ધુરંધરમાં જમીલ જમાલીનું પાત્ર ભજવનાર રાકેશ બેદીએ સીક્વલની રિલીઝ પહેલાં ટૉક્સિકને આડકતરો ટોણો માર્યો
મિડલ ઈસ્ટનું સ્ટ્રેસ અમને પણ છે, પણ અમે તો આવી રહ્યા છીએ
૧૯ માર્ચે સિનેમાઘરોમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ અને ‘ટૉક્સિક’ વચ્ચે મોટો ક્લૅશ થવાનો હતો. જોકે થોડા દિવસ પહેલાં ‘ટૉક્સિક’ના મેકર્સે ફિલ્મને પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ નિર્ણય પર ‘ધુરંધર’માં જમીલ જમાલીનું પાત્ર ભજવનાર અભિનેતા રાકેશ બેદીએ ટોણો માર્યો છે. રાકેશ બેદીએ કહ્યું હતું કે મિડલ ઈસ્ટનું સ્ટ્રેસ અમને પણ છે, પણ અમે તો આવી રહ્યા છીએ.
થોડા સમય પહેલાં ‘ટૉક્સિક’ના મેકર્સે સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તનાવને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ આગળ ધપાવવામાં આવી છે. તેમની જાહેરાત મુજબ આ ફિલ્મ ભારતીય તેમ જ આંતરરાષ્ટ્રીય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, એથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિલીઝ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. સાથે-સાથે મેકર્સે જાહેરાત કરી હતી કે હવે ‘ટૉક્સિક’ ૪ જૂને રિલીઝ થશે. આ નિર્ણય પછી સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ ટિપ્પણી કરી કે ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ડરથી ફિલ્મની રિલીઝ આગળ ધપાવવામાં આવી છે. આ ચર્ચા વચ્ચે હવે રાકેશ બેદીનું નિવેદન પણ સામે આવ્યું છે.
