલેશનશિપ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘સલમાન સ્ટાર બન્યો એ પહેલાં તે અને શાહીન એકબીજાને ડેટ કરતાં હતાં. બન્નેનું એકબીજાના ઘરે ખૂબ આવવા-જવાનું હતું અને પરિવારને પણ બન્ને ખૂબ ગમતાં હતાં. શાહીન અને સલમાન ટીનેજથી જ એકબીજાને ઓળખતાં હતાં. અમે સલમાન ખાનને પરિવારનો હિસ્સો માનતાં હતાં. તેની પાસે અવારનવાર બેકરીમાંથી બ્રેડ મગાવતાં હતાં. સલમાનનો પરિવાર પણ શાહીનને પોતાનો હિસ્સો માનતો હતો. બધા વિચારવા લાગ્યા હતા કે એક દિવસ સલમાન અને શાહીન લગ્ન કરી લેશે, પરંતુ ત્યારે જ સલમાનનું દિલ મિસ ઇન્ડિયા બનેલી સંગીતા બિજલાણી પર આવી ગયું. આ ૧૯૮૫ની વાત છે. શાહીન અને સલમાનનું બ્રેકઅપ થઈ ગયું. ત્યાર બાદ સલમાને ૧૯૮૬માં સંગીતા બિજલાણીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.’
ADVERTISEMENT
સંબંધોના તાણાવાણા

શાહીન જાફરી અને અનુરાધા પટેલ
અશોકકુમારની દીકરી ભારતી ગાંગુલી અને સઈદ જાફરીના ભાઈ હામિદ જાફરીએ એકબીજા સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેનાં આ બીજાં લગ્ન હતાં. હામિદ જાફરીનાં પહેલાં લગ્નથી તેને શાહીન જાફરી નામની દીકરી હતી. ભારતી ગાંગુલીએ પહેલાં લગ્ન ડૉ. વીરેન્દ્ર પટેલ સાથે કર્યાં હતાં અને આ લગ્નથી તેને અનુરાધા પટેલ નામની દીકરી છે.

કિઆરાની મમ્મી જેનેવિવ જાફરી (અડવાણી) સાથે શાહીન જાફરી
ભારતી જાફરી અને હામિદ જાફરીને જેનેવીવ જાફરી નામની દીકરી થઈ જે ઍક્ટ્રેસ કિઆરા અડવાણીની મમ્મી છે. આમ શાહીન જાફરી, અનુરાધા પટેલ અને જેનેવીવ જાફરી એકબીજાની સાવકી બહેનો છે. આ સંબંધની રીતે જોઈએ તો અનુરાધા પટેલ અને શાહીન જાફરી બન્ને કિઆરા અડવાણીની સાવકી માસી થાય.


