મને તો પર્સનલી એવું જ લાગે છે કે ‘શૈતાન’ની સક્સેસ એ હકીકતમાં આપણી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની જ સક્સેસ કહેવાય. એ ફિલ્મ સારી હતી એટલે તો હિન્દી મેકર્સે એના રાઇટ્સ ખરીદ્યા અને હિન્દી ફિલ્મ બનાવી
ફિલ્મના પોસ્ટર
યસ, ફાઇનલી આપણી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની સ્ટોરી ૧૦૦ કરોડની ક્લબમાં પહોંચી ગઈ અને એની સાથે આપણી ઍક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ. જાનકી સાથે મેં ફિલ્મો કરી છે અને હજી પણ અમે સાથે કામ કરવાનાં છીએ, પણ આપણે એ ડિસ્કશન અત્યારે નથી કરવું. અત્યારે વાત કરવી છે આપણી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની. ‘વશ’ રિલીઝ થઈ ત્યારે જ એણે સન્નાટો પ્રસરાવી દીધો હતો. આ પ્રકારની ફિલ્મ ગુજરાતીમાં બને અને એ પણ આટલા ઢાંસુ ઍક્ટર સાથે એ તો દૂર-દૂર સુધી કોઈએ વિચાર્યું નહોતું, પણ ‘વશ’ બની અને એણે એવો તો દેકારો બોલાવી દીધો કે રીતસર આપણી ગુજરાતી ઑડિયન્સ એકમેકને કહેવા લાગી, ‘ભાઈ, ફિલ્મ બહુ સરસ છે, પણ જોવા ન જતા, બહુ સ્કૅરી છે.’ ફિલ્મ હતી પણ એવી જ. હું કહીશ કે ‘શૈતાન’ કરતાં પણ વધારે સ્કૅરી. એનું કારણ પણ કહું. તમે કોઈ પણ ફિલ્મ જોવા જતા હો તો એક માઇન્ડસેટ બનાવીને ગયા હો કે આપણે આવી ફિલ્મ જોવા જઈએ છીએ. ‘વશ’ માટે પણ એવું જ હતું. સાયકો-થ્રિલર ફિલ્મ હતી એ બધાને ખબર હતી, સુપર નૅચરલ પાવર એમાં દર્શાવવામાં આવ્યો છે એ પણ બધાને ખબર હતી, પણ બધાને એમ જ હતું કે આ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, એક લિમિટથી આગળ આપણે ત્યાં કોઈ નહીં વિચારી શકે અને એ બધામાં ‘વશ’ બહુ આગળ નીકળી અને એવી આગળ નીકળી ગઈ કે છેક અજય દેવગન અને જિયો ફિલ્મ્સની નજરમાં એ આવી અને એની હિન્દી રીમેક બની.
‘શૈતાન’ની સક્સેસથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બહુ મોટો બેનિફિટ થાય એવું મને લાગે છે. પહેલો બેનિફિટ એ કે ‘વશ’ની જેમ ઑફબીટ સબ્જેક્ટ્સ કરવાની હવે પ્રોડ્યુસર હિંમત કરશે એટલે મોટા ભાગે એકસરખી જ ફિલ્મો આવે છે એવું નહીં બને. અફકોર્સ, હવે પહેલાંની જેમ કન્ટિન્યુ કૉમેડી ફિલ્મ નથી આવતી છતાં પ્રોડ્યુસરને વધારે પડતા સિક્યૉર રહેવું હોય છે. સિક્યૉરિટીને ધ્યાનમાં રાખીને પણ નવા-નવા સબ્જેક્ટ્સ પર કામ થાય છે અને લોકોને એ ગમે પણ છે. જુઓને ‘કસુંબો’ને.
