બીજા દિવસે પોલીસ તરત તેના ઘરે તપાસ માટે પહોંચી, વિધાનપરિષદનાં ઉપસભાપતિ નીલમ ગોર્હેનું પણ નિવેદન
તનુશ્રી દત્તા
ઘણાં વર્ષોથી હું મારા જ ઘરમાં શોષણનો સામનો કરી રહી છું
મંગળવારે રાતે તનુશ્રી દત્તાએ સોશ્યલ મીડિયા પર તેનો એક રડતો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તેણે જણાવ્યું હતું કે તેને તેના જ ઘરમાં શોષણનો સામનો કરવો પડી રહ્યો છે. તનુશ્રીએ આ વાતની પોલીસમાં ફરિયાદ પણ કરી છે જેના પગલે ઓશિવરા પોલીસની એક ટીમ બુધવારે સવારે અંધેરી-વેસ્ટમાં આવેલા તેના ઘર ‘સમર્થ આંગન’ પહોંચી હતી. રિપોર્ટ પ્રમાણે પોલીસ લગભગ ૪૦ મિનિટ સુધી બિલ્ડિંગમાં રહી અને પછી તનુશ્રી સાથે વાતચીત કરીને પરત ફરી હતી. મળતી માહિતી અનુસાર પોલીસે તનુશ્રીને પોલીસ-સ્ટેશનમાં આવીને પોતાનું નિવેદન નોંધાવવા જણાવ્યું છે.
ADVERTISEMENT
મૂક્યો આરોપ
તનુશ્રી દત્તાએ મંગળવારે રાતે સોશ્યલ મીડિયા પર એક ચોંકાવનારો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘છેલ્લાં ઘણાં વર્ષોથી હું મારા જ ઘરમાં શોષણનો સામનો કરી રહી છું. મંગળવારે મેં પોલીસને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ-સ્ટેશન આવવાનું કહ્યું હતું. હું ખૂબ જ કંટાળી ગઈ છું, મોડું થઈ જાય એ પહેલાં પ્લીઝ મારી મદદ કરો. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં મને એટલી હેરાન કરવામાં આવી છે કે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. મેં હમણાં જ પોલીસને ફોન કર્યો છે. તેમણે મને પોલીસ-સ્ટેશન આવીને ફરિયાદ કરવાનું કહ્યું છે. હું કાલે અથવા પરમ દિવસે ફરિયાદ નોંધાવવા જઈશ. હું કોઈ કામ કરી શકતી નથી. મારું ઘર પણ વેરવિખેર પડ્યું છે. હું ઘરમાં નોકરાણી રાખી શકતી નથી. મને નોકરાણી સાથે ખરાબ અનુભવ થયા છે. તે ઘરમાં આવીને ચોરી કરે છે. મારે બધું કામ કરવું પડે છે. લોકો મારા દરવાજાની બહાર આવે છે.’ જોકે તનુશ્રીએ સ્પષ્ટ નથી કર્યું કે તે લોકો કોણ છે અને તે કોના વિશે વાત કરી રહી છે.
આવે છે વિચિત્ર અવાજો
તનુશ્રીએ એક અન્ય વિડિયો પણ શૅર કર્યો છે જેમાં સંપૂર્ણ અંધારું દેખાય છે, પરંતુ વિચિત્ર અવાજો સંભળાય છે. આ વિડિયો સાથે તેણે લખ્યું છે કે ‘૨૦૨૦થી લગભગ દરરોજ મારી ટેરેસની ઉપર અને મારા દરવાજાની બહાર આવા મોટા અવાજો આવે છે અને અન્ય ખૂબ જ જોરદાર ધડાકાના અવાજોનો મેં સામનો પણ કર્યો છે. હું બિલ્ડિંગ મૅનેજમેન્ટને ફરિયાદ કરીને કંટાળી ગઈ હતી અને થોડાં વર્ષો પહેલાં હાર માની લીધી હતી. હવે હું ફક્ત એની સાથે જીવું છું અને મારા મનને શાંત રાખવા માટે મંત્રો સાંભળું છું. આજે હું ખૂબ જ બીમાર હતી, કારણ કે તમે લોકો જાણો છો કે છેલ્લાં પાંચ વર્ષથી સતત તનાવ અને ચિંતાનો સામનો કરવાને કારણે મને ક્રૉનિક ફેટિંગ સિન્ડ્રોમ થયો છે. વિચારો, ગઈ કાલે મેં પોસ્ટ કરી હતી અને આજે પણ આ જ હાલત છે. પોલીસ-ફરિયાદમાં હું ઘણીબધી બાબતોનો ઉલ્લેખ કરીશ.’
