Entertainment Updates: અદા શર્માની સાથે રહેતાં તેનાં દાદીનું નિધન; અનુપમ ખેર અને સાઈ પલ્લવીની ગોવામાં ખાસ મુલાકાત; અને વધુ સમાચાર
શુક્રવાર, શનિવાર, રવિવાર
સોનમ કપૂર બીજી વાર મમ્મી બનવા જઈ રહી છે અને સ્વાભાવિક રીતે જ તે ખુશ છે એટલે ત્રણ દિવસથી અલગ-અલગ ડ્રેસમાં બેબી-બમ્પ દેખાડતા ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. સૌથી પહેલાં તેણે પિન્ક આઉટફિટમાં બેબી-બમ્પ દેખાડતી તસવીર પોસ્ટ કરીને જાહેર કર્યું હતું કે તે પ્રેગ્નન્ટ છે અને પછી તેણે પહેલાં બ્લૅક વેસ્ટર્ન આઉટફિટમાં અને પછી પરંપરાગત વાઇટ આઉટફિટમાં એમ સતત ત્રણ દિવસ બેબી-બમ્પ સાથેની તસવીરો ફૅન્સ માટે પોસ્ટ કરી છે.
દિલ્હીના હવાના પ્રદૂષણથી ક્રિતી સૅનન અપસેટ
ADVERTISEMENT

ધનુષ અને ક્રિતી સૅનન પોતાની આગામી ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ના પ્રમોશન માટે દિલ્હીની મુલાકાતે ગયાં હતાં. હાલમાં દિલ્હીની પ્રદૂષિત હવા ચર્ચાનો મુદ્દો બની છે ત્યારે ક્રિતીએ પણ દિલ્હીના હવાના પ્રદૂષણ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ક્રિતીએ વાતચીત દરમ્યાન કહ્યું, ‘મને નથી લાગતું કે આ મામલે કંઈ કહેવાથી ફાયદો થશે. આ પૉલ્યુશનની સ્થિતિ દિવસે-દિવસે ખરાબ થતી જાય છે. હું દિલ્હીની છું અને મને ખબર છે કે પહેલાં શું હાલત હતી અને હવે સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે. આને રોકવા માટે કંઈક કરવાની જરૂર છે. નહીં તો એ દિવસ દૂર નથી જ્યારે આપણે બાજુમાં ઊભી રહેલી વ્યક્તિને પણ નહીં જોઈ શકીએ.’
અદા શર્માની સાથે રહેતાં તેનાં દાદીનું નિધન

ગઈ કાલે ઍક્ટ્રેસ અદા શર્માનાં દાદીનું નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી અલ્સરેટિવ કોલાઇટિસ અને બીજી સમસ્યાઓથી પીડાતાં હતાં અને એક મહિનાથી હૉસ્પિટલમાં દાખલ હતાં. અદા પોતાનાં દાદીની બહુ નજીક હતી અને મુંબઈમાં તેમની સાથે જ રહેતી હતી. અદાના સોશ્યલ મીડિયા પર પણ તેના દાદી સાથેના અનેક મસ્તીભર્યા વિડિયો જોવા મળે છે. હવે અદા અને તેની મમ્મી કેરલામાં સ્મશાનવિધિ અને સ્મૃતિસભા કરશે.
અનુપમ ખેર અને સાઈ પલ્લવીની ગોવામાં ખાસ મુલાકાત

હાલમાં ગોવામાં ૫૬મો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) ચાલી રહ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન અનુપમ ખેર અને સાઈ પલ્લવીની મુલાકાત થઈ હતી. અનુપમે આ મુલાકાતની ખાસ તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરીને સાઈ પલ્લવીને તેની આવનારી ફિલ્મો માટે શુભકામનાઓ આપી હતી. આ તસવીર શૅર કરીને અનુપમે કૅપ્શન લખી, ‘ખૂબસૂરત ઍક્ટ્રેસ સાઈ પલ્લવી સાથે ખાસ મુલાકાત. તેને મળીને ખૂબ આનંદ થયો. થોડા સમયની વાતચીતમાં જ તે સંપૂર્ણપણે સચ્ચી, પ્યારી અને સહજ લાગી. તે કમાલની અભિનેત્રી છે. તેના આવતા તમામ પ્રોજેક્ટ્સ માટે ઘણીબધી શુભકામનાઓ. જય હો.’
મેકઅપ વગર આવી લાગે છે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ ૩૨ વર્ષની છે છતાં તેના ચહેરા પર એક પ્રકારની તાજગી છે. હાલમાં આલિયા તેના ટેનિસ-સેશન વખતે ફોટોગ્રાફર્સના કૅમેરામાં નો-મેકઅપ લુકમાં ક્લિક થઈ ગઈ જેમાં તેની કુદરતી સુંદરતા અને એફર્ટલેસ લુક ફૅન્સને ખૂબ જ પસંદ પડી રહ્યાં છે.
શરૂ થઈ ગયું પ્રભાસ અને તૃપ્તિ ડિમરીની સ્પિરિટનું શૂટિંગ

પ્રભાસ અને તૃપ્તિ ડિમરીને લીડ રોલમાં ચમકાવતી ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ગઈ કાલે ફિલ્મના મેકર્સે સોશ્યલ મીડિયા પર ફિલ્મની પૂજાવિધિની તસવીરો શૅર કરીને શૂટિંગની શરૂઆતની જાહેરાત કરી છે. આ પૂજામાં ફિલ્મના કલાકારો અને ટીમના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચિરંજીવી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યો હતો અને તેણે મુહૂર્ત શૉટ માટે ક્લૅપ પણ આપી. મેકર્સે પૂજાવિધિની તસવીરો સાથે કૅપ્શન લખી, ‘શૂટ પ્રારંભમ્. ભારતના સૌથી મોટા સુપરસ્ટાર પ્રભાસની ‘સ્પિરિટ’ આજે ફ્લોર પર આવી રહી છે. ભૂષણ કુમાર દ્વારા નિર્મિત અને બ્લૉકબસ્ટર ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત... એક શાનદાર શરૂઆત.’ સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ શૂટિંગ પહેલાં જ વિવાદમાં આવી હતી. હકીકતમાં આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે દીપિકા પાદુકોણને સાઇન કરવામાં આવી હતી પણ કામના કલાકો અને ફીના મામલે વિવાદ થતાં તેને પડતી મૂકીને તૃપ્તિ ડિમરીને સાઇન કરવામાં આવી છે.
ભારતીય સેનાના ટોચના અધિકારીઓ માટે 120 બહાદુરનું ખાસ સ્ક્રીનિંગ
ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ ૧૯૬૨ના ચીન-ભારત યુદ્ધ સમયે રેઝાંગ લાની અથડામણમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પે છે. આ ફિલ્મની થીમને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન આર્મીના ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સહિત ભારતીય સેનાના ટોચના અધિકારીઓ તેમના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ફરહાને આ પળને ‘ગૌરવપૂર્ણ’ ગણાવીને ઇવેન્ટની તસવીરો શૅર કરી હતી.