ADVERTISEMENT
પાલિતાણાને બચાવવા માટે મેદાનમાં ઊતરેલા પ૧ જણની વાત કેટલી સરસ રીતે બધાની સામે આવી. જો બીજો કોઈ પિરિયડ હોત તો એ સ્ટોરી પર કામ કરવાની હિંમત ન કરી હોત, પણ અત્યારે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિટ પિરિયડમાંથી પસાર થાય છે. હિંમત કરવાની હિંમત પણ પ્રોડ્યુસરમાં આવતી જાય છે તો નવા સબ્જેક્ટ્સની ડિમાન્ડ પણ નીકળતી જાય છે. મેં હમણાં જ એક ફિલ્મ કરી, ‘અજબ રાતની ગજબ વાત’. એમાં પણ આઉટ ઑફ બૉક્સ કહેવાય એવો સબ્જેક્ટ છે તો એ સિવાય પણ લંડન જઈને એક ફિલ્મ શૂટ કરી એ પણ બિલકુલ નવો સબ્જેક્ટ છે. આ વર્ષે મારી આ બન્ને ફિલ્મો રિલીઝ થશે અને તો મારી પહેલી હિન્દી ફિલ્મ પણ રિલીઝ થશે, પણ આપણો પૉઇન્ટ એ છે કે ઑફબીટ સબ્જેક્ટ્સ હવે ડિમાન્ડમાં આવી ગયા છે અને એની જો ક્રેડિટ કોઈને આપવાની હોય તો એ ક્રેડિટ ‘વશ’ અને ‘રાડો’ જેવા ટોટલી ડિફરન્ટ સબ્જેક્ટ્સ લઈને આવ્યા એ ડિરેક્ટર-રાઇટર કૃષ્ણદેવ યાજ્ઞિકને જ મળે. નવા સબ્જેક્ટ્સ લાવવાનું કામ બહુ ટફ નથી પણ એ સબ્જેક્ટ્સ માટે પ્રોડ્યુસરને કન્વિન્સ કરવા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
જાનકી બોડીવાલા વિશે પણ મારે ઘણું કહેવું છે. અમે તો સાથે કામ કર્યું છે એટલે તેની કામ કરવાની સ્ટાઇલ અને કામના પ્રિપરેશનથી લઈને કામ માટેનો તેનો ટેમ્પરામેન્ટ, તેનું ડેડિકેશન એ બધું બહુ નજીકથી જોયું છે એટલે જાનકી વિશે તો લાંબી વાત કરી શકીશ, પણ એ પહેલાં મારે એક વાત ખાસ કહેવી છે, જે આપણી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ થયેલી નથી.
ઇલેક્શનની ડેટ્સ અનાઉન્સ થઈ ગઈ છે. નૅચરલી ઇલેક્શન તો દર પાંચ વર્ષે આવે જ છે અને આપણામાંથી મોટા ભાગના એ ઇલેક્શનના દિવસની રજાને મસ્ત રીતે આરામ કરવામાં પસાર કરે છે, પણ આ વખતે આપણે બધાએ નક્કી કરવાનું છે કે વોટિંગ માટે જવું અને આપણો વોટ આપવો જ આપવો. વોટિંગ કરવું એ આપણો રાઇટ્સ જ નથી, પણ આપણી રિસ્પૉન્સિબિલિટી પણ છે. જો આપણે ઇચ્છતા હોઈએ કે આપણા દેશમાં ચેન્જ આવે, આપણો દેશ છે એના કરતાં વધુ બેટર બને, આગળ વધે તો એને માટે આપણે પણ આપણી રિસ્પૉન્સિબિલિટી પૂરી કરવી પડશે. ઇલેક્શનના દિવસોમાં વેકેશન પર જવાનું પ્લાનિંગ પણ ન કરતા અને ઇલેક્શનના દિવસે વોટ આપવા જવાનું પણ ન ટાળતા. હાર્ડલી અડધા કલાકની એ આખી પ્રોસેસ હોય છે, પણ એ અડધો કલાક દેશ અને લાઇફ ચેન્જ કરવા માટે બહુ અગત્યનો છે.