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચે વર્ષો જૂનો વિવાદ
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચેનો વિવાદ ૨૦૧૮માં ભારતમાં #MeTooચળવળનો એક મહત્ત્વનો હિસ્સો બન્યો. આ વિવાદની શરૂઆત ૨૦૦૮માં ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમ્યાન થઈ, જ્યાં તનુશ્રીએ નાના પાટેકર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો. તનુશ્રીનો દાવો હતો કે નાના પાટેકરે એક ડાન્સ-સીક્વન્સ દરમ્યાન તેની સાથે અયોગ્ય વર્તન કર્યું જે તેના કૉન્ટ્રૅક્ટમાં નહોતું. તેણે આરોપ લગાવ્યો કે જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે નાનાએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સભ્યોને બોલાવીને તેને ડરાવવાનો પ્રયાસ કર્યો અને તેની કાર પર હુમલો પણ થયો. ૨૦૧૮માં તનુશ્રીએ આ આરોપોને ફરીથી હાઇલાઇટ કર્યા અને ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં નાના પાટેકર અને અન્ય સામે ફરિયાદ નોંધાવી.
જોકે પોલીસે પુરાવાના અભાવે ૨૦૧૯માં ક્લોઝિંગ રિપોર્ટ ફાઇલ કર્યો, જેમાં કહેવાયું કે આરોપો ખોટા હતા. માર્ચ ૨૦૨૫માં અંધેરી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટે પોલીસના રિપોર્ટને પડકારતી તનુશ્રીની અરજી ફગાવી દીધી. તનુશ્રીએ સોશ્યલ મીડિયા પર દાવો કર્યો કે કોર્ટે રિપોર્ટ રદ કર્યો છે અને ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ થશે, પરંતુ આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. તનુશ્રીએ એ સમયે નાનાની પબ્લિક રિલેશન ટીમ પર ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
પોલીસ આ મામલે સામેથી મામલો રજિસ્ટર કરે : શિવસેનાનાં નીલમ ગોર્હે
મહારાષ્ટ્ર વિધાનપરિષદનાં ઉપસભાપતિ નીલમ ગોર્હેએ તનુશ્રી દત્તાના વાઇરલ વિડિયો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ‘ઘરેલુ હિંસાનો મામલો ખૂબ જ ગંભીર છે અને દેશના ઘણા ભાગોમાં આવી ઘટનાઓ થઈ રહી છે, ક્યાંક મહિલાઓને કુકરમાં રાંધવામાં આવી રહી છે તો ક્યાંક મારીને ફ્રિજમાં મૂકવામાં આવે છે. આ મામલામાં ફક્ત વિડિયો જોઈને આની અવગણના ન કરવી જોઈએ. પોલીસે આ મામલે જાતે જ મામલો રજિસ્ટર કરવો જોઈએ. અમારી પાસે આ સંબંધમાં કાયદાઓ છે, મહારાષ્ટ્રમાં ફૅમિલી કોર્ટ પણ છે. હું નૅશનલ કમિશન ઑફ વિમેન (NCW)ને અપીલ કરીશ કે તેઓ આ વિડિયોની તપાસ કરે અને તનુશ્રી દત્તાને રાહત આપે. હું રાજ્ય મહિલા આયોગ સાથે પણ આ વિષય પર વાત કરીશ.’
નાના પાટેકર પર આરોપ
તનુશ્રીએ સોશ્યલ મીડિયા પર તેનો રડતો એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તેને તેના ઘરમાં પણ હેરાન કરવામાં આવી રહી છે. આ પછી તનુશ્રીએ એક ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં નાના પાટેકર પર આરોપ મૂક્યા છે. તનુશ્રીએ કહ્યું કે ‘આમાં નાના પાટેકરની સંડોવણી છે. તે આમાં એકલો નથી, બૉલીવુડ માફિયા ગૅન્ગ પણ આમાં સામેલ છે. આપણે બધાને ખબર છે કે સુશાંત સિંહ સાથે શું થયું હતું. તેના નજીકના લોકોને દૂર કરવામાં આવ્યા હતા. મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. તે એકલો કામ નથી કરી રહ્યો. આ લોકો છોકરીઓને ડરાવવા માગે છે. તેણે પોતે કહ્યું હતું કે જો તે અભિનેતા ન હોત તો અન્ડરવર્લ્ડમાં હોત. તે સારો માણસ તો નથી જ. તેણે પોતાનું ચરિત્ર બતાવી દીધું છે. મને આમાં અન્ડરવર્લ્ડનો હાથ દેખાય છે. આ લોકો ફોન, ઈ-મેઇલ, અકાઉન્ટ હૅક કરી રહ્યા છે. મારા પૈસા પણ લઈ લીધા છે. આજે મારી સાથે કંઈ થઈ જાય, મારું મૃત્યુ થઈ જાય તો હું નાના પાટેકર સિવાય બીજા કોઈનું નામ લેવા નથી માગતી. અન્ય હિરોઇનો જેવું કામ કરે છે મારે એ બધું નથી કરવું, મારે હીરોના ફાર્મહાઉસમાં નથી જવું, મારે સસ્તા રિયલિટી શોમાં નથી જવું. હું કાલે પોલીસ-સ્ટેશન જઈશ અને વાતચીત કરીશ કે શું કરવું. જે વિડિયો તમે જોયો એ મારી નિરાશા છે. પાંચ વર્ષથી મેં ઘણુંબધું સહન કર્યું છે. હવે મારાથી સહન નથી થઈ રહ્યું એટલે મને રડવું આવી ગયું.’


