રામ કપૂરે આ ખુલાસો કરીને કહ્યું કે આ નિર્ણયને કારણે મારી મમ્મી અને બહેન મારી સાથે વાત નથી કરતી
રામ કપૂર
રિયલિટી શો ‘લૉકઅપ’ની બીજી સીઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લઈ રહેલા રામ કપૂરે પોતાના જીવનનો બહુ મોટો ખુલાસો કર્યો છે. શોમાં રામ કપૂરે કહ્યું હતું કે મેં મારા પપ્પાને તેમના મૃત્યુનું પ્લાનિંગ કરવામાં મદદ કરી હતી અને આ નિર્ણયને કારણે મારી મમ્મી અને બહેન આજે પણ મારી સાથે વાત કરતી નથી.
પોતાના જીવનના આ ઘટનાક્રમ વિશે વાત કરતાં રામ કપૂરે કહ્યું હતું કે ‘મારા પપ્પાને ૬૩ વર્ષની ઉંમરે પૅન્ક્રિયાટિક કૅન્સર હોવાનું નિદાન થયું હતું. કૅન્સરની સર્જરી શક્ય ન હોવાથી તેમણે ૧૮ કીમોથેરપી સેશન લીધાં હતાં. આ પછી કૅન્સર લગભગ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગયું હતું અને તેઓ ૭૩ વર્ષની ઉંમર સુધી સારું જીવન જીવ્યા. આ પછી પપ્પાને ફરી એક વાર કૅન્સર થયું. ડૉક્ટરોને આશા હતી કે અગાઉની જેમ આ વખતે પણ સારવાર અસરકારક રહેશે, પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ હતી. કોવિડ વખતે જ્યારે સમગ્ર વિશ્વમાં લૉકડાઉન હતું ત્યારે મારા પપ્પા સિંગાપોરમાં હતા. એ સમયે તેમણે નક્કી કરી લીધું હતું કે હવે તેઓ વધુ સારવાર કરાવવા ઇચ્છતા નથી. તેમણે સીધું જ મને પૂછ્યું હતું કે શું હું તેમને મૃત્યુના પ્લાનિંગમાં મદદ કરી શકીશ? શરૂઆતમાં મારી પ્રતિક્રિયા પણ કોઈ સામાન્ય વ્યક્તિ જેવી જ હતી પણ પછી તેમણે મને તેમના વિચારો સમજાવ્યા. અમે બન્ને હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ થયા હતા, પણ કોઈને ખબર નહોતી કે ત્યાં કોઈ સારવાર ચાલી રહી નહોતી. અમારા આ નિર્ણય બદલ મારી મમ્મી અને મારી બહેન આજે પણ મારી સાથે વાત કરતી નથી. આ ઘટનાને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો છે છતાં મને લાગે છે કે એક દીકરા તરીકે મેં મારા પપ્પા માટે શ્રેષ્ઠ નિર્ણય લીધો હતો.’
