૨૦૧૭માં અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે દાદામુનિની યાદમાં ‘નાચે મન મોરા’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ સમયે હું પુણે તેમને મળવા ગયો હતો. ત્યાર બાદ અમારી નિકટતા વધી હતી.
ભારતી અને રજની મહેતા સાથે રૂપા ગાંગુલી.
‘મારામાં જો હાસ્યવૃત્તિ ન હોત તો મેં ક્યારનો આપઘાત કર્યો હોત.’
- મહાત્મા ગાંધી
ADVERTISEMENT
ચાર્લી ચૅપ્લિન કહે છે, ‘A Day without laughter is a day wasted.’ એક સમય હતો જ્યારે નૂર મોહમ્મદ ચાર્લી, ગોપ, ઓમપ્રકાશ, જૉની વૉકર, આઇ. એસ. જોહર, મેહમૂદ જેવા સમર્થ હાસ્ય કલાકારો પોતાની કૉમેડીના જોરે ફિલ્મને ખેંચી જતા. ૬૦ના દશકમાં આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું. એ હતા દેવેન વર્મા જેમણે કૉમેડીના ક્ષેત્રે અલગ ઓળખ બનાવી.
તમને થશે આજે અચાનક તેમની યાદ કેમ આવી? બન્યું એવું કે ગયા અઠવાડિયે અશોકકુમારના પુત્ર અરૂપ ગાંગુલી અને નીરુ સાથે એક સાંજ ગાળવાનો મોકો મળ્યો. અરૂપકુમાર સાથે મારી કૉલેજના દિવસોની ઓળખાણ. સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં હું સાયન્સનો અને તે કૉમર્સના વિદ્યાર્થી. એક કૉમન ફ્રેન્ડ દ્વારા તેમની સાથે ઓળખાણ થઈ. મને થતું કે મારું બૅકગ્રાઉન્ડ એક મિડલ ક્લાસ ફૅમિલીનું અને તે સુપ્રસિદ્ધ કલાકારનો પુત્ર. અમારી વચ્ચે નિકટતા થાય એવી કોઈ શક્યતા નહોતી પરંતુ અરૂપકુમારે મને એ ભાર નથી લાગવા દીધો કે તે એક સ્ટાર ફૅમિલીના સભ્ય છે.
ચેમ્બુરના યુનિયન પાર્કમાં એક સમયે અશોકકુમારનો વિશાળ બંગલો ત્યાં હતો જ્યાં દાદામુનિને મળવાનો મોકો મળ્યો હતો. હવે એ બંગલોનું રૂપાંતર ‘અશોકકુમાર ટાવર’માં થયું છે. જોકે ગૉલ્ફ ક્લબની બાઉન્ડરીને અડોઅડ આવેલા આ ટાવરના ચોથા માળના વિશાળ ફ્લૅટમાં હજી ઓલ્ડ વર્લ્ડ ચાર્મ બરકરાર રહ્યો છે.
ફોન પર અરૂપે ચોખ્ખી ના પાડતાં કહ્યું હતું કે આવે ત્યારે મીઠાઈ કે ફરસાણ ન લાવતા કારણ કે ડૉક્ટરે ના પાડી છે. એટલે દહીંવડાં અને બેક કરેલી વાનગીઓ લઈને હું અને ભારતી ત્યાં પહોંચ્યા. એ વખતે રૂપા વર્મા (અરૂપનાં મોટાં બહેન અને દેવેન વર્માનાં પત્ની) પણ ત્યાં હાજર હતાં. દેવેન વર્માના નિધન બાદ થોડાં વર્ષોથી તેઓ પુણેના બંગલોથી શિફ્ટ થઈ ટાવરમાં સાતમા માળના ફ્લૅટમાં શિફ્ટ થયાં છે. ૨૦૧૭માં અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે દાદામુનિની યાદમાં ‘નાચે મન મોરા’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ સમયે હું પુણે તેમને મળવા ગયો હતો. ત્યાર બાદ અમારી નિકટતા વધી હતી.
સૌ બેસીને ગપ્પાં મારતાં હતાં. ત્યાં ચા સાથે સમોસા, ખાંડવી અને ઢોકળાની ડિશ લઈને નોકર આવ્યો એટલે મેં કહ્યું, ‘સારું થયું, અમને હજી ડૉક્ટરે આ ચીજની મનાઈ નથી કરી. ‘ ત્યાં અરૂપ બોલ્યો, ‘આ રૂપાની ફરમાઈશ છે. એક ગુજરાતીને પરણીને તે પણ અડધી ગુજરાતણ બની ગઈ છે.’ આમ વાતનો દોર દેવેન વર્મા તરફ વળ્યો અને અનેક મજેદાર કિસ્સા જાણવા મળ્યા.
