‘ભારત ભાગ્ય વિધાતા’ ટાઇટલ જૉન પાસે હતું, જે તેણે કોઈ પણ ચાર્જ લીધા વગર કંગનાની ફિલ્મના પ્રોડ્યુસરને આપી દીધું
જાૅન એબ્રાહમ
કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ ૧૨ જૂને રિલીઝ થવાની છે અને મંગળવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ મુંબઈના ૨૬/૧૧ના આતંકવાદી હુમલાઓ દરમ્યાન કામા હૉસ્પિટલની નર્સોએ દર્શાવેલી બહાદુરી અને સમર્પણની સત્ય ઘટનાથી પ્રેરિત છે. ‘ભારત ભાગ્ય વિધાતા’ના ટ્રેલર-લૉન્ચમાં કંગનાએ ખુલાસો કર્યો કે ‘ભારત ભાગ્ય વિધાતા’ ટાઇટલ મેળવવામાં જૉન એબ્રાહમે બહુ મદદ કરી હતી. કંગનાએ જણાવ્યું કે ફિલ્મનું મૂળ નામ ‘નર્સિસ ઑફ કામા’ હતું, પણ નિર્માતાઓએ ફિલ્મના વ્યાપક દૃષ્ટિકોણ અને ભાવનાત્મક મૂળને વધુ સારી રીતે વ્યક્ત કરે એવું નામ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો.
‘ભારત ભાગ્ય વિધાતા’ નામ કઈ રીતે તેને મળ્યું એ સમગ્ર ઘટનાક્રમ યાદ કરતા કંગનાએ કહ્યું હતું કે ‘ફિલ્મનું પહેલું નામ ‘નર્સિસ ઑફ કામા’ હતું. અમે એનું નામ બદલીને ‘ભારત ભાગ્ય વિધાતા’ રાખવા માગતા હતા. જ્યારે અમે આ શીર્ષક વિશે વિચાર્યું ત્યારે ખબર પડી કે એ પહેલેથી જ જૉને નોંધાવેલું છે, પણ જ્યારે અમે જૉનને વિનંતી કરી ત્યારે તેણે માત્ર એક જ દિવસમાં અમને આ શીર્ષક આપી દીધું.’
ADVERTISEMENT
આ ઘટના વિશે વાત કરતી વખતે કંગનાએ જૉનની ઉદારતાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘સામાન્ય રીતે લોકો પોતાના ફિલ્મના શીર્ષકનો ત્યાગ કરતા નથી, પરંતુ જૉને કોઈ પણ પ્રકારની રકમ લીધા વિના અમને આ શીર્ષક આપી દીધું. તેણે એના બદલામાં કોઈ ચાર્જ પણ લીધો નહોતો.’
