સંજુ સૅમસને જણાવ્યું કે T20 વર્લ્ડ કપ 2026 પહેલાં તેણે રૅટ-રેસથી દૂર રહી પોતાની શરતો પર ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો હતો. તેણે કહ્યું કે હવે તે રમતનો આનંદ માણવા, ટીમને ટેકો આપવા અને કોઈના દબાણ વગર પોતાનો નિર્ણય લઈને રમવા માગે છે.
સંજુ સેમસન
ભારતના વિકેટકીપર-બૅટ્સમૅન સંજુ સૅમસને T20 વર્લ્ડ કપ 2026 પહેલાંના માઇન્ડસેટ વિશે ખુલાસો કર્યો છે. સંજુ સૅમસન કહે છે, ‘મને સમજાયું કે આપણા દેશમાં હંમેશાં રૅટ-રેસ એટલે કે આંધળી દોડ ચાલુ રહે છે અને મેં ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ પહેલાં જ નિર્ણય લીધો હતો કે હું એનો ભાગ નહીં બનું. હું ફક્ત રમતનો આનંદ માણવા માગું છું. ભગવાનની કૃપાથી મેં ઘણું પ્રાપ્ત કર્યું છે. હું હવે ૩૧ વર્ષનો છું અને મારી પાસે રમવા માટે ફક્ત થોડાં વર્ષ બાકી છે. તેથી મેં મારી પોતાની શરતો પર રમવાનું નક્કી કર્યું છે. કોઈ મને કહેશે નહીં કે કેવી રીતે બૅટિંગ કરવી અથવા શું કરવું. સંજુ પોતે નિર્ણય લેશે.’સંપૂર્ણ આદર સાથે હું રમીશ, રમતનો આનંદ માણીશ, એક સારો સાથી બનીશ અને ગ્રુપને ટેકો આપીશ; પરંતુ હું એ મારી રીતે કરીશ. ૨૦૨૪ના વર્લ્ડ કપમાં માત્ર બેન્ચ પર બેસ્યા પછી મેં ૨૦૨૬ના વર્લ્ડ કપમાં રમવાની અપેક્ષા પણ નહોતી રાખી.’
વિરાટ કોહલીએ આપેલી સલાહ પર દોઢ વર્ષ જ અમલ કરી શક્યો
ADVERTISEMENT
સંજુ સૅમસન કહે છે, ‘આપણે બધા જાણીએ છીએ કે વિરાટભાઈ કેવા છે. તે જિમમાં જે રીતે વર્તે છે એમાં એક અલગ જુસ્સો દર્શાવે છે અને મને તેના વિશેની આ વાત ખૂબ ગમે છે. ભારતીય ટીમના કૅમ્પ દરમ્યાન અમે જિમમાં સાથે કસરત કરી રહ્યા હતા અને મેં તેમને પૂછ્યું પાજી, મારે શું કરવું જોઈએ? મને કંઈક કહો. તેણે મને કહ્યું કે જીવનશૈલી ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જો તું ઇન્ટરનૅશનલ ક્રિકેટર બનવા ઇચ્છતો હો તો તારે એક અલગ જીવનશૈલી અપનાવવી પડશે. તેમણે કેટલીક ડાયટ કહી જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમણે મને આગામી ૧૦ વર્ષ સુધી એ શિસ્ત જાળવી રાખવાની સલાહ આપી. જોકે હું દોઢ વર્ષ જ એનો અમલ કરી શક્યો હતો.’
