નિમ્રતે સોશ્યલ મીડિયામાં પોતાની મહાકુંભની મુલાકાતની તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે જેમાં તે ભગવાં વસ્ત્રો અને ગળામાં રુદ્રાક્ષ પહેરીને માતા ગંગાને નમન કરતી જોવા મળી રહી છે.
નિમ્રત કૌર
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી છે અને આ યાદીમાં ઍક્ટ્રેસ નિમ્રત કૌરનો પણ સમાવેશ થઈ ગયો છે. તેણે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી મારીને અધ્યાત્મની દુનિયાને ઊંડાણથી સ્પર્શવાનો અનુભવ લીધો છે. તેણે ત્રિવેણી સંગમ ખાતે મેડિટેશન કર્યું હતું અને આ અનુભવને અનોખો આધ્યાત્મિક એક્સ્પીરિયન્સ ગણાવ્યો હતો. નિમ્રતે સોશ્યલ મીડિયામાં પોતાની મહાકુંભની મુલાકાતની તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે જેમાં તે ભગવાં વસ્ત્રો અને ગળામાં રુદ્રાક્ષ પહેરીને માતા ગંગાને નમન કરતી જોવા મળી રહી છે.
મહાકુંભની પોતાની તસવીરો શૅર કરતી વખતે નિમ્રત કૌરે વિગતવાર નોંધ લખીને પોતાનો અનુભવ જણાવ્યો છે. તેણે લખ્યું છે કે ‘મારી પાસે આ અનુભવનું વર્ણન કરવા માટે શબ્દો નથી, કારણ કે આમાં ભાગ લઈને હું મારી જાતને નસીબદાર સમજી રહી છું. મારો ઉછેર સિખ પરિવારમાં થયો હોવાને કારણે કુંભમેળામાં સ્નાનનો કન્સેપ્ટ મારા માટે એક સંપૂર્ણપણે નવો ખ્યાલ છે, પણ આ અનુભવ મારા માટે અલગ છે. મહાકુંભની અનોખી ઐતિહાસિક ઘટનાએ મને ખરેખર મંત્રમુગ્ધ કરી દીધી છે. આ ઘટનાએ મને પૌરાણિક કથાઓ અને ઇતિહાસમાં ઊંડા ઊતરવા માટે મજબૂર કરી છે. આ વર્ષે માનવતાના મહાસાગરના મિલનની ઉજવણી કરવામાં આવી જે હવે આપણી નશ્વર આંખો ક્યારેય જોશે નહીં. હું શ્રદ્ધા અને ભક્તિની એ ભાવનાથી બહુ અભિભૂત છું જેણે તમામ ઉંમરના અને અલગ-અલગ જગ્યાના લોકોને અહીં આવવા પ્રેરણા આપી છે.’


