શાહરુખ-અક્ષય જેવા ઍક્ટર્સની ફિલ્મો માટે તેમણે ગીત લખ્યાં હતાં
ગીતકાર માયા ગોવિંદ
૭૦ના દાયકાથી માંડીને ૯૦ના દાયકા સુધી ફિલ્મોમાં ગીત લખનારાં માયા ગોવિંદનું ગઈ કાલે અવસાન થયું છે. ૮૨ વર્ષનાં માયા ઘણા સમયથી બીમાર હતાં. જુહુસ્થિત તેમના ઘરે તેમને હાર્ટ-અટૅક આવતાં સવારે સાડાનવ વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમના દિમાગમાં લોહીની ગાંઠ બની હતી. સાથે જ સ્વાસ્થ્યને સંબંધિત પણ અનેક બીમારીઓ તેમને ઘેરી વળી હતી. તેમણે અમિતાભ બચ્ચનની ‘ઐતબાર’, વિનોદ ખન્નાની ‘આરોપ’, હેમા માલિનીની ‘રઝિયા સુલતાન’, શાહરુખ ખાનની ‘ચાહત’, અક્ષયકુમારની ‘મૈં ખિલાડી તૂ અનાડી’, ગોવિંદાની ‘બેટી નંબર 1’, રવિના ટંડનની ‘દમન’ અને સલમાન ખાન, માધુરી દીક્ષિત નેનેની ‘હમ તુમ્હારે હૈ સનમ’નાં ગીતો લખ્યાં હતાં. છેલ્લા પાંચ મહિનામાં તેમને બે વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના અંતિમ સંસ્કાર સાંતાક્રુઝમાં આવેલા પવનહંસમાં કરવામાં આવ્યા હતા. તેમના વિશે તેમના દીકરા અજયે કહ્યું કે ‘તેમની તબિયત ઠીક ન હોવાથી તેમને બે વખત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ડિસેમ્બરમાં ચાર દિવસ માટે અને બાદમાં જાન્યુઆરીમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમને ઘરે જ સારવાર આપવામાં આવતી હતી. તેમના દિમાગમાં લોહીની ગાંઠ હોવાથી તેમને હેલ્થને લઈને અનેક સમસ્યા થઈ હતી. એથી ઘણા સમયથી તેઓ સ્વસ્થ નહોતાં. તેમનું અવસાન સવારે સાડાનવ વાગ્યે થયું હતું.’

