Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગન સાથે કામ કરવા માટે વર્ષોથી મથતા કૃષ્ણદેવ યાજ્ઞિક પાસે તે સામેથી આવ્યો

અજય દેવગન સાથે કામ કરવા માટે વર્ષોથી મથતા કૃષ્ણદેવ યાજ્ઞિક પાસે તે સામેથી આવ્યો

19 March, 2024 06:28 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અજયે ઉત્તર પ્રદેશમાં બેસીને ‘વશ’ જોઈ અને જોઈને તેણે તરત નક્કી કરી લીધું કે તે આ ફિલ્મમાં કામ કરશે

કૃષ્ણદેવ યાજ્ઞિક સાથે ‘વશ’ની લીડ સ્ટારકાસ્ટ. ડાબેથી હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા અને હિતેનકુમાર.

કૃષ્ણદેવ યાજ્ઞિક સાથે ‘વશ’ની લીડ સ્ટારકાસ્ટ. ડાબેથી હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા અને હિતેનકુમાર.


ગુજરાતી નાટક પરથી ફિલ્મો બની છે, પણ ગુજરાતી ફિલ્મની હિન્દી રીમેક પહેલી વાર બની. આપણે વાત કરીએ છીએ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક એવી ‘શૈતાન’ની. ‘શૈતાન’એ દસ દિવસમાં વર્લ્ડવાઇડ ૧૩૩ કરોડના બિઝનેસને ક્રૉસ કરી લીધો અને ટ્રેડ-એક્સપર્ટ્સનું માનવું છે કે આ ફિલ્મ ૨૦૦ કરોડથી પણ વધારેનો થિયેટ્રિકલ બિઝનેસ કરશે. ‘શૈતાન’ની સક્સેસના કારણે નૅચરલી ઓરિજિનલ ફિલ્મ ‘વશ’ના રાઇટર-ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની ડિમાન્ડ વધી ગઈ છે અને વધે પણ શું કામ નહીં? ‘છેલ્લો દિવસ’, ‘નાડીદોષ’, ‘શું થયું?’, ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’ જેવી સુપરહિટ ફિલ્મોની સાથે ‘રાડો’ જેવી પાથ-બ્રેકિંગ ફિલ્મ આપી ચૂકેલા કૃષ્ણદેવ યાજ્ઞિકનો ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો ટ્રૅક રેકૉર્ડ ઊડીને આંખે વળગે એવો છે. કૃષ્ણદેવ યાજ્ઞિક કહે છે, ‘રીમેક મારા માટે નવી વાત નથી, મારી જ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ પરથી બનેલી હિન્દી ફિલ્મ ‘ડેઝ ઑફ ટપરી’ મેં જ બનાવી હતી. ન્યુકમર્સ સાથેની એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ઍવરેજ રહી પણ જો ‘શૈતાન’ની વાત કરું તો મારા માટે એ પાવર ઑફ ઍટ્રૅક્શનનું રિઝલ્ટ હતું. મારે અજય દેવગન સાથે વર્ષોથી કામ કરવું હતું, જેના માટે મેં બહુ સ્ટ્રગલ પણ કરી પણ કંઈ વર્કઆઉટ ન થયું અને ફાઇનલી મને ‘વશ’ના કારણે તેમની સાથે કોઈ ને કોઈ રીતે જોડાવાની તક મળી.’ બહુ ઓછા લોકો જાણે છે કે ગુજરાતી ફિલ્મોના સુપરહિટ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને ફિલ્મ-ડિરેક્ટર નહીં પણ મ્યુઝિક-ડિરેક્ટર બનવું હતું, જેના માટે તેણે લાંબો સમય મુંબઈમાં સ્ટ્રગલ પણ કરી.

ફિલ્મ ‘વશ’ના એક સીનના શૂટિંગ સમયે કૃષ્ણદેવ યાજ્ઞિક અને કારમાં હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા.



જતીન પંડિતના અસિસ્ટન્ટ 
મ્યુઝિક-ડિરેક્ટર જતીન-લલિત પૈકીના જતીન પંડિતના તેઓ અસિસ્ટન્ટ હતા. પોતાના એ જૂના દિવસોને યાદ કરતાં કૃષ્ણદેવ યાજ્ઞિક કહે છે, ‘જતીનજીનો સ્ટુડિયો અને અજય દેવગનની ઑફિસ બાજુ-બાજુમાં એટલે હું મારાં કમ્પોઝિશન તૈયાર કરીને જતીનજી ન હોય એવા સમયે બહાર બેસું અને અજય દેવગન નીકળે એટલે તેમને મારા મ્યુઝિકની સી.ડી. તેમને આપીને રિક્વેસ્ટ કરું કે સર, પ્લીઝ આ સાંભળજો. એ સાંભળતા કે નહીં એની તો મને ખબર નથી, પણ એ દર વખતે મારી પાસેથી સી.ડી. લઈ લે. એક વાર તો દોડીને હું તેમની કાર પાસે ગયો અને મેં તેમને સી.ડી. આપીને કહ્યું કે સર, તમે કારમાં છો તો પ્લીઝ ટ્રાય કરજો અને મારું મ્યુઝિક સાંભળજો.’ સ્ટ્રગલનું કોઈ પરિણામ ન આવ્યું અને કૃષ્ણદેવ યાજ્ઞિકે રાઇટિંગની દિશામાં કામ કર્યું અને ‘છેલ્લો દિવસ’ ફિલ્મ લખી, જેણે તેમનું અને ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું નસીબ બદલી નાખ્યું.


