ફિલ્મની હિરોઇન રાશિ ખન્નાએ પ્રીમિયર વખતે બનેલા ઇમોશનલ ઘટનાક્રમ વિશે જણાવ્યું
120 બહાદુર જોઈને રેખાની આંખમાં આવી ગયાં હતાં આંસુ
ફરહાન અખ્તરની વૉર-ડ્રામા ફિલ્મ ‘120 બહાદુર’ની રિલીઝને એક અઠવાડિયું થઈ ગયું છે ત્યારે ફિલ્મની હિરોઇન રાશિ ખન્નાએ પ્રીમિયર વખતે બનેલા ઇમોશનલ ઘટનાક્રમ વિશે વાત કરતાં કહ્યું હતું કે પ્રીમિયર વખતે આ ફિલ્મને જોઈને રેખા બહુ ઇમોશનલ થઈ ગયાં હતાં અને તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
આ ઘટનાક્રમ વિશે વાત કરતાં રાશિએ એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે ‘રેખા ફિલ્મ જોઈને ખૂબ ભાવુક થઈ ગયાં હતાં અને તેમની આંખમાં આંસુ હતાં. મેં તેમને પૂછ્યું કે શું હું તમને હગ કરી શકું? ત્યારે તેઓ બોલ્યાં કે ના, શું હું તમને હગ કરી શકું? તેમણે બહુ લાગણીથી મને ગળે વળગાડી હતી અને મારા પાત્રનાં બહુ વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે મારું પાત્ર તેમને સ્પર્શી ગયું છે.’
120 બહાદુર દિલ્હીમાં થઈ ટૅક્સ-ફ્રી
ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ ૨૧ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી. હવે એક અઠવાડિયા બાદ ફિલ્મને દિલ્હીમાં ટૅક્સ-ફ્રી જાહેર કરી દેવામાં આવી છે. પોતાની ફિલ્મને મળેલા આ પ્રતિસાદથી ફરહાન અખ્તર ખૂબ ખુશ છે અને તેણે દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાનો આ નિર્ણય બદલ આભાર માન્યો છે. ફરહાને સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને લખ્યું હતું, ‘દિલ્હીમાં હવે ‘120 બહાદુર’ ટૅક્સ-ફ્રી થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાજીનો આભાર, કારણ કે તેમના આ સમર્થનથી સાહસની આ વાર્તા વધુ દૂર સુધી પહોંચશે.’
આ પહેલાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગુરુવાર રાત્રે સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી હતી કે ફિલ્મને ટૅક્સ-ફ્રી કરવામાં આવી છે. તેમણે લખ્યું હતું, ‘ફિલ્મ ‘120 બહાદુર’ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ દરમ્યાન રેઝાંગ લા ખાતે લડનાર ૧૩ કુમાઉં રેજિમેન્ટના ૧૨૦ જવાનોએ દેખાડેલા અદ્ભુત સાહસ, નેતૃત્વ અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપે છે. આ ફિલ્મ મેજર શૈતાનસિંહ ભાટીના પ્રેરણાદાયી નેતૃત્વને દર્શાવે છે. આ શૂરવીર જવાનોના સન્માનમાં દિલ્હીની સરકારે ૨૮ નવેમ્બરથી ફિલ્મને કરમુક્ત કરવાનો નિર્ણય લીધો છે.’


