આ વર્ષે રણબીર અને આલિયા દીકરી રાહા સાથે કદાચ નવા ઘરમાં દિવાળી ઊજવશે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું નવું ઘર બાંદરાના પાલી હિલ વિસ્તારમાં બનીને તૈયાર થઈ ગયું છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું નવું ઘર બાંદરાના પાલી હિલ વિસ્તારમાં તૈયાર થઈ રહ્યું હતું અને હવે એ બનીને તૈયાર થઈ ગયું છે. રણબીર-આલિયાના આ નવા ઘરની કિંમત લગભગ ૨૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પ્રૉપર્ટી મૂળ રણબીર કપૂરનાં દાદા-દાદી રાજ કપૂર અને કૃષ્ણા કપૂરની હતી જે ૧૯૮૦માં રણબીરનાં માતા-પિતા રિશી કપૂર અને નીતુ કપૂરને વારસામાં મળી હતી. રણબીર અને આલિયાએ આ પ્રૉપર્ટી રીડેવલપ કરી છે અને મળતી માહિતી પ્રમાણે ૬ માળના આ લક્ઝરી બંગલાનું બાંધકામ પૂરું થઈ ગયું છે. આવી સ્થિતિમાં તેઓ ટૂંક સમયમાં પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ શકે છે.
હાલમાં આ ઘરનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આલિયા અને રણબીર દીકરી રાહા સાથે નવા ઘરના બાંધકામ દરમ્યાન ઘણી વખત ત્યાં જોવા આવ્યાં હતાં. નીતુ કપૂર પણ ઘણી વખત ત્યાં જોવા ગયાં હતાં. રણબીર કપૂરનાં દાદી કૃષ્ણા રાજ કપૂરના નામે રાખવામાં આવેલો આ શાનદાર બંગલો માત્ર એક આલીશાન પ્રૉપર્ટી નથી, એ તેમની પુત્રી રાહા કપૂર માટે ઇમોશનલ ગિફ્ટ પણ છે. એવું કહેવાય છે કે ૨૫૦ કરોડની કિંમતનો આ બંગલો ટૂંક સમયમાં રાહાના નામે રજિસ્ટર થવાનો છે.
ADVERTISEMENT
ગયા વર્ષે એવા રિપોર્ટ આવ્યા હતા કે રણબીર અને આલિયા કદાચ તેમના નવા ઘરમાં દિવાળી ઊજવશે. જોકે એ સમયે ઘરને પૂર્ણ થવામાં સમય લાગવાનો હતો, પણ હવે મળતી માહિતી પ્રમાણે આ બંગલાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. હાલમાં ફિનિશિંગ ચાલી રહ્યું છે જે એક મહિનામાં પૂરું થઈ જશે. કામ પૂર્ણ થયા બાદ રણબીર અને આલિયા પરિવાર સાથે ત્યાં શિફ્ટ થઈ જશે. આ વર્ષે રણબીર અને આલિયા દીકરી રાહા સાથે કદાચ નવા ઘરમાં દિવાળી મનાવશે.