‘દેવેનનાં મમ્મી સરલાદેવી કચ્છી હતાં એટલે ગુજરાતી સારું બોલે. તેમનું અસલી નામ હતું ખડકસિંહ વર્મા. પિતા બલદેવસિંહ વર્માનો ચાંદીનો ધંધો હતો. પાછળથી તેમણે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનનું કામ શરૂ કર્યું. દેવેનની સેન્સ ઑફ હ્યુમર જોરદાર હતી. પિતાને હતું કે તે વકીલ બને પણ દેવેનને એમાં રસ નહોતો. સ્કૂલ અને કૉલેજમાં નાટકોમાં કામ કરે, મિમિક્રી કરે, મશહૂર અભિનેતાઓના અવાજની નકલ કરે, ઑર્કેસ્ટ્રામાં ગીતો ગાય. એલ્વિસ પ્રેસ્લી તેમનો ફેવરિટ. તેનાં અંગ્રેજી ગીતો ગાય. સ્ટેજ-શો કરતી વખતે નામ બદલીને દેવેન રાખ્યું.
‘તેમનો પરિવાર પહેલાં મુંબઈમાં રહેતો હતો, પણ મોટી બહેનને પુણેની મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન મળ્યું એટલે સૌ ત્યાં શિફ્ટ થયાં. દેવેન પંચગની બોર્ડિંગ સ્કૂલમાં ભણતાં. ત્યાર બાદ પુણેની વાડિયા કૉલેજમાંથી પૉલિટિક્સ અને સોશ્યોલૉજીમાં BA કરીને મુંબઈ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં ઍડ્મિશન લીધું.
‘મુંબઈમાં તેમની મુલાકાત વિખ્યાત મિમિક્રી આર્ટિસ્ટ જૉની વ્હિસ્કી સાથે થઈ. તેમની સાથે નાટકો અને સ્ટેજ-શોમાં કામ કરવાનો મોકો મળ્યો. વિખ્યાત મ્યુઝિશ્યન એનોક ડૅનિયલ સાથે સ્ટેજ-શો કરવા વિદેશની ટૂર કરી. ધીમે-ધીમે તેમનું નામ થતું હતું. લૉની ડિગ્રી મેળવવાની વાત પડતી મૂકી તેમણે ફુલટાઇમ મિમિક્રી આર્ટિસ્ટની જિંદગી શરૂ કરી. પિતાજીને આ વાત ન ગમી, પરંતુ તેમણે નમતું જોખ્યું.
‘નૉર્થ ઇન્ડિયા પંજાબ અસોસિએશનના એક કાર્યક્રમમાં દેવેન વર્માનો જોરદાર પર્ફોર્મન્સ જોઈને પ્રોડ્યુસર-ડિરેક્ટર બી. આર. ચોપડા ખૂબ પ્રભાવિત થયા. તેમણે ‘ધર્મપુત્ર’માં એક નાનો રોલ ઑફર કર્યો અને દેવેન વર્માની ફિલ્મ કારકિર્દીની શરૂઆત થઈ. બી. આર. ફિલ્મ્સમાં તેમનો પગાર હતો મહિનાના ૬૦૦ રૂપિયા. ફિલ્મ સદંતર નિષ્ફળ નીવડી. જોકે તેમના અભિનયની કદર કરતાં મદ્રાસની એ. વી. એમ. કંપનીએ ઑફર આપી. પગાર મળશે ૧૫૦૦ રૂપિયા, પરંતુ મદ્રાસમાં જ રહેવું પડશે અને અમારી ફિલ્મોમાં જે રોલ આપીએ એ કરવો પડશે.
‘મદ્રાસમાં એ. વી. એમ. ની ફિલ્મોમાં કામ કરતાં અશોકકુમાર સાથે મુલાકાત થઈ. અંગત જીવનમાં દેવેન વર્મા ખૂબ મજાકિયા હતા. દાદામુનિનું દેવેન વર્મા સાથે સારું ટ્યુનિંગ થઈ ગયું. મદ્રાસના પ્રોડક્શન હાઉસમાં સમયપાલન અને શિસ્ત ખૂબ મહત્ત્વની બાબત છે. કલાકારોએ લાંબો સમય મદ્રાસ રહીને સમયમર્યાદામાં ફિલ્મ પૂરી કરવી પડે એટલે હોમસિક થયેલા દાદામુનિએ પૂરા પરિવારને વેકેશન ગાળવા મદ્રાસ બોલાવ્યો.
