અગિયાર ફેબ્રુઆરીએ થશે રિલીઝ અને દિલ્હીમાં સિનેમા મોડા ખૂલશે તો એક અઠવાડિયું લંબાઈ શકે છે

રાજકુમાર અને ભૂમિ થિયેટર્સને આપશે ‘બધાઈ દો’
રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકરની ‘બધાઈ દો’ને અગિયાર ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી રહી છે. ઓમાઇક્રોનને કારણે મોટા ભાગનાં થિયેટર્સમાં અડધી કૅપેસિટી કરી નાખવામાં આવી છે. તેમ જ ઘણી ફિલ્મોની રિલીઝ પણ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. ત્યારે રાજકુમાર અને ભૂમિ તેમની ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મનું ટ્રેઇલર આજે રિલીઝ થઈ રહ્યું છે. હર્ષવર્ધન કુલકર્ણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને લઈને દરેક વ્યક્તિ ખૂબ જ કૉન્ફિડન્ટ હોવાથી એને વૅલેન્ટાઇન્સ ડે દરમ્યાન રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને લઈને ઘણાં ટેસ્ટ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યાં હતાં. ટાર્ગેટ ગ્રુપ દ્વારા સારો રિસ્પૉન્સ મળતાં એને થિયેટર્સમાં જ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં થિયેટર્સ બંધ છે, પરંતુ પહેલી ફ્રેબ્રુઆરીથી પચાસ ટકા કૅપેસિટી સાથે એને શરૂ કરવામાં આવશે એવી ચર્ચા છે. જો થિયેટર્સને શરૂ થવામાં થોડી વાર લાગી તો મેકર્સ એને ૧૮ ફેબ્રુઆરીએ પણ રિલીઝ કરવા તૈયાર છે.