આવા સવાલ કરીને કંગના રનૌતે કહ્યું કે રાષ્ટ્રવાદ માત્ર આપણા સૈનિકો ને નેતાઓએ જ નથી કેળવવાનો
કંગના રનૌત
કંગના રનૌત દરેક મામલે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે. કંગના અને દિલજિત દોસાંઝના સંબંધો ખાસ સુમેળભર્યા નથી અને આ સ્થિતિમાં કંગનાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં ‘સરદારજી 3’ ફિલ્મમાં દિલજિતના પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિર સાથે કામ કરવાના વિવાદ વિશે પણ વાત કરી છે. કંગનાએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘દિલજિતે રાષ્ટ્રનિર્માણની ભાવના દર્શાવવાની જરૂર છે. આપણે રાષ્ટ્રનિર્માણની ભાવના રાખવી જોઈએ. દરેક વ્યક્તિ એમાં હિસ્સેદાર છે. આપણામાં આવી ભાવના કેમ નથી? એક દિલજિત પોતાનો અલગ રસ્તો કેમ બનાવી રહ્યો છે? આપણા ક્રિકેટરોની પોતાની અલગ મિત્રતા કેમ છે? આપણો સૈનિક રાષ્ટ્રવાદના રસ્તે ચાલી રહ્યો છે, રાજનેતા રાષ્ટ્રવાદના રસ્તે ચાલી રહ્યા છે. આપણે બધાને એકસાથે લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આ ત્યારે જ થશે જ્યારે આપણે લોકોને એ વિશ્વાસ અપાવીશું કે દેશભક્તિની વાત કરવી એ ફક્ત રાજનેતાઓનું કામ નથી, એ દરેકનું કામ છે.’
કંગના રનૌત અને દિલજિત દોસાંઝ વચ્ચેનો વિવાદ
ADVERTISEMENT
કંગના રનૌત અને દિલજિત દોસાંઝ વચ્ચે ૨૦૨૦ના ખેડૂત-આંદોલન વખતે મોટો વિવાદ સર્જાયો હતો. આ ખેડૂત-આંદોલન દરમ્યાન કંગનાએ એક વૃદ્ધ સિખ મહિલા વિશે ખોટી માહિતી ટ્વીટ કરી અને કહ્યું કે તે ખેડૂત-આંદોલનમાં ૧૦૦ રૂપિયા માટે ભાગ લઈ રહી છે. કંગનાની આ ટ્વીટથી ઘણા લોકો નારાજ થયા અને દિલજિતે આનો વિરોધ કરતાં ટ્વીટ કર્યું કે મહિલાનું નામ મહિન્દર કૌર છે અને કંગનાએ ખોટી માહિતી ફેલાવી છે. આ પછી બન્ને વચ્ચે ટ્વિટર પર ઉગ્ર બોલાચાલી થઈ જેમાં કંગનાએ પછી દિલજિતને ‘કરણ જોહરનો પાલતુ’ અને ‘ચમચો’ કહીને ટીકા કરી હતી.

