Indian Flag Insulted In Texas: અમેરિકાના ટેક્સાસમાં ભારતીય રાષ્ટ્રધ્વજના અપમાનની એક ઘટના સામે આવી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અમેરિકાના ટેક્સાસમાં ભારતીય રાષ્ટ્રધ્વજના અપમાનની એક ઘટના સામે આવી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટેક્સાસના ફ્રિસ્કો શહેરમાં સિટી હોલની બહાર એક અમેરિકન નાગરિક જાહેરમાં ભારતીય તિરંગો ફાડતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ભારત અને ભારતીયો વિશે અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી. ચોંકાવનારી વાત એ હતી કે આસપાસ હાજર કેટલાક લોકો તેને રોકવાને બદલે તેનો ઉત્સાહ વધારતા નજરે પડ્યા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારતીય રાષ્ટ્રધ્વજના સન્માન અને વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ચર્ચા તેજ બની છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો `એલિજાહ શેફર` નામના એક યુઝરે શેર કર્યો હતો. તેની પ્રોફાઇલ મુજબ તે ‘અમેરિકા ફર્સ્ટ’ વિચારધારાનો સમર્થક છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે.
ADVERTISEMENT
FRISCO: “F*ck India! F*ck India!”
— E (@ElijahSchaffer) June 3, 2026
A Texas resident @Channel6ixNEWS rips an Indian flag in front of city hall
Voicing anger against the Indian immigration invasion in north Dallas pic.twitter.com/N6Ec0oVSUT
વીડિયોમાં શું જોવા મળ્યું?
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ મોંમાં સિગારેટ રાખીને સિટી હોલની બહાર ઊભો છે અને ભારતીય તિરંગાને ફાડી રહ્યો છે. આ દરમિયાન તે ભારત અને ભારતીયો વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતો જોવા મળે છે. વીડિયોમાં પાછળ કેટલાક લોકો અમેરિકન ધ્વજ સાથે ઊભા હોવાનું પણ જોવા મળે છે. ઘટનાસ્થળે હાજર કેટલાક લોકો આ હરકતનો વિરોધ કરવાની જગ્યાએ તેનો આનંદ લેતા હોવાનું વીડિયોમાં દેખાય છે.
ભારતીય પ્રવાસીઓ સામે વધતી નારાજગીનો દાવો
વીડિયો શેર કરનાર યુઝરના દાવા મુજબ, ફ્રિસ્કો અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને તેમના પરિવારોની સંખ્યા ઝડપથી વધી છે. તેના કારણે કેટલાક સ્થાનિક અમેરિકનોમાં અસુરક્ષાની લાગણી અને ભારતીયો પ્રત્યે નારાજગી વધી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
સોશિયલ મીડિયા પર ભારતીયોનો આક્રોશ
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારતીયોએ આ ઘટનાની કડક નિંદા કરી છે. એક યુઝરે લખ્યું કે, “ભારતના પ્રતિભાશાળી લોકો સાથે સ્પર્ધા કરવા માટે મહેનત અને કૌશલ્ય જોઈએ. માત્ર નફરત ફેલાવવાથી કંઈ બદલાવાનું નથી.”
અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે, “તમે ભારતીયો પ્રત્યે નફરત રાખી શકો છો, પરંતુ ભારતને અવગણી શકતા નથી. વિશ્વભરની મોટી કંપનીઓ આજે ભારત સાથે વેપાર અને રોકાણ માટે આગળ આવી રહી છે.”
બીજા એક યુઝરે લખ્યું કે, “નફરતભર્યા ભાષણો અને રાષ્ટ્રધ્વજનું અપમાન હજારો વર્ષ જૂની સંસ્કૃતિને નબળી પાડી શકતું નથી. આવી હરકતો માત્ર સંકુચિત માનસિકતા અને અજ્ઞાનતાનું પ્રતિબિંબ છે. ભારત હંમેશા મજબૂત રહ્યું છે અને રહેશે.”
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારતીય રાષ્ટ્રધ્વજના સન્માન અને વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને ચર્ચા તેજ બની છે.
