TMCએ જણાવ્યું છે કે ‘ફિલ્મમાં ખુદીરામ બોઝને ‘ખુદીરામ સિંહ’ તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને અમ્રિતસરના બરીન્દ્રકુમાર ઘોષને ‘બીરેન્દ્રકુમાર’ તરીકે દર્શાવવામાં આવ્યા છે જે બંગાળનું ગંભીર અપમાન છે
ફિલ્મનું પોસ્ટર
અક્ષયકુમારની તાજેતરમાં OTT પર રિલીઝ થયેલી ‘કેસરી ચૅપ્ટર 2’ના નિર્માતાઓ પર તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) દ્વારા ફિલ્મમાં રાજ્યના સ્વાતંત્ર્યસંગ્રામના યોગદાનના ઇતિહાસને ખરડવાનો અને બંગાળી ક્રાન્તિકારીઓનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. આ મામલે ‘કેસરી ચૅપ્ટર 2’ના ૭ નિર્માતાઓ સામે ભારતીય ન્યાયસંહિતાની અનેક કલમો હેઠળ કલકત્તાના બિધાનનગર સાઉથ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ વિવાદ ફિલ્મના એક સીનને લઈને શરૂ થયો છે જેમાં બંગાળના મુખ્ય સ્વાતંત્ર્યસેનાનીઓ ખાસ કરીને ક્રાન્તિકારી ખુદીરામ બોઝ અને બરીન્દ્રકુમાર ઘોષને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.
TMCએ જણાવ્યું છે કે ‘ફિલ્મમાં ખુદીરામ બોઝને ‘ખુદીરામ સિંહ’ તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને અમ્રિતસરના બરીન્દ્રકુમાર ઘોષને ‘બીરેન્દ્રકુમાર’ તરીકે દર્શાવવામાં આવ્યા છે જે બંગાળનું ગંભીર અપમાન છે. સ્વાતંત્ર્યસંગ્રામ દરમ્યાન બંગાળી ક્રાન્તિકારીઓ દ્વારા નિભાવવામાં આવેલી ભૂમિકાને ઓછી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે આની ટીકા કરીએ છીએ.’
ADVERTISEMENT
કરણસિંહ ત્યાગી દ્વારા નિર્દેશિત અને રઘુ પલાટ તથા પુષ્પા પલાટના પુસ્તક ‘ધ કેસ ધૅટ શુક ધ એમ્પાયર’ પર આધારિત આ ફિલ્મમાં ઘણી ઐતિહાસિક વ્યક્તિઓની ઓળખ બદલી નાખવામાં આવી છે. ચર્ચા પ્રમાણે ખુદીરામ બોઝ અને બરીન્દ્રકુમાર ઘોષ ઉપરાંત ફિલ્મમાં યુવાનોને બૉમ્બ બનાવવાની તાલીમ આપનાર ક્રાન્તિકારી હેમચંદ્ર કાનૂનગોને પણ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે અને ફિલ્મના નિર્માતાઓએ તેમના પાત્રને ‘કૃપાલ સિંહ’ નામના કાલ્પનિક પાત્ર સાથે બદલી નાખ્યું છે.
સેન્સર બોર્ડની ભૂમિકા પર સવાલ
TMCના નેતાઓએ કેન્દ્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી છે અને સેન્સર બોર્ડની ભૂમિકા પર સવાલ ઉઠાવીને કહ્યું છે કે આ ફિલ્મને સર્ટિફિકેટ પાસ કરવાની મંજૂરી કોણે આપી? બંગાળી દર્શકોના એક વર્ગે પણ સોશ્યલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.

