‘રામાયણ’નો પ્રથમ લુક થોડા સમય પહેલાં જ રિલીઝ થયો હતો અને એની સાથે નિર્માતાઓએ એની રિલીઝ-ડેટની પણ જાહેરાત કરી દીધી છે
રામાયણ
નીતેશ તિવારીની ‘રામાયણ’ને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ ફિલ્મ વિશે નિયમિત રીતે અપડેટ્સ આવતી રહે છે. હવે રિપોર્ટ્સ અનુસાર નિર્માતાઓ આ ફિલ્મ પર છેલ્લાં ૧૦ વર્ષથી કામ કરી રહ્યા છે અને આ ફિલ્મને લખવામાં કે પછી બનાવવામાં કોઈ ભૂલ ન થાય એ માટે પંડિતોની મદદ લેવામાં આવી રહી છે. આ ફિલ્મમાં રામ બનેલા રણબીર કપૂરના સંવાદો માટે પણ નિર્માતાઓએ પંડિતોની સહાય લીધી છે તેમ જ શાસ્ત્રોનો અભ્યાસ કરીને ફિલ્મના સંવાદો અને સ્ક્રીનપ્લે લખવામાં આવ્યા છે, જેથી જ્યારે ફિલ્મ મોટા પડદે રિલીઝ થાય ત્યારે એમાં કોઈ ભૂલ ન રહે.
‘રામાયણ’નો પ્રથમ લુક થોડા સમય પહેલાં જ રિલીઝ થયો હતો અને એની સાથે નિર્માતાઓએ એની રિલીઝ-ડેટની પણ જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. આ બિગ બજેટ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખૂબ જ મોટી છે. ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મના પ્રમોશન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને એની પાછળ પાણીની જેમ પૈસા ખર્ચવાના છે. આમ આ ફિલ્મનું પ્રમોશન મોટા પાયા પર કરવામાં આવશે.
ADVERTISEMENT
રામાયણમાં ભરત બનશે રાષ્ટ્રીય પુરસ્કારવિજેતા આદિનાથ કોઠારે
નીતેશ તિવારીની ‘રામાયણ’માં ભગવાન રામ તરીકે રણબીર કપૂર અને માતા સીતા તરીકે સાઈ પલ્લવી જોવા મળશે એ કન્ફર્મ છે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં ભરત તરીકે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારવિજેતા મરાઠી ઍક્ટર આદિનાથ કોઠારે જોવા મળશે. ૪૧ વર્ષનો આદિનાથ કોઠારે મરાઠી ફિલ્મો અને ટીવી-શો માટે વધુ જાણીતો છે. તે કપિલ દેવની બાયોપિક ‘83’માં દિલીપ વેન્ગસરકરના રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેને વેબ-સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ સીઝન 4’માં ઇન્સ્પેક્ટર પ્રશાંત વાઘમારેના રોલમાં સારીએવી લોકપ્રિયતા મળી છે. આદિનાથ કોઠારે એક રાષ્ટ્રીય પુરસ્કારવિજેતા ફિલ્મનિર્માતા પણ છે. તેણે ૧૯૯૪માં ‘માઝા ચાકુલા’ ફિલ્મથી બાળકલાકાર તરીકે ડેબ્યુ કર્યું હતું અને મરાઠી ફિલ્મ ‘પાણી’ (૨૦૨૪) ફિલ્મ માટે તેને પર્યાવરણ સંરક્ષણ પર શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
આ આસામી ઍક્ટ્રેસ જોવા મળશે રામાયણમાં મહત્ત્વના રોલમાં
હાલમાં જ ફિલ્મ ‘રામાયણ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. એમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં, રાવણના રોલમાં યશ તેમ જ સીતામાતાની ભૂમિકામાં સાઈ પલ્લવી જોવા મળ્યાં છે. હવે રિપોર્ટ છે કે આસામી ઍક્ટ્રેસ સુરભિ દાસ ‘રામાયણ’માં માતા સીતાનાં બહેન અને લક્ષ્મણનાં પત્ની ઊર્મિલાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઊર્મિલાના ત્યાગને પણ દર્શાવવામાં આવશે. લક્ષ્મણનો રોલ ફિલ્મ ‘રામાયણ’માં ટીવી અભિનેતા રવિ દુબે ભજવી રહ્યો છે. સુરભિ દાસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘હું ‘રામાયણ’માં રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે કામ કરીને ખુશ છું. રણબીર ખૂબ જ મહેનતુ અભિનેતા છે. તેના અભિનયથી ઘણું શીખી શકાય છે. હું આ ફિલ્મનો ભાગ બનીને પોતાને નસીબદાર માનું છું. જોકે રણબીરની સરખામણીમાં મને સાઈ પલ્લવી સાથે કામ કરવાનો વધુ મોકો મળ્યો. તે ખૂબ જ સ્વીટ છે. હવે હું ફક્ત ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહી છું.’


