મધ્ય પ્રદેશના કાન્હા નૅશનલ પાર્ક પાસે ખરીદેલી જમીન પર તે ગેરકાયદે બાંધકામ કરી રહ્યો છે એવો આક્ષેપ ખોટો પુરવાર થયો
રણદીપ હૂડા
રણદીપ હૂડાને મધ્ય પ્રદેશ હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી ગઈ છે. ત્યાં આવેલા કાન્હા નૅશનલ પાર્ક પાસે તેણે જમીન ખરીદી છે અને એના પર તે ગેરકાયદે બાંધકામ કરી રહ્યો છે એવા આરોપ તેના પર મૂકવામાં આવ્યા હતા. એને જોતાં કોર્ટે એ જમીનનું પૂરતું નિરીક્ષણ કરવાના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ જાણ થઈ કે રણદીપની જમીન પર કોઈ બાંધકામ નથી કરવામાં આવ્યું. એને જોતાં રણદીપે હવે પોતાની છબી ખરડવા બદલ ૮૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો SDM એટલે કે સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ વિરુદ્ધ માંડ્યો હતો. ફેંસલો રણદીપના પક્ષમાં આવ્યો અને તે આ કેસ જીતી ગયો છે. એ વિશે માહિતી આપતાં રણદીપના વકીલ સિદ્ધાર્થ શર્મા કહે છે, ‘આ ખરેખર દુર્ભાગ્યની વાત છે કે એક સન્માનનીય નાગરિક અને પર્યાવરણપ્રેમી શ્રી રણદીપ હૂડા પર ખોટા અને હલકી પબ્લિસિટી મેળવવા માટે આવા આરોપો મૂકવામાં આવ્યા. અમે માનનીય કોર્ટના આભારી છીએ કે તેઓ સત્ય બહાર લાવ્યા અને જૂનો રિપોર્ટ આપવાનો ઑર્ડર આપ્યો, જેની અગાઉ ના પાડવામાં આવી હતી. તેમની જમીનનું જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું એમાં જાણ થઈ કે એક ઈંટ પણ તેમની જમીન પર મૂકવામાં નથી આવી.’

