અક્ષયકુમારે પોતાની ફિલ્મની નિષ્ફળતાનો દોષ પોતાના માથે લીધો છે. તેની શુક્રવારે રિલીઝ થયેલી ‘સેલ્ફી’એ બૉક્સ-ઑફિસ પર કાંઈ ખાસ કમાલ નથી દેખાડી.
અક્ષય કુમાર
અક્ષયકુમારે પોતાની ફિલ્મની નિષ્ફળતાનો દોષ પોતાના માથે લીધો છે. તેની શુક્રવારે રિલીઝ થયેલી ‘સેલ્ફી’એ બૉક્સ-ઑફિસ પર કાંઈ ખાસ કમાલ નથી દેખાડી. અગાઉ અક્ષયકુમારની ‘બચ્ચન પાન્ડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘રક્ષાબંધન’ અને ‘રામ સેતુ’ ખરાબ રીતે બૉક્સ-ઑફિસ પર પટકાઈ હતી. એથી એમ કહી શકાય કે અક્ષયકુમારની સળંગ પાંચ ફિલ્મો લોકોને આકર્ષિત નથી કરી શકી. હવે નિષ્ફળતાનો દોષ પોતાના માથે લેતાં અક્ષયકુમારે કહ્યું કે ‘આ એક અલાર્મ છે. તમારી ફિલ્મ નથી ચાલી રહી તો ભૂલ પણ તમારી જ છે. તમારી ફિલ્મો સતત ફ્લૉપ થઈ રહી હોય તો એક અલાર્મ છે કે બદલાવ લાવવાનો સમય આવી ગયો છે. હું પ્રયાસ કરી રહ્યો છું. એટલું જ હું કરી શકું છું. દર્શકોને કે પછી અન્ય લોકોને દોષ આપવાની જરૂર નથી. સો ટકા આ મારી ભૂલ છે. તમારી ફિલ્મ ન ચાલવા પાછળ દર્શકો જવાબદાર નથી. તમે શું પસેક કર્યું એના પર આધારિત છે. બની શકે કે તમે ફિલ્મ માટે જરૂરી મસાલાનો ઉમેરો નહીં કર્યો હોય. આ કાંઈ પહેલી વખત મારી સાથે આવું નથી થયું. એક સમય એવો
પણ આવ્યો હતો જ્યારે મારી આઠ ફિલ્મો નહોતી ચાલી. હવે મારી ત્રણ-ચાર ફિલ્મો નથી ચાલી રહી. ફિલ્મ ન ચાલવી એ તમારી ભૂલનું પરિણામ છે. દર્શકો બદલાયા છે, તમારે પણ બદલાવાની જરૂર છે.’
અક્ષયકુમારને ટ્રોલ કરનારા લોકોને એકતા કપૂરે જડબાતોડ જવાબ આપ્યો છે. કોઈના પણ નામનો ઉલ્લેખ કર્યા વગર એકતાએ ઇન્સ્ટાસ્ટોરી પર લખ્યું કે ‘અક્ષયકુમાર સૌથી વિશ્વાસને પાત્ર અને જેની સાથે કામ કરી શકાય એવો ઍક્ટર છે. કોઈને નીચા દેખાડવા માટે જાણી જોઈને તેના કપરા સમયને હાઇલાઇટ કરવું એ પોતાનામાં જ હલકી કક્ષાનું કામ છે. આ અસંવેદનશીલ છે.’


