આ ફિલ્મને રિષભ શેટ્ટીએ લખી અને ડિરેક્ટ પણ કરી છે

શાહિદ કપૂર
શાહિદ કપૂરે જણાવ્યું છે કે ‘કાંતારા’ જેવી ફિલ્મોને કેવી રીતે જજ કરી શકાય? રિષભ શેટ્ટીની આ ફિલ્મ ગયા વર્ષે ૩૦ સપ્ટેમ્બરે કન્નડમાં રિલીઝ થઈ હતી. બાદમાં એને હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને રિષભ શેટ્ટીએ લખી અને ડિરેક્ટ પણ કરી છે. એ ફિલ્મ વિશે શાહિદે કહ્યું કે ‘તમે ‘કાંતારા’ જેવી ફિલ્મોને કેવી રીતે જજ કરી શકો? એ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે એટલી ભવ્ય નહોતી. હા, એને જોવી એ ભવ્ય અનુભવ હતો. આજે આ ફિલ્મ જે કંઈ પણ છે એને દર્શકોએ બનાવી છે. એક ફિલ્મ એક અદ્ભુત અનુભવ અપાવી શકે છે એનું આ ઉદાહરણ છે. મને એવું લાગે છે કે છેલ્લાં ત્રણ વર્ષોમાં ઘણાંબધાં પરિવર્તન આવ્યાં છે. ફરક એટલો છે કે હું ઘરે બેસીને અને થિયેટરમાં જઈને શું જોવા માગું છું. એક વસ્તુ મારા ધ્યાનમાં આવી છે કે દર્શકો સાધારણ કન્ટેન્ટ પર પોતાની મહેનતની કમાણી ખર્ચ કરવા નથી માગતા. જો તમારી કન્ટેન્ટ મનોરંજનની દૃષ્ટિએ સારી હોય તો એ સફળ બને છે. દર્શકોને સારી કન્ટેન્ટ જોવી છે. તેમને થિયેટર્સમાં જઈને ફિલ્મો જોવી છે, પરંતુ તેમને ખેંચી લાવવા એ મેકર્સના હાથમાં છે.’

