મરાઠી અભિનેતા અને દિગ્દર્શક રવિન્દ્ર મહાજાનીના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. આ અભિનેતાનો મૃતદેહ શુક્રવારે 14 જુલાઈના રોજ પુણેના એક એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો.
રવિન્દ્ર મહાજની (ફાઈલ તસવીર)
`ઇમલી` ફેમ ગશ્મીર મહાજાનીના પિતા મરાઠી અભિનેતા અને દિગ્દર્શક રવિન્દ્ર મહાજાનીના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. આ અભિનેતાનો મૃતદેહ શુક્રવારે 14 જુલાઈના રોજ પુણેના એક એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અભિનેતા પૂણેના તાલેગાંવ દાભાડેના એક એપાર્ટમેન્ટમાં એકલો રહેતો હતો. મળતી માહિતી મુજબ તે છેલ્લા 8 માસથી અહીંની ઝરબીયા સોસાયટીમાં ભાડા પર રહેતો હતો. શુક્રવારે સાંજે 4.30 વાગ્યે એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
જાણ થતાં જ તાલેગાંવ MIDC પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે એપાર્ટમેન્ટને અંદરથી તાળું મારેલું જોવા મળ્યું હતું. સ્થાનિક રહેવાસીઓની હાજરીમાં પોલીસે ફ્લેટનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
ADVERTISEMENT
ફ્લેટમાં રવિન્દ્ર મહાજનીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ બાબતે જણાવ્યું હતું કે, “એપાર્ટમેન્ટના માલિકે મૃતદેહની ઓળખ અભિનેતા ગશ્મીર મહાજાનીના પિતા રવિન્દ્ર મહાજાની તરીકે કરી છે. પોલીસને શંકા છે કે અભિનેતાનું બે-ત્રણ દિવસ પહેલા નિધન થયું છે, આ તો દુર્ગંધ આવી પછી સૌને જાણ થઈ છે."
પોલીસે અભિનેતાના પરિવારને પણ આ મુદ્દે જાણ કરી હતી. મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર મહાજનીએ `મુંબઈચા ફોજદાર` (1984) અને `કલત નકલત` (1990) જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી હતી. 1970ના દાયકામાં તેણે મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ઘણી નામના મેળવી હતી. એટલું જ નહીં પરંતુ આ અભિનેતા દ્વારા વર્ષ 2019માં આવેલ પીરિયડ ડ્રામા ફિલ્મ `પાનીપત`માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
રવિન્દ્ર મહાજાનીનો પુત્ર ગશ્મીર મહાજાની પણ અભિનેતા છે. તેણે સિરિયલ `ઈમલી`માં આદિત્ય ત્રિપાઠીના પાત્રથી પોતાની ઓળખ બનાવી હતી. આ પછી તેણે `ઝલક દિખલા જા 10`માં રોલ કર્યો. હવે તે કલર્સની સીરિયલ `તેરે ઈશ્ક મેં ઘાયલ`માં જોવા મળી રહ્યો છે. રવિન્દ્ર મહાજનને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિનોદ ખન્ના કહેવામાં આવે છે. તેણે અભિનયની સાથે સાથે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો હતો.
‘અમિતાભ બચ્ચન સ્ટારર સાત હિન્દુસ્તાની’માં રવીન્દ્ર મહાજનીએ પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી. આ તેની પ્રથમ ફિલ્મ હતી. આ પછી તેણે મરાઠી ફિલ્મો આરામ હરામ આહે, દુનિયા કારી સલામ, હલ્દી કુંકુમાં પણ કામ કર્યું હતું. તેમની ફિલ્મ `લક્ષ્મી ચી પાવલે` બ્લોકબસ્ટર રહી હતી. વર્ષ 2015માં ફરી તેણે ફિલ્મ `કે રાવ તુમ્હી`થી કમબેક કર્યું હતું.
રવિન્દ્ર મહાજનીએ મરાઠી મનોરંજન જગતમાં લાંબો સમય ગાળ્યો છે. આવા હેન્ડસમ હીરોનો ફેન બેઝ ઘણો મોટો હતો. લોકપ્રિયતાના શિખરે રહેલા મહાજનીએ એક સમયે છેતરપિંડી, દેવું જેવી અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો.