સૌથી પહેલાં કુમાર મંગત
અજય દેવગનના ફ્રેન્ડ અને પાર્ટનર કુમાર મંગતે જ ગુજરાતી ફિલ્મ ‘વશ’ રિલીઝ કરી, પણ તેણે ફિલ્મ જોઈ નહોતી. જોકે રિલીઝ પછી ‘વશ’નાં બહુ વખાણ થયાં એટલે કુમાર મંગતને તેની ટીમે ફિલ્મ જોવા માટે આગ્રહ કર્યો અને કુમાર મંગતે ફિલ્મ જોઈ. ફિલ્મ જોયા પછી કુમાર મંગતે તરત જ અજય દેવગનને ફિલ્મ દેખાડવાનું નક્કી કર્યું. એ સમયે અજય દેવગન યુપીમાં શૂટિંગ કરતો હતો એટલે તેણે ફિલ્મ ત્યાં જોઈ અને ફિલ્મ જોયા પછી તેણે તરત નક્કી કરી લીધું કે તે આ ફિલ્મ કરશે. કૃષ્ણદેવ યાજ્ઞિક કહે છે, ‘મારા માટે તો ત્યાં જ વાત પૂરી થઈ ગઈ કે અજય દેવગનને ફિલ્મના રાઇટ્સ જોઈએ છે. પાવર ઑફ ઍટ્રૅક્શનનું મને આ રિઝલ્ટ લાગ્યું. જેમના માટે હું મ્યુઝિક કમ્પોઝ કરવા માગતો હતો એ જ મારો સ્ટાર હવે મારી ફિલ્મની રીમેક બનાવે એનાથી મોટી ખુશી બીજી કઈ હોય?’ ‘વશ’ની વાર્તા સાવ અનાયાસ જ ગાડી ચલાવતાં-ચલાવતાં કૃષ્ણદેવ યાજ્ઞિકના મનમાં આવી હતી.

આગળવાળાને કન્ટ્રોલ કરું
કોવિડનો પિરિયડ હજી શરૂ નહોતો થયો એ સમયની વાત છે. કાર ડ્રાઇવ કરતાં કૃષ્ણદેવ યાજ્ઞિકની ગાડીની આગળ ચાલતી કારનો ડ્રાઇવર તેમને આગળ નીકળવાની જગ્યા નહોતો આપતો. કેડીના હુલામણા નામે ઓળખાતા કૃષ્ણદેવ યાજ્ઞિક કહે છે, ‘ઑલમોસ્ટ આખો રસ્તો તેણે કવર કરી લીધો હતો. પંદરેક મિનિટ સુધી મેં બહુ હૉર્ન માર્યાં, ઇન્ડિકેટર્સ આપ્યાં પણ એ કંઈ સમજે જ નહીં અને મને સડન્લી વિચાર આવ્યો કે કાશ મારામાં અત્યારે એટલો પાવર હોત કે હું તેના મગજનો કન્ટ્રોલ લઈ લઉં અને તેને કમાન્ડ આપું કે હવે ગાડી આ રીતે સાઇડ પર લઈ પાછળવાળાને ઓવરટેક કરવા દે.’ મનમાં આવેલા આ વિચાર સાથે જ વ્યક્તિને વશમાં લઈએ તો શું થાય એ દિશામાં મગજ કામે લાગ્યું અને તેમણે વિચાર પેપર પર લેવાનું શરૂ કર્યું. કૃષ્ણદેવ યાજ્ઞિક કહે છે, ‘કોઈ રિસર્ચ નહીં અને ભૂત-પ્રેત, જાદુટોણામાં સહેજ પણ વિશ્વાસ નહીં પણ એટલી ખબર કે લોકોને આવું બધું જોવું બહુ ગમતું હોય છે. ફિલ્મ લખતી વખતે મારા મનમાં વાત ક્લિયર હતી કે એ બહુ સ્કૅરી બનાવવી છે.’


હિન્દીની પણ કરી તૈયારી
હા, ગુજરાતી સ્ક્રિપ્ટ તૈયાર થતી હતી એ જ સમયે કૃષ્ણદેવ યાજ્ઞિકને લાગ્યું કે આ સબ્જેક્ટ હિન્દીમાં વધારે સારું વર્ક કરશે એટલે તેમણે ગુજરાતીની સાથે હિન્દી સ્ક્રિપ્ટ પણ તૈયાર કરવાનું શરૂ કર્યું અને આખી સ્ક્રિપ્ટ રેડી પણ કરી, પણ ફાઇનલી હિન્દી પ્રોજેક્ટને પડતો મૂક્યો. કૃષ્ણદેવ યાજ્ઞિક કહે છે, ‘હિન્દી માટે બજેટ-ફ્રેન્ડ્લી અને છતાં સારા કહેવાય ઍક્ટર પણ મળી જાય અને સિંગલ શેડ્યુલમાં શૂટ પણ થઈ જાય, પણ એ પછી મોટામાં મોટો ઇશ્યુ જો કોઈ હોય તો એ પબ્લિસિટી અને માર્કેટિંગનો છે. નાની ફિલ્મના માર્કેટિંગમાં પણ આઠથી દસ કરોડનું મિનિમમ બજેટ લાગી જતું હોય છે અને આપણે તો બે-ચાર કરોડમાં આખી ફિલ્મ ઊભી કરી લેતા હોઈએ. આ જ કારણ છે કે ‘વશ’ હિટ થયા પછી મને ઘણા લોકોએ હિન્દી રીમેક માટે કહ્યું પણ મેં એ લોકોને ના જ પાડી.’

જો પોતે ‘વશ’ હિન્દીમાં બનાવી હોત તો એ ‘શૈતાન’ જેટલી ક્રિસ્પી ન બની હોત એ વાત પણ કૃષ્ણદેવ યાજ્ઞિક સહજ રીતે સ્વીકારે છે.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2024 06:28 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK