સત્તે પે સત્તાના સેટ પરની ધમાલમસ્તીની ક્ષણો વાગોળી અભિનેતા સચિન પિળગાંવકરે
સચિન પિળગાંવકર, `સત્તે પે સત્તા` ફિલ્મનું દ્રશ્ય
રાજ સિપ્પીની ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘સત્તે પે સત્તા’માં સાત ભાઈઓની વાર્તા હતી, એમાંના એક ભાઈ બનેલા સચિન પિળગાંવકરે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આ ફિલ્મને યાદ કરી હતી. તેમણે બિગ બી સાથેનો તેનો અનુભવ અને બચ્ચનના સ્વભાવ વિશે વાત કરી હતી.
સચિન પિળગાંવકરે કહ્યું હતું કે ‘અમારું ટાઇમિંગ ગજબ હતું. જોકે અમે બેસ્ટ ફ્રેન્ડ્સ નહોતા, બચ્ચનસાહેબ ડિસ્ટન્સ રાખતા હતા. આ તેમનો સ્વભાવ છે. તેમના માટે કોઈ દુર્ભાવ નથી.’
ADVERTISEMENT
બચ્ચનના આ રિઝર્વ્ડ નેચર વિશે વાત કરીને સચિન પિળગાંવકરે ઉમેર્યું હતું કે ‘તેઓ તેમના કરતાં મોટી ઉંમરના લોકોનું તો માન જાળવતા જ, નાની ઉંમરનાનું પણ પૂરતું સન્માન કરતા. તેઓ શૂટ માટે બેઠા હોય અને હું જાઉં તો તરત ઊભા થઈને હાથ મિલાવે. આ તેમના સંસ્કાર છે.’
‘સત્તે પે સત્તા’ના સેટ પર પિકનિક જેવો માહોલ રહેતો એમ કહીને સચિન જણાવે છે, ‘અમે ખૂબ મસ્તી કરતા. અમે બધા ‘વાહિયાત’ લોકો ભેગા થયા હતા, માત્ર એક શરીફ માણસ સેટ પર હતાઃ અમિતાભ બચ્ચન. કાશ્મીરમાં શૂટિંગ ચાલતું હતું ત્યારે બાકીનો સમય અમિતજી અમારી સાથે આવી જતા. તેઓ પોતાની હોટેલ ઑબેરૉય પૅલેસ છોડીને અમારી સાથે રહેતા. જયાજી અને તેમનાં બાળકો હોટેલમાં તેમની સાથે રોકાયેલાં હતાં. દરરોજ પૅકઅપ બાદ અમિતજી અમારી સાથે પાર્ટી કરતા. મોડી રાત સુધી જયા બચ્ચન તેમને શોધતાં. ત્યારે મોબાઇલ ફોન નહોતા. અમિતજી અમને કહેતા કે જયાજીને કૉલ કરો અને કહો કે હું અહીં છું. અમે રાતના એક-બે વાગ્યા સુધી વાતો કરતા. તેમને અમારી સાથે સમય પસાર કરવાનું ગમતું હતું. એ તેમના માટે નવું હતું.’