આંખોમાં એક અનોખી ચમક સાથે એ દિવસોને યાદ કરતાં રૂપા વર્મા કહે છે, ‘એ ટ્રિપ ખૂબ એક્સાઇટિંગ હતી. દિવસે ફરવાનું અને રાતે બાબા સાથે ડિનરમાં ખૂબ વાતો કરવાની. મારી દેવેન સાથેની પહેલી મુલાકાત ત્યાં થઈ. દેવેન પણ અમારી સાથે ડિનરમાં જોડાતા. વાત-વાતમાં તે એવી હ્યુમર કરે કે અમે હસી-હસીને બેવડ વળી જઈએ.
‘એક વાર અમે કઝિન બહેનો બૅન્ગલોર ગઈ હતી. અચાનક એક દિવસ દેવેન ત્યાં આવ્યા. કહે, ‘મારું શૂટિંગ હતું એટલે બૅન્ગલોર આવ્યો છું. મનમાં થયું તમને સૌને મળી લઉં.’ એ દિવસે ગેમ્સ રમતા હતા તો મારી બાજુમાં જ બેસે. થોડી વાર પછી કહે, ‘ચાલો, સંતાકૂકડી રમીએ.’ અમે કહ્યું, એ તો નાનાં બાળકો રમે. તો કહે, ‘આપણે ક્યાં હજી એટલા મોટા થયા છીએ.’ અમે રમત શરૂ કરી તો મારી પાછળ-પાછળ જ આવે. એ વખતે હું ૧૭-૧૮ વર્ષની હતી. થોડી ગભરાયેલી હતી, નર્વસ હતી. પાછળથી ખબર પડી કે એ મને મળવાનું એક બહાનું હતું.
‘બાબા અને દેવેન વચ્ચે ઉંમરનો તફાવત હતો પણ સારું બૉન્ડિંગ હતું. અવારનવાર બાબા તેને ઘરે ડિનર પર બોલાવતા. તેના આવવાથી સૌ ખુશ થતા. એનું મુખ્ય કારણ એ કે તેમની અને બાબાની જુગલબંદીથી પૂરા ઘરમાં હાસ્યની છોળ ઊડતી. મારી કઝિન્સ અને તેની બહેનો સાથે અમે પિકનિક પર જતાં. આટલી છોકરીઓ વચ્ચે દેવેન પણ સાથે આવે એ જોઈ એક દિવસ મારી કઝિને કહ્યું, ‘દેવેન તારી આસપાસ ચક્કર લગાવે છે. શું વાત છે?’ ત્યારે હું થોડી સભાન થઈ ગઈ. એ પહેલાં મેં એ દૃષ્ટિથી જોયું નહોતું. દેવેન હૅન્ડસમ હતો એ સાચું પણ હકીકત એ હતી કે અમારો ઉછેર ટ્રેડિશનલ રીતે થયો હતો. બાબા એ બાબતમાં સ્ટ્રિક્ટ હતા. અમને કદી સ્ટાર કિડ્સ જેવી ટ્રીટમેન્ટ મળી નથી. ખોટો દેખાડો નહીં કરવાનો. ખોરાક વેડફવાનો નહીં, વડીલોને માન આપવું આ રીતે અમારી પરવરિશ થઈ છે. ૧૫ વર્ષની ઉંમરે માએ સાડી પહેરવાની તાલીમ આપી હતી. બાબા કહેતા કે ૨૦-૨૧ વર્ષની ઉંમરે તમારે પરણીને ઠરીઠામ થઈ જવાનું છે.
‘એક દિવસ અમે પિકનિક પર ગયાં હતાં. ત્યાં પ્રીતિ (૮ વર્ષ)એ મને એક ચિઠ્ઠી આપી જે દેવેને મોકલાવી હતી. એમાં લખ્યું હતું, ‘I like you, I admire you.’ મને ગમ્યું પણ હું ગભરાઈ ગઈ. પ્રીતિને કહ્યું, કોઈને કહેતી નહીં, ઘરે બાબા અને મમ્મીને ખબર પડશે તો મારું આવી બનશે. એ દિવસથી મારી ફીલિંગ્સ બદલાઈ ગઈ.’
કવિ સુંદરમની પંક્તિ યાદ આવે છે. ‘બધું છૂપે, છૂપે નહીં નયન ક્યારેય પ્રણયનાં.’ દેવેન વર્મા અને રૂપા ગાંગુલીની પરીકથા જેવી પ્રેમકહાનીની દાદામુનિને ખબર પડી ત્યારે શું થયું એ વાત આવતા રવિવારે.

