રણદીપ હૂડાએ જણાવ્યું કે એ મૂવીના પ્રમોશનમાં મને સાઇડલાઇન કરવામાં આવ્યો હતો અને મને આ વાતનું બહુ ખરાબ લાગ્યું હતું. રણદીપે પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘‘હાઇવે’માં હું મુખ્ય પાત્ર ભજવી રહ્યો હતો આમ છતાં આ ફિલ્મના પ્રમોશનથી મને દૂર રાખવામાં આવ્યો હતો.
રણદીપ હૂડા
ઍક્ટર રણદીપ હૂડાની લેટેસ્ટ ફિલ્મ ‘જાટ’માં તેની ઍક્ટિંગ દર્શકોને બહુ પસંદ પડી છે. રણદીપની ગણતરી બૉલીવુડના ટૅલન્ટેડ ઍક્ટરમાં થાય છે. જોકે હાલમાં રણદીપે એક પૉડકાસ્ટમાં તેના જીવન પર અસર કરી ગયેલી એક ઘટના વિશે વાત કરી છે. રણદીપે પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘‘હાઇવે’માં હું મુખ્ય પાત્ર ભજવી રહ્યો હતો આમ છતાં આ ફિલ્મના પ્રમોશનથી મને દૂર રાખવામાં આવ્યો હતો અને રણબીર કપૂર પાસે આ ફિલ્મનું પ્રમોશન કરાવવામાં આવ્યું હતું. મને આ ફિલ્મના પ્રમોશનમાં સાઇડલાઇન કરવામાં આવ્યો હતો અને પ્રી-રિલીઝ ઇવેન્ટથી પણ દૂર રાખવામાં આવ્યો હતો. મને આ વર્તનથી બહુ ખરાબ લાગ્યું હતું, કારણ કે જો એ સમયે મને થોડો સપોર્ટ મળ્યો હોત તો મારું જીવન વધારે સરળ બન્યું હોત અને કરીઅરમાં પણ ફાયદો થયો હોત. મેં જ્યારે રણબીરને આ ફિલ્મનું પ્રમોશન કરતો જોયો ત્યારે મને બહુ નવાઈ લાગી હતી કે રણબીરનો આ ફિલ્મ સાથે શું સંબંધ છે? જોકે કદાચ તેમનું અફેર ત્યારે જ શરૂ થયું હતું. હું તેમને આ માટે શુભેચ્છા આપું છું.
રણદીપે પોતાના ગામમાં ઊજવી જાટની સફળતા
સની દેઓલ અને રણદીપ હૂડાને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ‘જાટ’ ૧૦ એપ્રિલે રિલીઝ થઈ છે અને આ ફિલ્મમાં રણદીપની ઍક્ટિંગને વખાણવામાં આવી છે. આ ફિલ્મની સફળતા પછી રણદીપ સક્સેસને સેલિબ્રેટ કરવા માટે હરિયાણાના રોહતક ખાતે આવેલા પોતાના ગામ ગયો હતો. અહીં તેણે પોતાના પરિવાર અને મિત્રો સાથે બૈસાખીની ઉજવણી પણ કરી હતી. આ મુલાકાત વખતે તેની સાથે ફિલ્મના ડિરેક્ટર ગોપીચંદ માલિનેની પણ હતા. આ પછી તેમણે હાઉસફુલ થિયેટરમાં દર્શકો સાથે બેસીને ફિલ્મની મજા માણી.

