હાલમાં રાજ કુન્દ્રાએ એક ઇન્ટરવ્યુમાં શિલ્પા સાથેનાં તેનાં લગ્ન વિશેની રસપ્રદ વાત કરતાં કહ્યું હતું કે ‘અમારો સંબંધ ફક્ત પ્રેમ જ નહીં, ઊંડા વિશ્વાસ અને એકબીજા પ્રત્યેના સન્માન પર ટકેલો છે
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની ગણતરી બૉલીવુડના પાવર-કપલ તરીકે થાય છે. જોકે તેમની લવસ્ટોરી બહુ રસપ્રદ છે. હાલમાં રાજ કુન્દ્રાએ એક ઇન્ટરવ્યુમાં શિલ્પા સાથેનાં તેનાં લગ્ન વિશેની રસપ્રદ વાત કરતાં કહ્યું હતું કે ‘અમારો સંબંધ ફક્ત પ્રેમ જ નહીં, ઊંડા વિશ્વાસ અને એકબીજા પ્રત્યેના સન્માન પર ટકેલો છે. હું બિઝનેસ માટે દુબઈ શિફ્ટ થયો ત્યારે એક તબક્કે મારી મુલાકાત શિલ્પા સાથે થઈ. એ સમયે તે યુકેમાં ‘બિગ બ્રધર સીઝન 5’ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં હતી. અમારી ઓળખાણ ટૂંક સમયમાં દોસ્તીમાં બદલાઈ, પરંતુ જ્યારે લગ્નની વાત આવી ત્યારે શિલ્પાએ એક આકરી શરત મૂકી અને કહ્યું કે તે કોઈ NRI કે વિદેશી સાથે લગ્ન નહીં કરે, કારણ કે તે હંમેશાં ભારતમાં જ રહેવા માગે છે.’
ઇન્ટરવ્યુમાં રાજે આપેલી માહિતી પ્રમાણે શિલ્પાના આ નિર્ણયને સાંભળીને રાજે ભારતમાં પોતાનું ઠેકાણું શોધવાનું શરૂ કર્યું. એ સમયે તેની પાસે ભારતમાં કોઈ સંપત્તિ નહોતી. તેને ખબર પડી કે અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ની સામે એક સાત માળનો અપાર્ટમેન્ટ બની રહ્યો છે. વધુ વિચાર્યા વગર રાજે એનો સાતમો માળ ખરીદી લીધો અને શિલ્પાને આ વાત જણાવીને પ્રપોઝ કર્યું. શિલ્પા આ બાબતથી પ્રભાવિત થઈ અને તેણે રાજની પ્રપોઝલ સ્વીકારી લીધી અને આખરે બન્નેએ ૨૦૦૯ની બાવીસ નવેમ્બરે લગ્ન કર્યાં.


