રિતેશ દેશમુખનો આ વિડિયો જોઈને લોકોએ તેની ટીકા કરી અને કહ્યું કે ‘હાઉસફુલ 5’ની સફળતા પછી રિતેશ દેશમુખને રાઈ ભરાઈ ગઈ છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
‘હાઉસફુલ 5’ની સફળતાનો સ્વાદ ચાખી રહેલો રિતેશ દેશમુખ હંમેશાં ફોટોગ્રાફર્સ સાથે સારું વર્તન કરે છે, પણ હાલમાં તેના વર્તનને કારણે તે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. હાલમાં રિતેશ દેશમુખે પત્ની જેનિલિયા ડિસોઝાની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ સમયે રિતેશ જ્યારે પોતાની પત્નીનો હાથ પકડીને ચાહકોની ભીડમાંથી સ્ક્રીનિંગ હૉલમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે ફોટોગ્રાફર્સે તેને ક્લિક કર્યો હતો. આ ભીડમાં એક નાનો છોકરો આ કપલ પાસે આવ્યો અને તેમની સાથે સેલ્ફી લેવા માટે પોતાનો ફોન કાઢ્યો. જોકે રિતેશે ફોન પકડેલા છોકરાના હાથને ધક્કો માર્યો હતો અને સેલ્ફી લેવાની ના પાડી દીધી અને તેની તરફ જોયા વગર આગળ વધી ગયો. આ વર્તન જોઈને તે છોકરો નિરાશ થઈ ગયો અને સોશ્યલ મીડિયા પર આ વર્તન ચર્ચાનો મુદ્દો બન્યો.
રિતેશ દેશમુખનો આ વિડિયો જોઈને લોકોએ તેની ટીકા કરી અને કહ્યું કે ‘હાઉસફુલ 5’ની સફળતા પછી રિતેશ દેશમુખને રાઈ ભરાઈ ગઈ છે. એક યુઝરે તો લખ્યું કે રિતેશ પાસેથી આવી અપેક્ષા નહોતી, ખૂબ જ ખોટો ઍટિટ્યૂડ છે. માફ કરજો, હવે તમને અનફૉલો કરું છું.


